SURAT

એવું શું થયું કે વિસર્જિત કરાયેલી ગણેશ પ્રતિમાઓને સુરતની નહેરોમાંથી પાછી કાઢી લેવાઈ

સુરત: શુક્રવારે અનંત ચૌદશના રોજ શહેરના 19 કૃત્રિમ ઓવારામાં 5 ફૂટથી નાની 53 હજાર જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે, શહેરના ડીંડોલી, ખરવાસા જેવા વિસ્તારમાં કેટલાંક ભક્તો દ્વારા નહેરમાં પીઓપીની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આ પૈકી જે પ્રતિમાઓ અર્ધવિસર્જિત થઈ હતી તે મૂર્તિઓને આજે શનિવારે નહેરમાંથી પાછી બહાર કાઢી લેવામાં આવી છે.

  • નહેરોમાં અર્ધવિસર્જિત ગણેશ પ્રતિમાઓને બહાર કઢાઈ
  • સાંસ્કૃતિક રક્ષા સમિતિ અને શ્રી માધવ ગૌશાળાના ગૌ સેવકો દ્વારા મૂર્તિ કાઢી લેવાઈ
  • અર્ધવિસર્જિત મૂર્તિઓને હજીરાના દરિયામાં ફરીથી વિસર્જિત કરાઈ
  • ગણેશજીની અંદાજે 2000 મૂર્તિઓને દરિયામાં વિસર્જિત કરાઈ
  • પીઓપીની પ્રતિમાઓને નહેરોમાં વિસર્જિત નહીં કરવા અપીલ

સાંસ્કૃતિક રક્ષા સમિતિ અને શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકો દ્વારા આજે શનિવારે સુરતના ડિંડોલી, ખરવાસા, ચલથાણ જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલી નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપી ની બનેલી ગણેશજીની 2000થી વધુ પ્રતિમાઓને બહાર કાઢવામાં આવી છે. આ મૂર્તિઓને ટેમ્પો, ટ્રકમાં હજીરા ખાતે લઈ જઈ દરિયામાં પુન:વિસર્જિત કરવામાં આવી રહી છે.

સાંસ્કૃતિક રક્ષા સમિતિના સંસ્થાપક આશિષ સૂર્યવંશીએ કહ્યું કે, ઉધના, પાંડેસરા વિસ્તારના 100થી વધઉ સ્વયંસેવકો આ સેવા કાર્ય કરી રહ્યાં છે. છેલ્લાં 6 વર્ષથી સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પીઓપીની જગ્યાએ માટીની મૂર્તિની સ્થાપના કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરવા સંસ્થા દ્વારા સતત લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, પરંતુ હજુ પણ કેટલાંક મંડળો દ્વારા પીઓપીની મૂર્તિનું સ્થાપન કરી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ મૂર્તિઓ નહેરોમાં વિસર્જિત કરવામાં આવે ત્યારે તે ઓગળતી નથી, અને નહેરમાં ગમે ત્યાં ફંગોળાયા કરે છે. વળી, કેટલાંક ભક્તો 10 દિવસની ભક્તિ બાદ ગણેશ પ્રતિમાને ગંદા પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. આ રીતે હિન્દુ સમાજની લાગણી દુભાય છે. તેથી સંસ્કૃતિની રક્ષા માટે સંસ્થા દ્વારા તથા લોકોને જાગૃત કરવાના હેતુથી આ અર્ધવિસર્જિત પ્રતિમાઓને નહેરમાંથી કાઢી લઈ હજીરાના દરિયામાં વિસર્જિત કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા તંત્રને પણ અનેકોવાર પ્લાસ્ટ ઓફ પેરિસની પ્રતિમાઓ પર પ્રતિબંધ મુકવા રજૂઆત કરવામાં આવી છે. છેલ્લાં વર્ષોમાં સ્થિતિ થોડી સુધરી છે પરંતુ હજુ પણ સુરતના અનેક મંડળો દ્વારા ભક્તિની દોડમાં પીઓપીની મૂર્તિઓની સ્થાપના કરી નહેરોમાં વિસર્જન કરાતું હોવાની ફરિયાદો છે.

Most Popular

To Top