Comments

બાટલીમાં ઊતારવું પણ એક કળા છે

ધરતી ઉપર આવીને માણસે લાકડાની તલવાર વીંઝીને પણ જીવી તો લેવું જ છે. પછી શ્વાસથી જીવે કે વેન્ટીલેટરથી..! NO matter..! પણ મહેનત કરવાની વાત આવે ને, મગજમાં બરફ જામી જાય, કલેજું અંદરોઅંદર ઉથલપાથલ થવા માંડે. ક્યાં તો કોઈને બાટલીમાં ઉતારે, ક્યાં તો બાટલીને પોતે ઉતારવા માંડે..! બાટલીમાં ઉતારવાના ફણગા અહીંથી જ ફૂટે..! જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં કોઈ બાટલીમાં નહિ ઊતરે તો, ભૂખા ઢેકાર આવે..! ચાર્લી ચેપ્લીન કહે એમ, હસવા વગરનો દિવસ એમના માટે નકામો બની જતો. એમ બાટલીમાં ઊતાર્યા વગર દિવસ ખાલી ગયો, તો ચમનિયો ઉપવાસી બની જાય.

આવા ધંતુરા શોધવા પડતા નથી. અગલ-બગલમાં જ હોય. આપણા ફાધરનું એમાં કંઈ જતું નથી, પણ આ તો એક વાત..! આંખ આગળ તાંડવ થતા હોય ત્યારે દરવાજા બંધ થોડા કરી દેવાય..? બાટલી માસ્તર ચમનિયાએ ગઈ કાલે જ મારી સમક્ષ કાકલૂદી કરેલી. ‘રમેશિયા..! મહેનત બીજા કરે ને મારો ધંધો ધમધોકાર ચાલે એવો કોઈ રસ્તો બતાવ ને..? આ સાંભળીને મને તો ચક્કર આવી ગયા, પણ શૈલીએ કહેલું કે, “ચમનભાઈ, સુલભ શૌચાલય ખોલી જુઓ..! આ એક જ ધંધો એવો છે કે, મહેનત બીજા કરે, ને ફાયદો તમને થશે..!” કામ ધંધો કરવો નથી ને બાટલી-પાટલી ને ખાટલીમા બેસીને એશ જ કરવી છે.

ચમનિયાનો સાઢુભાઈ ચમન-ચક્કી પણ એવો જ..! બંને એક જ કંપનીના છેતરાયેલા કસ્ટમર..! મને કહે, “સરકારી ખાતામાં ઓળખાણ હોય તો, એકાદ નોકરી અપાવો ને..! મેં કહ્યું,“ તમે હવે ૬૦ ના થયા, ૬૦ વર્ષે તો પેન્શન આપે..! મને કહે, ‘તો પેન્શન અપાવ..!’ તારા કપાળમાં કાંદા ફોડું..! આવા અજગર જેવા આળસુનો એક જ મુદ્રાલેખ, કોઈને પણ બાટલીમાં ઉતારી, જિંદગી કાઢી નાંખવાની. કારણ વગર ટકવું, અટકવું, છટકવું, લટકવું, ભટકવું, રખડવું, મરકવું, ફરકવું વગેરે આજકાલ, ફાટેલા જીન્સ જેવી એક ફેશન બની ગઈ. મરકવું, મલકવું કે ફરકવુંની ફેકલ્ટી તો સમજ્યા કે ચલાવી લેવાય..!

