Dakshin Gujarat

જ્યોતિષે કહ્યું- ઘરમાં સોનુ ભરેલો ઘડો છે અને 84.85 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા

પારડી: (Pardi) આજના આધુનિક યુગમાં પણ ગઠિયા તાંત્રિકો લોકો સાથે છેતરપિંડી (Fraud) કરી પૈસા પડાવતા હોવાના કિસ્સાઓ જોવા મળે છે. પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામે માહ્યાવંશી ફળિયા ખાતે રહેતા જયંતીભાઈ ફકીરભાઈ માહ્યાવંશીને ત્યાં ચાર ઈસમ એકબીજાની મદદગીરીથી ઘરમાં સોના (Gold) ભરેલા ઘડા છે. જેને કાઢવા તાંત્રિક વિધિ કરવાના બહાને રૂ. 84.85 લાખ જેટલી રકમ પડાવતા એક આરોપીને પારડી પોલીસે ઝડપી પાડ્યો હતો.

  • ઘરમાં સોનુ ભરેલો ઘડો છે, કહી વિધિ કરવાના બહાને રૂ. 84.85 લાખ પડાવતો ધૂતારો જ્યોતિષ ઝડપાયો
  • પારડીના મોટાવાઘછીપા ગામે જ્યોતિષ હોવાનું કહી રાજસ્થાની ગઠિયાઓએ ખેલ કર્યો, 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
  • જમીનમાં દટાયેલું ગુપ્ત ધન નહીં કાઢો તો બહુ મોટું નુકસાન થશે કહી પરિવારને ડરાવ્યા હતા

વાઘછીપાના વેપારી જયંતીભાઈને ગઠિયાઓએ જમીનમાં દટાયેલું ધન નહીં કાઢો તો બહુ મોટું નુકસાન થશે કહી ડરાવ્યા હતા. ચાર ઈસમ મહેન્દ્ર હુકમિચંદ જોશી (રહે.રાજસ્થાન), સાગર જીવરાજ જોષી (રહે.અમદાવાદ, મૂળ.રાજસ્થાન) ગ્યારસિલાલ શર્મા (રહે.જયપુર (રાજસ્થાન)) અને રામપ્રતાપ (રહે.ચંદીગઢ) ચારેય ઈસમ એક બીજાની મદદગીરીથી મોટાવાઘછીપા ગામે રહેતા જયંતીભાઈ માહ્યાવંશીના ઘરે ગુપ્ત ધન હોવાનું જણાવી લોભામણી લાલચ આપી હતી.

જેને કાઢવા માટે તાંત્રિક વિધિ કરવાના બહાને આ ટોળકીએ રોકડા તેમજ આંગણીયા પેઢી મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે કુલ રૂ. 84,85,500 જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. ચારેય છેતરપિંડી કરનાર આરોપી વિરૂદ્ધ પારડી પોલીસ મથકે જયંતીભાઈ માહ્યાવંશીએ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પીઆઇ બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અશોકસિંગ ડોડીયાની ટીમે તપાસ કરતા આરોપી સાગર જીવરાજ જોષીની ધરપકડ કરી તેના સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દમણથી રિક્ષામાં દારૂ લઇ જતી બે મહિલા અને ચાલક ઝડપાયો
પારડી : પારડી તાલુકાના રેંટલાવ હનુમાન મંદિર પાસે રિક્ષામાં દમણથી દારૂ લઈ જતી મહિલાઓને પોલીસે ઝડપી પાડી હતી. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન દારૂની હેરાફેરીની મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ત્યારે રેંટલાવ હનુમાન મંદિર સામે રોડ ઉપર રિક્ષા આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 274 જેની કિં.રૂ.29,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક દીપક કાનજી ટંડેલ (રહે.કોલક) અને રિક્ષામાં બેઠેલી મહિલા નીરૂબેન રમણ પટેલ (રહે. ગણદેવી0 અને પદમાબેન નાથુ પટેલ (રહે.વલસાડ0ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ સહિત કુલ રૂ.79,000નો મુદ્દામાલ કબજે કરી પ્રોહી.ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top