Gujarat

ભારતના મૂન મિશનનું સીક્રેટ જાહેર કરવા મુદ્દે સુરતનો કથિત ઈસરો વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી ભેરવાયો

ગાંધીનગર: (Gandhinagar) સુરતના ડૉ. મિતુલ ત્રિવેદી (Mitul Trivedi) પોતે ઈસરોના વૈજ્ઞાનિક તથા સલાહકાર હોવાની વાતો તથા દાવો કરી રહ્યા છે, જો કે અમદાવાદમાં આવેલા ઈસરોના વડામથક ખાતે સિનીયર અધિકારીઓ ડો. મિતુલ ત્રિવેદીના દાવાને સમર્થન આપી રહ્યા નથી. ઈસરોના (ISRO) અધિકારીઓ પર આજે રાજ્યભરમાંથી મીડિયાએ મિતુલ ત્રિવેદી વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

  • ભારતના સ્પેસ મિશનનું સીક્રેટ જાહેર કરવા મુદ્દે સુરતનો કથિત ઈસરો વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી ભેરવાયો
  • ડો. મિતુલ ત્રિવેદી ચંદ્રયાન-3 પ્રોજેક્ટ સાથે જોડાયેલા નથી એવી અમદાવાદ ઈસરોના સિનિયર અધિકારીની સ્પષ્ટતા
  • ઓફિશિયલ સીક્રેટ હોવાથી અમદાવાદ ઈસરોના આધિકારીક વૈજ્ઞાનિકો પણ કંઈ બોલતાં નથી, મિતુલનું લેન્ડિંગ ફેઈલ
  • મિશન ચંદ્રયાન-3માં ઈસરોના વૈજ્ઞાનિક હોવાની સુરતના મિતુલ ત્રિવેદીની વાતો માત્ર ગપ્પું!?

જો કે તેના વિશે કોઈ જાહેરમાં નિવેદન કરવા તૈયાર નથી, ઉલ્ટુ ઈસરોના સિનીયર અધિકારીઓએ એવુ કહ્યું હતું કે, ડૉ મિતુલ ત્રિવેદી ચંન્દ્રયાન -3ના પ્રોજેકટ સાથે જોડાયેલા નથી. હકીકતમાં ઈસરોના અમદાવાદના ડાયરેકટર નીરજ દેસાઈ આ સમગ્ર ચંન્દ્રયાન -3 પ્રોજેકટ સાથે જોડાયેલા હતા.

સુરતમાં ડૉ મિતુલ ત્રિવેદીએ પોતે ચંન્દ્રયાન-3 મિશન સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને વિવાદને છંછેડયો છે. ખાસ કરીને રાજ્યભરમાં તાજેતરમાં સંખ્યાબંધ લોકો પીએમઓ તથા સીએમઓના નકલી અધિકારી તરીકે પકડાઈ ચૂકયા છે. હવે તેમાં મિતુલ ત્રિવેદીનો વધારો થાય તો નવાઈ પામવા જેવું નથી. ઈસરોના વૈજ્ઞાનિક તરીકેનું નામ વટાવી ખાવું તે ફોજદારી ગુનો બને છે. ભારતનો સ્પેસ પ્રોગામની ટેકનીકલ વિગતો ઓફિશ્યલ સીક્રેટ એકટ હેઠળ આવે છે.

આ રીતે પોતે ઈસરોને ચંન્દ્રયાન-3 મિશનની ડિઝાઈન આપી હતી, તેવી વાતો સોશિયલ મીડિયામાં ફેલાવવી, તેની જો પોલીસ ચકાસણી કરશે તો, ડૉ. મિતુલ ત્રિવેદી ગુનામાં ફસાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. ચંન્દ્રયાન-3 મિશન અંગે ખુદ ઈસરોના વૈજ્ઞાનિકો પણ અમદાવાદમાં જાહેરમાં બોલવા તૈયાર નથી. કારણ કે આ સીક્રેટ બાબતો છે. જેના વિશે અમે કાંઈ બોલી શકીએ તમ નથી. ફકત્ત ઈસરોના ડાયરેકટર જ મીડિયા સાથે વાત કરે છે, તેમ ઈસરોના અધિકારી સૂત્રોએ કહ્યું હતું.

Most Popular

To Top