Gujarat

સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારત માટે ઊર્જાનું કેન્દ્ર છે – પીએમ મોદી

ગાંધીનગર: (Gandhinagar) આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તથા કેન્દ્રિય સહકાર મંત્રી અમીત શાહે એક મંચ પર હાજરી આપી હતી. પીએમ મોદીએ આજે મહાત્મા મંદિર ખાતે સહકાર સંમેલનને સંબોધન કર્યુ હતું. આ સહકાર સમેલન દરમ્યાન વડાપ્રધાન મોદીએ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ઇફ્કો નિર્મિત નેનો યુરિયા(લિક્વિડ)પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું હતું. પીએમ મોદીએ ગાંધીનગરમાં સહકાર સંમેલનને સંબોધન કરતાં કહયું હતું કે સહકારી પ્રવૃત્તિ ગામડાને (Village) સ્વનિર્ભર બનાવવા મોટુ માઘ્યમ છે અને તેમાં આત્મનિર્ભર ભારતની ઉર્જા છે. આત્મભારતના નિર્માણ માટે ગામડાનું આત્મનિર્ભર થવું જરૂરી છે. આ માટે પૂજય બાપુ અને સરદાર સાહેબે જે માર્ગ આપણને બતાવ્યો છે તે પ્રમાણે આજે આપણે મોડલ કો-ઓપરેટિવ વિલેજ દિશામાં આગળ વઘી રહ્યા છીએ. ગુજરાતમાંથી 6 ગામોની પંસદગી કરવામાં આવી છે જયા પુરી રીતે કો-ઓપરેટિવ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે આજે આત્મનિર્ભર કૃષિ માટે દેશનું પહેલુ નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ થઇ રહ્યુ છે તેનાથી ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. યુરિયાની એક બોરીની તાકાત એક બોટલમાં સમાઇ ગઇ છે. નેનો યુરિયાની અડધો લિટર ખેડૂતની એક બોરી ની જરૂરિયાતને પુર્ણ કરશે. જેનાથી ખેડૂતોનો ખર્ચો બહુ ઓછો થશે, નાના ખેડૂતો માટે મોટી વાત છે. આધુનિક પ્લાન્ટ કલોલમાં સ્થાપવામાં આવ્યો છે. તેની ક્ષમતા દોઢ લાખ બોટલના ઉત્પાદનની છે. આવનારા સમયમાં આવા આઠ પ્લાન્ટ દેશમાં સ્થપાશે , જેનાથી યુરિયામાં વિદેશી નિર્ભરતા ઓછી થશે. દેશનો રૂપિયો બચશે. મને આશા છે કે ઇનોવેશન નેનો યુરિયા સુધી સિમિત નહી રહે. ભવિષ્યમાં અન્ય નેનો ફર્ટિલાઇઝર પણ આપણા ખેડૂતોને મળી શકે. આપણા વૈજ્ઞાનિકો આજે આ દિશામાં કામ કરી રહ્યા છે. નેનો ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ જે પગલા આપણે લીધા છે .ભારતમાં ફર્ટીલાઇઝર મામલે દુનિયામાં બીજુ સૌથી મોટુ ગ્રાહક છે. પરંતુ ઉત્પાદનના મામલે આપણે ત્રીજા નંબરે છીએ. આઠ વર્ષ પહેલા આપણા દેશમા યુરિયા ખેતરમાં જવાને બદલે કાળા બજારીનો શિકાર બનતું ખેડૂત પોતાની જરૂરિયાત સંતોષવા લાઠી ખાવા મજબૂર થતો. આપણે ત્યા મોટી યુરિયાની ફેકટરી હતી તે પણ નવી ટેકનોલોજીના અભાવે બંધ થઇ ગઇ હતી અને એટલે 2014માં સરકાર બની ત્યાર પછી આપણે યુરિયાની 100 ટકા નિમકોટિનનું બીડુ ઉઠાવ્યું જેથી દેશના ખેડૂતને જરૂરિયાત પ્રમાણે યુરિયા મળવા લાગ્યું.

પીએમ મોદીએ કહયું હતું કે ફર્ટિલાઈઝરની જરૂરિયાતોને પુર્ણ કરવા માટે ભારતને વર્ષોથી મોટી માત્રમાં અન્ય દેશો પર આઘાર રાખવો પડે છે. આપણી જરૂરિયાતનો લગભગ એક ચોથો ભાગ ઇમ્પોર્ટ કરી છીએ પોટાસ અને ફોસફર્સમાં 100 ટકા વિદેશથી લાવુ પડે છે. પાછલા બે વર્ષોમાં કોરોના લોકડાઉન કારણે ઇન્ટરનેશલ માર્કેટમાં ફર્ટીલાઇઝરની કિમંત વધી, રશિયા અને યુક્રેન યુદ્ધની પરિસ્થિતિએ ફર્ટિલાઇઝરની વૈશ્વિક બજારમાં ઉપલ્બધતા સિમિત કરી દીધી અને કિમતોને વઘારી દીધી.ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ ભાજપ સરકારે આ આંતરરાષ્ટ્રીય મુદ્દા માટે ચિંતાજનક છે તેમ છતા પ્રયત્ન કર્યો કે ખેડૂતો પર આની કોઇ અસર ન પડે.દેશમાં ફર્ટિલાઇઝરનું કોઇ સંકટ આવવા દીધુ નથી. ભારત વિદેશથી યુરિયા મંગાવે છે તેમાં 50 કિલોની એક બેગ સાડ ત્રણ હજાર રૂપિયા કિલો પડે છે. દેશમાં ખેડૂતોને માત્ર 300 રૂપિયામાં આપવામાં આવે છે.યુરિયાની એક બેગમાં આપણી સરકાર 3200 રૂપિયાથી વઘુ રકમ સરકાર ભોગવે છે. ડીએપીની 50 કિલોની બેગ પર અઢી હજાર રૂપિયા સરકાર ભોગવે છે.12 મહિનામાં બેગ દીઠ પાંચ ગણો ભાર કેન્દ્ર સરકાર પોતે ચુકવે છે. ખેડૂતોને તકલીફ ન થાય તે માટે ગત વર્ષે એક લાખ 60 હજાર કરોડ રૂપિયાની સબસીડી ફર્ટીલાઇઝરમાં કેન્દ્ર સરકારે આપી.ખેડૂતોને મળનારી રાહત લગભગ બે લાખ કરોડ થી વઘુ થવાની છે. દેશના ખેડૂતોના હિતમા જે પણ જરૂરી હશે તે કરીશું.

