World

યુક્રેન: ઈમારત સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર ક્રેશ, 3 મંત્રીઓ સહિત 16ના મોત

નવી દિલ્હી: યુક્રેનની (Ukraine) રાજધાની કિવ (Kyvi) પાસે એક મોટો અકસ્માત (Accident) થયો છે. અહીં એક હેલિકોપ્ટર (Helicopter) બિલ્ડિંગ સાથે અથડાયા બાદ ક્રેશ (Crash) થયું હતું. આ દુર્ઘટનામાં યુક્રેનના ગૃહમંત્રી (Home Minister) સહિત 3 મંત્રીઓના મોત થયા છે. બે બાળકો સહિત મૃત્યુઆંક 16 હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાં ઘણી રહેણાંક ઇમારતો હતી. તેથી મૃતકોની સંખ્યા વધુ વધી શકે તેવું અનુમાન છે.

યુક્રેનની રાજધાની કિવ નજીક એક હેલિકોપ્ટર બિલ્ડિંગ સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં યુક્રેનના ગૃહમંત્રી સહિત 3 મંત્રીઓના મોત થયા છે. બે બાળકો સહિત મૃત્યુઆંક 16 હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટરમાં કુલ 9 લોકો સવાર હતા. યુક્રેનનું પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે. આ દુર્ઘટનામાં 10 બાળકો સહિત 22 લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કિવ નજીક જ્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાં ઘણી રહેણાંક ઈમારતો હતી. તેથી મૃતકોની સંખ્યા વધુ વધી શકે તેવું અનુમાન છે. એક અહેવાલ મુજબ, આ અકસ્માતમાં યુક્રેનના ગૃહમંત્રી (હોમ મિનિસ્ટર) ડેનિસ મોનાસ્ટીરસ્કીનું પણ મોત થયું છે. કિવ નજીક સ્થિત બ્રોવરી શહેરમાં આ અકસ્માત થયો હતો.

યુક્રેનના પોલીસ વડા ઇહોર ક્લેમેન્કોએ પોલિટિકોને જણાવ્યું હતું કે આ ઘટનામાં યુક્રેન સરકાર સાથે જોડાયેલા ત્રણ મંત્રીઓ માર્યા ગયા હતા. તેમાં યુક્રેનના ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટીરસ્કી, તેમના પ્રથમ નાયબ યેવરેન યેસેનિન અને રાજ્ય સચિવ યુરી લુબકોવિકનો સમાવેશ થાય છે. કિવના ગવર્નર ઓલેકસી કુલેબાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે દુર્ઘટના સમયે કિન્ડરગાર્ટન (બાળકોની શાળા)માં બાળકો અને સ્ટાફ હાજર હતો. કુલેબાએ વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં 22 લોકો ઘાયલ પણ થયા છે, જેમાં 10 બાળકોનો પણ સમાવેશ થાય છે.

અકસ્માતનો ભોગ બનેલું હેલિકોપ્ટર યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસનો ભાગ હતું. અકસ્માતનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી. આ ઘટના પર ન તો રશિયા તરફથી કોઈ નિવેદન આવ્યું છે અને ન તો યુક્રેને તેને રશિયન હુમલો ગણાવ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી ચીફ કિરિલો ટિમોશેન્કોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે સરકાર અકસ્માતનો ભોગ બનેલા લોકો વિશે માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો અંત આવે તેવું લાગતું નથી. તાજેતરમાં બ્રિટને પણ યુક્રેનને 14 ચેલેન્જર 2 ટેન્ક આપવાની જાહેરાત કરી છે. યુક્રેન લાંબા સમયથી આની માંગ કરી રહ્યું હતું. આ ટેન્કો યુક્રેન પહોંચ્યા બાદ બ્રિટન યુક્રેનને આટલી ભારે ટેન્કો આપનાર પ્રથમ દેશ બની જશે.

Most Popular

To Top