Gujarat

વિશ્વના પ્રથમ નેનો યુરિયા પ્રવાહી પ્લાન્ટનું ગાંધીનગર ખાતેથી વડાપ્રધાને કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.૧૭૫ કરોડ ખર્ચે સ્થપાયેલા ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વિશ્વના પ્રથમ નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી ઉદઘાટન (Virtual Inauguration) કર્યુ હતું. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના થઇ છે. આ પ્લાન્ટ (Plant) દરરોજ ૫૦૦ મિ.લી.ની ૧.૫૦ લાખ બોટલોનું ઉત્પાદન કરશે. આવનારા સમયમાં દેશભરમાં વધુ ૮ પ્લાન્ટ સ્થાપવાની પણ યોજના છે. જેનાથી વિદેશથી આયાત ઘટી આત્મનિર્ભરતા વધશે. આ ઇનોવેશન માત્ર નેનો યુરિયા (Urea) સુધી સીમિત ન રહી અન્ય ફર્ટિલાઇઝરનો પણ સમાવેશ થશે.

ઈફકોના સત્તવાર સૂત્રોએ કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા અને પ્રદૂષણ નિયંત્રણના ઉદ્દેશ્યથી સ્થાપિત આ નેનો યુરિયા પ્લાન્ટ દેશના ખેડૂતો માટે ફાયદાકારક નીવડશે. નેનો યુરિયા ખેડૂતોનો ખર્ચ ઓછો અને ફાયદો વધુ કરાવશે. એક બોટલ (૫૦૦ મિલી) નેનો યુરિયા દાણાદાર યુરિયાની એક બોરી બરાબર છે. જેના પરિણામે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો થશે. એટલુ જ નહી પરિવહન અને સંગ્રહમાં પણ કિફાયતી અને સુવિધાજનક છે. આ નેનો યુરિયા લીકવીડ પાણી, હવા અને માટીના પ્રદૂષણમાં ઘટાડો કરશે.

પીએમ મોદીએ રાજકોટ નજીક આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ કર્યુ
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે ૨૦૦ બેડની સુવિધા ધરાવતી કે.ડી.પરવાડિયા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતું. પીએમ મોદીએ લાખોની જનમેદનીને કહ્યું હતું કે, સરકારના પ્રયાસો સાથે જનતાના પ્રયાસો જોડાવાથી સેવા કરવાની શક્તિ વધી જાય છે. કે.ડી.પી. મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. વર્તમાન સરકારે ગરીબોની સેવા કરી તેમનું સશક્તિકરણ કરવાની આગવી પરિપાટી પ્રસ્થાપિત કરી છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલો ખાલી રહે એવા સ્વાસ્થ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરવાનું સરકારનું લક્ષ્ય છે. ગરીબની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કામને પ્રાથમિકતા આ સરકારે આપી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ આ મંત્ર પર ચાલી દેશના વિકાસને નવી ગતિ આપી છે. સમગ્ર અમેરિકા તથા યુરોપના દેશોની કુલ વસતી કરતા વધુ નાગરિકો આયુષ્યમાન યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર મેળવતા થયા છે. ભારતની સુદ્રઢ આરોગ્ય વ્યવસ્થાનો આ બોલતો પુરાવો છે.
કેન્દ્ર સરકારના સુશાસનનાં 8 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગુજરાતની ધરતીએ લોકકલ્યાણના કામ કરવાની નીતિ-રીતિ શીખવાડી છે. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પવિત્ર ધરતીનાં આ સંસ્કાર છે, જેને પરિણામે તમારે કે દેશના કોઈ નાગરિકને નીચું જોવું પડે તેવું એકપણ કામ આ 8 વર્ષમાં ભૂલથી પણ કર્યું નથી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ૨૦૦૧માં રાજ્યભરમાં મેડિકલની કુલ ૧૧૦૦ સીટ હતી. જે વધીને વર્ષ-૨૦૨૨માં ૮૦૦૦ થઈ છે. રાજ્યભરમાં સરકારી અને ખાનગી મળી કુલ ૩૦ મેડિકલ કોલેજ કાર્યરત છે. તથા રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ સ્થાપવાની રાજ્ય સરકારની નેમ છે. સમગ્ર વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમા તરીકે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સ્થાન પામ્યું છે. જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે. આવડું મોટું કામ આટલી ઝડપથી પૂર્ણ કરી ગુજરાતે પોતાની તાકાત સ્થાપિત કરી છે. ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિની ઝાંખી કરાવતા જણાવ્યું તેમણે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં વિકસેલા મધ્યમ-સૂક્ષ્મ–લઘુ ઉદ્યોગો જ ગુજરાતની સાચી તાકાત અને આગવી ઓળખ છે. વડોદરાથી વાપી સુધીના અગાઉના ઔદ્યોગિક વિકાસની સાપેક્ષે સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ વધુ પ્રસર્યો છે. તેમજ આંતરમાળખાકીય સુવિધા થકી ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર પણ પૂરતી પ્રયત્નશીલ છે એમ તેમણે ઉમેર્યું હતું. મોરબીનો સેનિટરી ઉદ્યોગ, જામનગરનો બ્રાસ પાર્ટસ ઉદ્યોગ તથા રાજકોટનો ઓઇલ એન્જિન ઉદ્યોગ વિશ્વ સ્તરે નામના મેળવી ચૂક્યા છે. તદુપરાંત નવી ફાર્મા કંપનીઓ ગુજરાતમાં તેમનાં એકમો સ્થાપી રહી છે. જેનાથી ગુજરાત તમામ ક્ષેત્રે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ નવા અમલી બનાવાયેલા નિયમની જાણ કરતાં કહ્યું હતું કે, હવેથી માતૃભાષામાં શિક્ષણ મેળવેલો વિદ્યાર્થી પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. જેનાથી સમગ્ર રાજ્યમાં ઉચ્ચ શિક્ષણનો દર વધશે.

Most Popular

To Top