Gujarat

13 થી 27 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં ‘અટલ ભૂજલ પખવાડિયું’ ઉજવાશે

ગાંધીનગર: આગામી તા. ૧૩થી ૨૭મી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં ‘અટલ ભૂજલ યોજના’ હેઠળના વિસ્તારોમાં ‘અટલ ભૂજલ પખવાડિયું’ ઉજવવામાં આવશે. જેનો આરંભ પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર (Gandhinagar) ખાતેથી કરાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’નો રાજ્યમાં અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ રાજ્યમાં ભૂગર્ભ જળ નીચા ગયા છે. તેવા ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓના ૩૬ તાલુકાઓના ૧૮૭૩ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

‘અટલ ભૂજલ યોજના’નો મુખ્ય ઉદ્દેશ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટેના માળખાને મજબૂત કરવાનો છે, જે અંતર્ગત ભૂગર્ભ જળના આંકડા અને માહિતી અંગે ગ્રામ સમુદાયોને સાચી અને યોગ્ય સમજ આપવામાં આવે છે. આ સમુદાયની આગેવાની હેઠળ વોટર સિક્યુરિટી પ્લાનનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાવિષ્ટ કરાયેલા કામોનું સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલીકરણ કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ યોજનાના અમલમાં ભાગીદાર તરીકે સ્વૈચ્છિક/બિન સરકારી સંસ્થાઓના સહયોગથી પ્રેરણા, લોકજાગૃતિ અને ક્ષમતાવર્ધન કરવામાં આવે છે. આ યોજનાના અમલ હેઠળના જિલ્લાઓમાં પાણી પુરવઠો વધારવા નવા ચેકડેમ, કૂવા રિચાર્જ, તળાવો ઊંડા કરવા સહિતના કામો કરવામાં આવે છે. તેમજ પાણીની માંગ ઘટાડે તેવા કાર્યક્ષમ ઉપયોગ માટે સૂક્ષ્મ પિયત પદ્ધતિ તેમજ અન્ય ઉપાયો અપનાવવા ઉપર ભાર મૂકવામાં આવે છે.

Most Popular

To Top