SURAT

બિલ્ડરના ચીટિંગ સામે માથાભારે સજ્જુ કોઠારીની મદદ લેવાનું પ્લોટ હોલ્ડરને ભારે પડ્યું

સુરત : શહેરમાં જમીન દલાલને (Broker) બિલ્ડર (Builder) પાસેથી નાણાં કઢાવવા જતાં આ બૈલ મૂજે માર જેવો ઘાટ સર્જાયો છે. તેમાં શહેરનો વિવાદી બિલ્ડર પ્રશાંત નકુમ (Prashant Nakum) દ્વારા પ્લોટ હોલ્ડર્સના 3.38 કરોડનાં નાણાં સ્વીકાર્યા પછી તે પરત નહીં આપતાં આ નાણાં કઢાવવા માટે શહેરના નામીચા ગુંડા સજ્જુ કોઠારીની (Sajju kothari) મદદ લેનારા બ્રોકર અને પ્લોટ હોલ્ડરની હાલત મા મને કોઠીમાંથી કાઢ જેવી થઇ હતી. સજ્જુ કોઠારીએ આ નાણાં ધાકધમકીથી પ્રશાંત નકુમ પાસેથી તો પડાવી લીધા હતા, પરંતુ ફસાયેલા 159 પ્લોટ હોલ્ડરને ફદિયું પણ આપ્યું ન હતું.

  • સજ્જુ કોઠારીએ બિલ્ડર પાસેથી નાણાં તો કઢાવી લીધાં, પરંતુ પ્લોટ હોલ્ડરોને ફદિયું પણ આપ્યું નહીં
  • સજ્જુ કોઠારી સામે અઠવા પોલીસમાં 3.21 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો

સચિનમાં નાના ફ્લેટ લખી આપવાની વાત કરી સજ્જુ કોઠારીએ કરેલી ચીટિંગની ફરિયાદ અઠવા પોલીસ ચોપડે દાખલ થઈ છે. આ કેસમાં અસરગ્રસ્ત પ્લોટ હોલ્ડર્સનાં નાણાં જમીન માલિક પ્રશાંત નકુમે પચાવી પાડ્યા બાદ આ નાણાં ઉઘરાવવા માટે સોપારી આપવાનું પ્લોટ હોલ્ડર્સને ભારે પડી ગયું હતું. અઠવા પોલીસ ચોપડે આ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં આરોપી સજ્જુ કોઠારી ઉર્ફે મોહમદ સાજીદ કોઠારી (રહે.,જમરૂખ ગલી, નાનપુરા), (2) ગુલાબ હુસેન ભોજાણી (રહે.,બીજો માળ, ફીરકીશ ટાવર, ધનમોરા કોમ્પ્લેક્સ), (3) ફારૂક મૌલાના હેમલ પુષ્કર ગાંધી (ઉં.વ.48) (ધંધો-જમીન દલાલી) (રહે.,પ્રિન્સ ટાવર, ઘોડ દોડ રોડ, સુરત) દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.

તેમાં રોયલ પામ્સ બંગ્લોઝમાં પ્લોટ બુકિંગની કામગીરી આ બ્રોકરને સોંપવામાં આવી હતી. દરમિયાન સાત ટકા બ્રોકરેજના કરાર સાથે રોયલ પામ્સના પ્લોટા પ્રોજેક્ટમાં અંદાજે 159 પ્લોટનું બુકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન આ પ્રોજેક્ટના અન્ય ભાગીદાર નેહલ કાંતિલાલને કુલ 3.59 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. તેની તેઓએ કબૂલાત કરી છે. આ બુકિંગ પેટે નાણાં આપ્યા પછી આ જમીન કોની હોવાનું જણાવતાં તેઓએ આ જમીન પ્રશાંત નકુમ (રહે.,અડાજણ, સાંઇ મંદિર)ની હોવાની વાત કરી હતી. ત્યારબાદ નેહલ કાંતિલાલ પટેલ દ્વારા જમીન માલિકને રજૂઆત કરવામાં આવતાં પ્રશાંત નકુમે આ પ્રોજેક્ટ જાતે કરવાની ખાતરી આપી હતી. તેઓએ આ મામલે નેહલ સાથે નોટરી કરી નાણાં મળી ગયા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રશાંત બાલસિંગ નકુમ દ્વારા પ્રોજેક્ટનું નામ બદલીને ખાતરી આપ્યા બાદ કોઇ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો ન હતો. દરમિયાન જમીનમાલિકે આ પ્રોજેક્ટ નહીં કરી શકતાં તેઓએ 3.58 કરોડના સ્વીકારેલાં નાણાંમાંથી 1.21 કરોડના ચેક જે-તે પ્લોટ બુકિંગ હોલ્ડર ગ્રાહકોને લખી આપ્યા હતા. બાદમાં આ ચેક પણ પાસ થયા ન હતા. તેથી બ્રોકર હેમલ ગાંધી અને પ્લોટ હોલ્ડર્સ સજ્જુ કોઠારી પાસે ગયા હતા. જ્યાં સજ્જુ કોઠારીએ નાણાં કઢાવી આપવા જણાવ્યું હતું. સજ્જુએ દસ દિવસ પછી આવવા જણાવ્યું હતું. ત્યારબાદ બિલ્ડર પ્રશાંતે પ્લોટ હોલ્ડર્સને તમામ નાણાં આપી દીધા હોવાની વાત જણાવી હતી. દરમિયાન સજ્જુ પાસે તમામ પ્લોટ હોલ્ડરસ્ જતાં તેમને મારવાની ધમકી આપવામાં આવી હતી.

Most Popular

To Top