બાકી બીજા બધા તો શબ્દકોશના ભંડારામાં જ સારા લાગે. એની અડફટે નહિ અવાય..! પણ કરીએ શું..? જેની પાસે કામધંધો નથી, નવરા ધૂપ બનીને ગલીના દાદા બનીને, બહાદુરશાહ જફરની માફક જ ફરતા હોય, એની સાથે કોણ વેચાતી લે..? આવાં લોકો, બાટલી ચઢાવીને, રાડયું જ પાડતા હોય કે, ‘વર મરો કે કન્યા મરો, આપણું તરભાણું ભરો..!’ એમાં ભગા-દાજી જેવો મુકાદમ પણ બોલે તો ‘ફેઈલ’ જાય..! ગળા ફાડીને બફાણા અથાણા જેવા મોંઢા રાખીને ફરતા હોય. એને કોણ કહેવા જાય કે, આવા ઉકાળા કાઢી, ગળાનો દુરુપયોગ નહિ કરાય. કાંડામાંથી કૌવત ને મગજમાંથી બુદ્ધિનો મલીદો કાઢીને, જાતમહેનતથી જ ઝીંદાબાદ થવાય..! ગળું બહુ ફુલાવીએ તો ફૂલીને ફાળકો થઇ જાય..!

ગળાનો ઉપયોગ કરવો જ હોય તો, સિંગર બનો, સ્ટ્રીટ સિંગર બનો, કિચન સિંગર બનો, બાથરૂમ સિંગર બનો, પણ ગળાની પથારી નહિ ફેરવો. ગળાનો સહેજ તો મલાજો રાખો..? મહમદ રફીસાહેબ, લતા મંગેશકરજી, તલત મહેમુદ વગેરે ગળાથી જ વિખ્યાત થયેલા. ગળામાં મહમદ રફીસાહેબ નહિ બેસે તો મુકેશ, મુકેશ નહિ તો સાયગલસાહેબ અને સાયગલસાહેબ પણ નહિ બેસે તો બીજા રસ્તા ક્યાં નથી..? શેર બજારમાં જઈને ગળાની કરામત બતાવવાની. ઘાંટા પાડીને કોઈના પણ ગળામાં શેરબજારનો ઘંટ બાંધવાનો. એ પણ નહિ ફાવે તો મચ્છી-પીઠમાં જમાવટ કરવાની.

હાથ મારવામાં જાય શું..? ફાયદો નહિ થાય તો, તમારો કાંસકો ને મારું માથું..! ટ્રાઈ તો કરો..? નવરા બેસીને ઓટલા ઘસવા કરતાં તો સારું ને..? ઓટલા ઘસવામાં, માત્ર ઓટલા જ નથી ઘસાતા, લેંઘા પણ ઘસાય..! ટાલ ફાટે તો પોષાય,પણ પાછળથી જીન્સની લેંઘી ફાટે તો નહિ પોષાય. સાદા જીન્સ કરતાં ‘ડેનીમ’ કંપનીએ બનાવેલા રીટડ (ફાટેલા) જીન્સની કિંમત ભલે ઊંચી હોય, તેથી કંઈ જીન્સ ફાડવા માટે ઓટલા ઘસવાની ચેષ્ટા નહિ કરાય.આ તો એક વાત..!
ચમનિયો ભણેલો નહિ, છતાં, વગર ડીગ્રીના વકીલ જેવો. નિશાળમાં ભણવા ગયો ત્યારે નિશાળ તો ફાવેલી, પણ નિશાળવાળાને ચમનિયો નહિ ફાવેલો..! બાપા વાજતે ગાજતે નિશાળમાં દાખલ કરવા ગયેલા અને નિશાળવાળા વાજતે ગાજતે એ પડીકું પરત કરવા આવેલા ને કહેતા ગયેલા કે, આ પડીકાને તમે જ સાચવો. બે શિક્ષક અને ચાર વિદ્યાર્થીના કપાળ એક જ દિવસમાં આ બંદાએ ડેમેજ કરી નાંખ્યા..! પછી થાય એવું કે, આવાં લોકોને મફતના ભાવે ગુરુ ઘંટાલ પણ મળી જાય. એક ગુરુ એવી દીક્ષા આપી ગયો કે, ‘જો ભાઈ, તારાથી કંઈ નહિ થાય તો ‘ટેન્શન’ નહિ લેવાનું. લોકોને બાટલીમાં ઉતારવાનું શીખ. બાટલીમાં ઉતારવું પણ એક કળા છે..! મન ચંગા તો કથરોટમેં ગંગા..! દાનત હોય તો વગર મૂડીએ પણ દાંતીવાડા જવાય..! બાટલીમાં ઉતારવું એટલે મૂડી અને ડીગ્રી વગરનો ‘બેસ્ટ’ ધંધો..! ભલભલા ક્ષેત્રોના સ્વાગત-દ્વાર આપોઆપ ખૂલી જાય. “બાટલી સાથે નાતો આજનો નથી, આદિકાળનો છે.