તેમણે પ્રશ્ન કર્યો હતો કે 21મી સદીમાં શું દેશના ખેડૂતોને વિદેશી પરિસ્થિતિઓ પર નિર્ભર રાખી શકીએ ? દર વર્ષે લાખો કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ખર્ચ કરી રહી છે તે વિદેશ કેમ જાય તે ભારતના ખેડૂતો માટે કામ આવવા જોઇએ. પહેલા માત્ર તાત્કાલીક સમસ્યાઓનું સમાઘાન શોધવામાં આવ્યું પરંતુ આઠ વર્ષમાં તાત્કાલીક સમસ્યાઓનું નિવારણ સાથે સમસ્યાઓનું સમાઘાન લાવવાનો પ્રયાસ કર્યો. આત્મનિર્ભરતામાં ભારત અનેક સમસ્યાઓનું હલ છે અને આત્મનિર્ભરતાનું એક મોડલ સહકાર પણ છે તે ગુજરાતમાથી અનુભવ કર્યો છે. પૂજય બાપુ અને સરદાર સાહેબનું નેતૃત્વ ગુજરાતને મળ્યું છે તેથી ગુજરાત સૌભાગ્ય શાળી છે. પૂજય બાપુએ સહકારીથી સ્વનિર્ભરનો જે માર્ગ બતાવ્યો તેને સરદાર સાહેબે જમીનમાં ઉતારવાનું કામ કર્યુ.આજે ભારત દુનિયાનું સૌથી મોટુ દૂઘ ઉત્પાદક છે. ગુજરાતની મોટી ભાગીદારી છે. ડેરી સેકટર ખૂબ ઝડપથી આગળ વઘી રહ્યું છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વધુ સહકાર આપી રહ્યું છે. આજે ભારત એક વર્ષમાં આશરે આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન કરી રહ્યું છે. ગત વર્ષોમાં ગુજરાતના ગામડાઓમાં સમૃદ્ધિ પાછળનું એક કારણ ડેરી સેકટરથી જોડાયેલા કો-ઓપરેટીવ રહ્યુ છે.

વડાપ્રધાન મોદીએ કહયું હતું કે ગુજરાતમાં અગાઉ કચ્છ-સૌરાષ્ટ્રમાં ડેરી કરવી અને નિર્માણ કરવું તેના પર રોક લાગાવવાની જોગવાઇ કરવામાં આવી હતી. .આજે ગુજરાતમાં દરેક ઝોનમાં ડેરીનું ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે. ડેરી સેકટરમાં નાના ખેડૂતો,બહેનો આ કામ સંભાળી રહ્યા છે. ગુજરાતમાં આશરે 17 લાખ બહેનો આજે આ કાર્યનો હિસ્સો છે. લીજ્જત પાપડની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આદિવાસી ક્ષેત્રની ગરીબ બહેનોથી શરૂ કરાયેલુ કામ આજે મલ્ટીનેશલન બ્રાન્ડ બની છે. દુનિયાભરમાં ભારતીય સાથે લીજ્જત પાપડ પણ પહોંચ્યુ હશે. ગત દિવસોમાં લિજ્જત પાપડના સંચાલકને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. સબકા સાથ સબકા વિશ્વાસ સબકા વિકાસ સબકા પ્રયાસ આ મંત્ર પર આપણે ચાલી રહ્યા છે. આ મંત્ર સહકારની આત્મા છે.સહાકારી ક્ષેત્રે સાથે જોડાયેલા લોકો ભારત સરકારનું જેમ પોર્ટલના માધ્યમથી ખરીદી કરે છે તેના કારણે ટ્રાન્સપરન્સી વધી છે. જેમ પોર્ટલને સહકારી ક્ષેત્રના લોકોએ સ્વીકાર કર્યો તે બદલ તેમનો આભાર. સહકારની સૌથી મોટી તાકાત વિશ્વાસ,સહયોગ છે. ગુજરાતના સહકારી ક્ષેત્રે આજે જે બદલાવ જોવા મળ્યો છે તે એક ગર્વની વાત છે.

Most Popular

To Top