Business

ખુશ માણસની આદતો

એક નાનકડા બંગલાના ગાર્ડનમાં હીંચકા પર ઝૂલતા ઝૂલતા હેમેનભાઈ એક પુસ્તક વાંચી રહ્યા હતા.તે પુસ્તક વાંચતાં વાંચતાં એકદમ ખુશ થઇ ગયા અને પોતાની પત્નીને બૂમ પાડી કહ્યું, ‘હીના, બધું કામ પડતું મૂક અને બે કપ સરસ કોફી લઈને અહીં આવ. એક સરસ વાત વાંચી તે તને કહેવી છે.’ હીનાબહેન પાંચ સાત મિનિટમાં જ હાથમાં બે કપ  કોફીના અને હેમેનભાઈની ફેવરીટ ખારી બિસ્કીટ લઈને આવ્યા અને બોલ્યા, ‘બોલો, શું એવું સરસ વાંચ્યું?’ હેમેનભાઈએ કહ્યું, ‘મેં હમણાં જ વાંચી હંમેશા ખુશ રહેતા માણસની આદતો અને તે વાંચીને હું એટલો ખુશ થઇ ગયો કે ભલે બધી નહિ, પણ ઘણી બધી આદતો તારા અને મારા જીવનમાં છે.’

હીનાબહેનને રસ પડ્યો,તેમણે કહ્યું, ‘ચાલો, તમે મને પહેલાં એ આદતો કઈ છે તે કહો, પછી હું નક્કી કરીશ કે તે મારામાં કેટલી છે અને તમારામાં કેટલી છે.’પતિ પત્નીને ગમ્મત થઈ.  હેમેનભાઈ ફરીથી તે પાનું વાંચવા લાગ્યા, ‘હંમેશા ખુશ રહેનાર માણસની આદત નંબર એક – ‘તેઓ ઓછું બોલે છે ,સાંભળે છે વધારે ….’ હીનાબહેન હસ્યા, ‘તમે ઓછું બોલતા નથી, પણ હું સાંભળું છું વધારે..’ હેમેનભાઈ હસ્યા અને બોલ્યા, ‘ હીના મજાક નહિ કર, પહેલાં સાંભળ …ખુશ રહેનાર માણસની આદત નંબર બે – ‘તેઓ દેખાડો કરતા નથી  અને કોઈના દેખાડાથી અંજાતા નથી.આદત નંબર ત્રણ – ‘તેઓ રોજ નવું શીખે છે , વાચન કરે છે અને બીજાને શીખવાડે છે.

આદત નંબર ચાર – ‘તેઓ હંમેશા બીજાને મદદ કરવા હાથ લંબાવે છે અને મદદની જરૂર હોય તો સાથ મને પણ છે. આદત નંબર પાંચ – ‘તેઓ પોતે હસતા રહે છે અને બીજાને પણ હસાવતા રહે છે.’ આદત નંબર છ – ‘તેઓ કોઈની નિંદા કે કૂથલી કરતા નથી અને કોઈ તેમની નિંદા અને કૂથલી કરે તો તેની પર ધ્યાન આપતા નથી. આદત નંબર સાત – ‘તેઓ કોઈની પાસેથી કોઈ વખાણ કે પ્રશંસાની આશા રાખતા નથી.’  હીનાબહેન રસથી પતિને સાંભળી રહ્યા હતા અને એક એક આદતો સાંભળ્યા બાદ તેમના ચહેરાનો રંગ પણ એકદમ ખીલી ઊઠ્યો કે સાચે જ આ આદતો તો તેઓ બન્નેમાં છે જ અને એટલે તેઓ હંમેશા ખુશ રહે છે. હીનાબહેન બોલ્યાં, ‘બસ, ભગવાન આમ જ ખુશ રાખે.’ ખુશખુશાલ પતિ પત્નીએ સારા મૂડમાં સાથે કોફીનો આનંદ માણ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top