બાટલી તો જનમથી વળગેલી ને જન્મ્યા ત્યારથી પાછળ પડેલી..! ‘બાટલો’ બોલવામાં કોઈ અપરાધ નહિ, પણ ગુજરાતમાં ‘બાટલી’ બોલીએ તો, સસલાની જેમ કાન ‘સ્ટેન્ડ-અપ’ કોમેડી કરવા માંડે..! ફેર એટલો કે, પરણ્યા પહેલાં બાટલી નડે ને પરણ્યા પછી બાટલો! પછી એ ગેસનો બાટલો હોય કે, દવાખાનાનો હોય..! જ્ન્મ્યા એટલે દૂધની બાટલી, ગ્રાઇપ વોટરની બાટલી, નિશાળે ટીચાયા એટલે પાણીની બાટલી, યુવાનીમાં અત્તરની બાટલી, સોબત બગડી તો નશામાં ‘ટુઉઉઉન’ થવાની બાટલી, ઘરડા થયા તો બામની બાટલી ને છેલ્લે ગંગાજળની બાટલી..!

માંદા પડ્યા એટલે બાટલી ને બાટલો ફેમીલી પેકમાં સજોડે આવે..! જો કે બાટલી તો હવે પોટલીમાં પણ પરિવર્તન પામી. તેમ છતાં, કોઈને પોટલીમાં ઊતાર્યો એવું કહેવાતું નથી. માટે કહું છું કે, યા હોમ કરીને પડો ને બાટલીમાં ઉતારતાં શીખો.. બાટલીમાં ઊતારીને ‘આલિયા-માલિયા માલામાલ થઇ ગયા, એમ તમે પણ ફત્તેહ પામો..! ખિસ્સાકાતરુની લાયકાત મેળવવા કોઈ યુનિવર્સિટીની જરૂર નથી, એમ, બાટલીમાં ઉતારવાનું શીખવા કોઈ કલાસીસ કરવાની જરૂર નથી. બાધા આખડીના પ્રયોગ કરીને ભગવાન જેવા ભગવાનને બાટલીમાં ઊતારી શકાતા હોય તો, માણસને બાટલીમાં ઊતારવો એ તો ડાબા હાથનો ખેલ ગણાય. તંઈઈઈઈ..?

અગર સિનેમે ખૂન ઔર ગરની ના હોતી તો નશાકા કુછ ભી નશા નહિ હોતા અગર નશા હી ખુદ નશા હોતા તો યે બોટલ કયું ન નાચને લગતી સો ટકા સાચી વાત છે ને..? બાટલીમાં દૂધ ભરવાથી બાટલીની ચરબી વધતી નથી અને બાટલીમાં દારૂ ભરવાથી બાટલી ‘પીંડક’ બનતી નથી. જેમ ગાંધીજીના ફોટાવાળી નોટ દૂધવાળાને ત્યાં પણ ચાલે, દારુવાળાને ત્યાં પણ ચાલે ને દેવ મંદિરે પણ ચાલે એમ માણસ અને બાટલી પણ ગબડે. સવાલ બાટલીમાં ઊતારવાની કૌવતનો છે.

જેને બાટલીમાં ઊતારતાં આવડી ગયું એના જેવો બીજો કોઈ જાદુગર નહિ. He is the great magician .!
લાસ્ટ ધ બોલ
બાટલી એ બાટલાની વાઈફ નથી. માણસને બાટલી ચઢે તો મૌજ આવે ને બાટલો ચઢે તો દવાખાનામાં બીલ આવે..! બાકી ચઢવામાં બંને માહિર..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top