Gujarat

પોર્ટુગલમાં પતિએ નજરકેદ કરેલી ગુજરાતની દીકરીને વતન પરત લવાઈ

ગાંધીનગર: (Gandhinagar) પોર્ટુગલ (Portugal) ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દીકરીને સહી સલામત રીતે અમદાવાદ પરત લવાઈ છે. ગુજરાતના (Gujarat) વતની અશોક ચૌહણે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી કે, તેમની દિકરી જિનલ રાહુલકુમાર વર્મા, તેના પતિ (Husband) સાથે પોર્ટુગલ ખાતે વસવાટ કરે છે અને તેના પતિ દ્વારા તેમની દીકરીને શારિરીક અને માનસિક હેરાનગતિ કરવામાં આવે છે. એટલું જ નહિ, આ દિકરીને પતિ દ્વારા નજરકેદમાં રાખીને હેરાન પરેશાન કરી દેવામાં આવી છે. તેથી દીકરીને સહી સલામત ગુજરાત પરત લાવવા રજૂઆત કરી હતી.

  • પોર્ટુગલમાં પતિએ ત્રાસ સાથે નજરકેદ કરેલી ગુજરાતની દીકરીને વતન પરત લવાઈ
  • અમદાવાદના ગૃહસ્થે પોતાની દીકરીની વ્યથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને વર્ણવી હતી
  • પોર્ટુગલમાં ભારતીય એલચી કચેરી અને વિદેશ મંત્રાલયે પ્રયત્નો શરૂ કરતાં સફળતા મળી
  • પતિ રાહુલકુમાર વર્માએ પત્નીના પાસપોર્ટ સહિતના દસ્તાવેજો જપ્ત કરી લીધાં હતાં
  • દીકરીના પરિજનોએ રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો

અરજદારની પુત્રીના પાસપોર્ટ સહિતના કાગળો તેણીના પતિ પાસે હોવાથી દીકરીને હેરાન કરવામાં આવતી હતી. આ અંગે અરજદારને ગૃહ રાજ્યમંત્રી દ્વારા રૂબરૂમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ અરજદારની રજુઆત બિન નિવાસી ગુજરાતી પ્રભાગની કચેરી દ્વારા પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને કાર્યવાહી કરવા હેતુ ઇમેઇલથી જાણ કરાઈ હતી. પોર્ટુગલ ખાતે કાર્યરત ભારતની એલચી કચેરીના તા. ૧૪/૮/૨૦૨૩ના ઇમેઇલથી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા હકારાત્મક પ્રત્ત્યુતર મળ્યો હતો.

આ રજૂઆતને ધ્યાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દીકરીને ત્વરિત ગુજરાત લાવવા કાર્યવાહી કરવા કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી જરૂરી સહયોગ આપવા વિનંતી કરી હતી. જેના પરિણામે પોર્ટુગલથી ગુજરાતની દીકરીને સહી સલામત રીતે ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. દીકરીના પરિવારજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર પણ માન્યો છે.

Most Popular

To Top