Charchapatra

સુરત કોટ વિસ્તારમાં ગણપતિ ઉત્સવ

સુરતમાં ગણપતિ ઉત્સવની શરૂઆત ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિરમાં થઈ હતી.હિન્દુ મિલનની ગણપતિ વિસર્જનયાત્રા સૌથી છેલ્લી નીકળતી.ગણપતિ ઉત્સવમાં કોટ વિસ્તાર આગવી ઓળખ ધરાવે છે.ભાગળની ખાંડવાળાની શેરીના ગણપતિના મંડપમાં લાંબી લાઇન લાગે.લીમડા ચોક કબુતરખાનાના ગણપતિને શ્રધ્ધાળુઓ શ્રીફળનો હાર ચઢાવવાની બાધા માનતા રાખે છે. ડબગરવાડ અને ઘાંચી શેરીમાં પણ ભવ્ય ઉજવણી થાય છે.ચૌટામાં મોટા મંદિરના ગણપતિ ઉત્સવ કોટ વિસ્તારની શાન ગણાય છે.

મહિધરપુરા દાળિયા શેરીના ગણપતિ ઉત્સવનો ઠાઠમાઠ હીરા નગરી સુરતનું પ્રતિબિંબ પૂરું પાડે છે.બેગમપુરામાં ગણપતિ ઉત્સવ દરમિયાન મેળો ભરાય છે.કોળીવાડ,હાથીવાલાની શેરી,મુંબઇ વડ અને પ્રગતિના ગણપતિનું વિશેષ મહત્ત્વ છે.પહેલાંના સમયમાં ગણપતિના મંડપમાં અલગ અલગ થીમના હલનચલન કરતાં પૂતળાં મૂકવામાં આવતાં હતાં.બેગમપુરા વિસ્તાર ગણપતિ ઉત્સવનું કેન્દ્ર સ્થાન છે.આગમનયાત્રા હોય કે વિસર્જનયાત્રા, સલાબતપુરાની શેરીઓમાંથી જ પસાર થાય. સલાબતપુરાની વલ્લભજીવનની ચાલમાં ગણપતિ ઉત્સવમાં રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન વિશેષ છે.

રૂસ્તમપુરા,સગરામપુરા,નાનપુરા,રૂદરપુરા,સોની ફળિયા,વાડીફળિયા,રામપુરા,મંછરપુરા,હરીપુરા,મહિધરપુરા,લાલ દરવાજા જેવા કોટ વિસ્તારના શેરી મહોલ્લામાં ગણપતિ ઉત્સવ ભારે ઉલ્લાસથી ઉજવાય છે.સુરતના કોટ વિસ્તારમાં નવાપુરાની દરેક શેરીઓ ગણપતિ ઉત્સવમય બની જાય છે. રાજમાર્ગ પર વિસર્જનયાત્રામાં માનવમહેરામણ ઉમટી પડે છે.ઢોલ નગારાથી વાતાવરણ ગૂંજી  ઊઠે છે. મહારાષ્ટ્ર પછી સુરતમાં ગણપતિ ઉત્સવ સૌથી મોટા પ્રમાણમાં ઉજવાય છે.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top