National

ફરાર થયા પછી અમૃતપાલ ફેસબુક લાઈવ થયો, કહ્યું “મારો કોઈ વાળ પણ વાંકો કરી નહીં શકશે”

નવી દિલ્હી: ફરાર થયા પછી ખાલિસ્તાની (Khalistan) સમર્થક અમૃતપાલ સિંહ (Amrutpal Singh) 40 મિનિટ સુધી ફેસબુક લાઈવ (Facebook Live) થયો હતો. આ વીડિયોમાં (Video) તેણે કાળા રંગની પાધડી તેમજ શાલ ઓઢેલી હોય તેવું જોઈ શકાય છે. આ વીડિયોમાં તેણે પંજાબ પોલીસ સમક્ષ પોતાની અમુક માગણી રજૂ કરી છે. આ ઉપરાંત તેણે કહ્યું કે મારી ધરપકડ ઉપરવાળાના હાથમાં છે. મારો કોઈ વાળ પણ વાંકો કરી શકશે નહિં. જણાવી દઈએ કે 18 માર્ચના રોજ ફરાર થયા પછી અમૃતપાલનો આ પહેલો વીડિયો છે.

વીડિયોમાં અમૃતપાલ પંજાબ પોલીસની આલોચના કરે છે અને કહે છે કે જો પંજાબ પોલીસે મારી ધરપકડ જ કરવી હોત તો મારા ઘરે આવતે અને હું મારી જાતને તેઓને સોંપી દેતે. તેણે કહ્યું કે ભગવાને જ મને બચાવ્યો છે. પંજાબ પોલીસ જયારે મને પકડવા માટે મથામણ કરી રહી હતી ત્યારે આ લાખો પોલીસના પ્રયાસો વચ્ચે ભગવાને જ મને બચાવ્યો છે. વીડિયોમાં અમૃતપાલે કહ્યું કે સરકારે વડાપ્રધાન બાજેકે મારા સાથી પર અત્યાચાર ગુજાર્યો છે. મારા અને મારા મિત્રો પર NSA લગાવીને આસામ મોકલવામાં આવ્યા હતા.

અમૃતપાલ વધુમાં કહે છે કે, હું દેશ-વિદેશના તમામ શીખ લોકોને અપીલ કરું છું કે તેઓ બૈસાખી પર યોજાનાર સરબત ખાલસા કાર્યક્રમમાં ભાગ લે. લાંબા સમયથી આપણો સમુદાય નાના મુદ્દાઓ પર મોરચો કાઢવામાં વ્યસ્ત છે. જો આપણે પંજાબના પ્રશ્નો હલ કરવા હોય તો આપણે સાથે રહેવું પડશે. સરકારે જે રીતે અમારી સાથે છેતરપિંડી કરી છે, તે ધ્યાનમાં રાખવું પડશે. ઘણા સાથીઓની ધરપકડ કરવામાં આવી છે અને NSA લાગુ કરવામાં આવી છે, મારા ઘણા સાથીઓને આસામ મોકલવામાં આવ્યા છે. એટલા માટે હું તમામ શીખોને બૈસાખીના અવસર પર ભેગા થવાની અપીલ કરું છું.

જાણો શું છે સરબત ખાલસા
સરબત ખાલસામાં ભારત અને વિદેશના તમામ શીખ સંગઠનો ભાગ લે છે. તમામ હોદ્દેદારોને આમંત્રણ મળે છે. આ બેઠકમાં ધર્મને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને નિર્ણય લેવામાં આવે છે. સરબત ખાલસાનો હેતુ સમગ્ર શીખ સમાજને એક જગ્યાએ એકસાથે લાવવાનો છે. અમૃતપાલે બૈસાખી પર તમામ ધાર્મિક સંગઠનોને આ જ વાત કહી છે તેણે વધુમાં કહ્યું કે આ વખતની બૈસાખી ઐતિહાસિક હોવી જોઈએ.

અમૃતપાલ હજુ પણ પોલીસથી ફરાર છે. પરંતુ તેના એક વીડિયોએ હલચલ મચાવી દીધી છે. આ વીડિયોમાં અમૃતપાલ શીખ સમુદાયના લોકોને ઉશ્કેરતો જોવા મળી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો ભાગેડુનો આ વીડિયો બ્રિટનમાંથી અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો એકથી બે દિવસ જૂનો હોવાનું માનવામાં આવે છે. જે યુટ્યુબ ચેનલ પરથી આ વિડીયો રીલીઝ કરવામાં આવ્યો છે તેના પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ અન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર આ વીડિયો ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં શૂટ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top