Madhya Gujarat

ડાકોરના ખખડધજ માર્ગોનું સમારકામ શરૂ કરાયું

નડિયાદ: ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં આગામી તારીખ 31 મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી આવનાર છે. ત્યારે, મુખ્યમંત્રી સમક્ષ પાલિકાના ભ્રષ્ટાચારનો ભાંડો ન ફુટે તે માટે તંત્ર દ્વારા નગરમાં બિસ્માર બનેલાં રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે. નગરના આ બિસ્માર રસ્તા પરના ખાડા પુરવા માટે સ્થાનિકો છેલ્લાં એક વર્ષથી રજુઆતોનો મારો ચલાવતાં હતાં. પરંતુ પાલિકાનાં નઘરોળ તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવતી ન હતી. ત્યારે તંત્રની આવી કામગીરી સામે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી પોણા બે વર્ષ અગાઉ એક કરોડ કરતાં વધુ રૂપિયાના ખર્ચે 16 રસ્તાનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું. જે તે વખતે આ કામમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની બુમો ઉઠી હતી. કેટલાક જાગૃત નાગરિકોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆતો પણ કરી હતી. પરંતુ, ઉચ્ચ અધિકારીઓ પણ જાણે કે ભ્રષ્ટાચારમાં સહભાગી હોવાથી આ કામગીરીની તપાસ આદરી ન હતી. જેને પગલે માત્ર ત્રણ મહિનાના ટુંકા સમયગાળામાં જ એક કરોડ કરતાં વધુ રૂપિયાના ખર્ચે બનાવાયેલાં તમામ રસ્તાઓ ખખડધજ બની ગયાં હતાં અને રસ્તાઓ ઉપર મસમોટા અને જોખમી ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયુ હતું.

જેને પગલે હજારો નગરજનો ઉપરાંત શ્રી રણછોડરાયજી મંદિરમાં દર્શનાર્થે આવતાં કરોડો શ્રધ્ધાળુઓ છેલ્લાં દોઢેક વર્ષથી આ અતિ બિસ્માર બનેલાં રસ્તાઓ પરથી અવરજવર કરવા મજબુર બન્યાં હતાં. બિસ્માર રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં કેટલાક જાગૃત નાગરીકો ઉપરાંત શ્રધ્ધાળુઓએ રસ્તાની મરામત માટે પાલિકાતંત્રમાં અનેકવાર રજુઆતો કરી હતી. પરંતુ, પાલિકાનું ભ્રષ્ટ તંત્ર આ બિસ્માર રસ્તાનું સમારકામ કરવાની તસ્દી લેતું ન હતું. જેને પગલે નગરના રાજમાર્ગો દિન-પ્રતિદિન વધુને વધુ બિસ્માર બની રહ્યાં હતાં.

જેથી રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી હતી. એવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ 31 મી ઓગસ્ટના રોજ ખેડા જિલ્લાના નડિયાદ, મહુધા, કપડવંજ અને ઠાસરા વિધાનસભાની મુલાકાત દરમિયાન યાત્રાધામ ડાકોર ખાતે આવનાર હોવાથી પાલિકાતંત્ર હુંફાળું જાગી ઉઠ્યું છે અને મુખ્યમંત્રી સમક્ષ ભ્રષ્ટાચારનો ભાંડો ન ફુટે તે માટે નગરના ખખડધજ બનેલાં મુખ્ય રસ્તાઓનું રાતોરાત સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે, પ્રજાની સમસ્યાને નજરઅંદાજ કરનાર અને નેતાઓ માટે લાલ લાજમ પાથરનાર પાલિકાતંત્ર પરત્વે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મુખ્યમંત્રીને દર મહિને ડાકોરની મુલાકાત લેવા નગરજનોનું આમંત્રણ
ડાકોર ગામમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનનું વિશ્વ વિખ્યાત મંદિર આવેલું છે. જેને પગલે ડાકોરને યાત્રાધામનું બિરૂદ મળ્યું છે. પરંતુ યાત્રાધામ જેવી કોઈ જ સુવિધા ગામમાં ઉભી કરવામાં આવી નથી. જેને પગલે ડાકોરના નાગરિકો ઉપરાંત દર્શનાર્થે આવતાં લાખો શ્રધ્ધાળુઓ નગરના બિસ્માર રસ્તાં, ગંદકી, ઉભરાતી ગટરો, પીવાના પાણીની સમસ્યા, અંધારપટ જેવી સમસ્યા સામે ઝઝુમી રહ્યાં છે. એવામાં મુખ્યમંત્રીની ડાકોર મુલાકાતને પગલે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સાફસફાઈ તેમજ બિસ્માર રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ગામમાં કાયમી ધોરણે સારા રસ્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રીને દરમહિને ડાકોરની મુલાકાત લેવા નગરજનો કટાક્ષ કરી રહ્યાં છે.

સોશ્યલ મિડીયામાં સવાલો ઉઠ્યાં
ખેડા જિલ્લાના તમામ ગામ-શહેરોમા બનાવવામાં આવતાં મોટાભાગના રોડ-રસ્તામાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જેને પગલે ગણતરીના મહિનાઓમાં જ રસ્તા અતિબિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં હોય છે. જે બાદ તંત્ર દ્વારા બિસ્માર બનેલાં રસ્તાનું સમારકામ પણ હાથ ધરવામાં આવતું નથી. જેને પગલે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે. જોકે, બીજી બાજુ મુખ્યમંત્રી સહિતના ઉચ્ચકક્ષાના નેતાઓની મુલાકાત ટાણે તંત્ર દ્વારા રાતોરાત બિસ્માર રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે છે. હાલ, ખેડા જિલ્લામાં પણ આવી જ પરિસ્થિતીનું નિર્માણ થયું છે. ત્યારે રોષે ભરાયેલાં સ્થાનિકોએ આ મામલે સોશ્યલ મિડીયામાં અવનવા કટાક્ષ કરી, સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યાં હતાં.

શ્રાવણ મહિનામાં 25 લાખ શ્રધ્ધાળુઓએ ખખડધજ માર્ગ પરથી અવરજવર કરી
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનનું મંદિર આવેલું છે. આ મંદિરમાં વાર-તહેવાર તેમજ પુનમના દિવસોએ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. શ્રાવણ મહિના દરમિયાન પણ મંદિરમાં દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓની સંખ્યા વિશેષ હોય છે. આ વખતે શ્રાવણ માસ દરમિયાન અંદાજે 25 લાખ કરતાં વધુ શ્રધ્ધાળુઓ શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શનાર્થે ડાકોર આવ્યાં હતાં. દરમિયાન નગરના અતિ બિસ્માર હાલતમાં ફેરવાયેલાં રાજમાર્ગોને પગલે શ્રધ્ધાળુઓને ભારે હાલાકી પડી હતી. તેમછતાં પાલિકાના નઘરોળ તંત્રએ રસ્તાની મરામત કરવાનું ઉચિત સમજ્યું ન હતું. જોકે, બીજી બાજુ માત્ર એક વ્યક્તિ માટે રાતોરાત રસ્તાનું સમારકામ કરાતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નડિયાદ, મહુધા, કપડવંજ અને ઠાસરામાં પણ સાફસફાઈ પુરજોશમાં
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બુધવારના રોજ ખેડા જિલ્લાના નડિયાદ, મહુધા, કપડવંજ અને ઠાસરા વિધાનસભાની એક દિવસીય મુલાકાત માટે આવનાર છે. જેને પગલે આ ચારેય ગામોમાં સ્થાનિક તંત્ર દ્વારા રાતોરાત રસ્તાનું સમારકામ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીનો કાફલો જે રૂટ પરથી પસાર થવાનો છે તે રૂટ પરના જ રસ્તાનું સમારકામ અને સાફસફાઈ હાથ ધરવામાં આવી રહી છે.

કલેક્ટર કચેરીના રસ્તાને રાતોરાત ચમકાવી દેવાયો
નડિયાદ: નડિયાદ ડભાણ રોડ સ્થિત કલેક્ટર કચેરીની બહાર રવિવાર મોડી રાત સુધી જે રસ્તા પર ખાડાઓની ભરમાર હતી, ત્યાં સોમવારે અચાનક ડામર પાથરી એક દમ સીધી સપાટીવાળો રસ્તો બનાવી દેવાયો છે. મુખ્યમંત્રીના આગમન ટાણે અચાનક રસ્તો બનાવનારુ તંત્ર અત્યાર સુધી સામાન્ય નાગરીકોની તકેદારી માટે રસ્તો સરખો કેમ નહોતુ કરતુ? તે પ્રશ્ન લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.

નડિયાદમાં આવેલી જિલ્લા સમાહર્તાની કચેરીની બાજુમાં જ જિલ્લા પંચાયતનું વિશાળ બિલ્ડીંગ બનાવાયુ છે. છેલ્લા મહિનામાં પૂર ઝડપે આ કચેરીનું કામ પૂર્ણતાની આરે લાવી દેવાયુ છે અને આવનારી ગણેશ ચોથના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ માટે તેઓ 31 તારીખે નડિયાદની મુલાકાતે આવશે. જ્યાં આ બિલ્ડીંગના લોકાર્પણ ઉપરાંત અન્ય કેટલાય કાર્યક્રમો કરશે.

જો કે, આ કાર્યક્રમ વચ્ચે સૌથી મહત્વનો પ્રશ્ન રોડના મામલે ઉઠ્યો છે. કલેક્ટર કચેરીની બહારનો રોડ જ છેલ્લા કેટલાય મહિનાઓથી બિસ્માર બન્યો હતો. દાંડી માર્ગ કહેવાતા આ રોડ પર મસમોટા ખાડા પડ્યા હતા. જેના કારણે જિલ્લા કલેક્ટર કચેરીમાં અનેક વિભાગો, ઉપરાંત નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરી તેમજ એ.ટી.વી.ટી. વિભાગમાં રોજ પોતાના દસ્તાવેજી કામો લઈને હજારોની લોકોને અગવડતા વેઠવી પડતી હતી. તેમ છતાં તંત્ર દ્વારા આ રોડની મરમત કરવા માટે કોઈ પ્રયત્ન કરાયા નહોતા. હવે જ્યારે મુખ્યમંત્રીનું આગમન થઈ રહ્યુ છે, ત્યારે અચાનક આ રોડ પર રીસર્ફેસીંગ કરી દેવાયુ છે. જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ સામાન્ય નાગરીકોને પડતી અગવડતા અંગે તંત્રને કોઈ ચિંતા ન હોવાનો સૂર નગરજનોમાં ઉઠ્યો છે.

Most Popular

To Top