SURAT

બોમ્બે માર્કેટ બ્રિજ નીચે ફ્રી પાર્કિંગના બોર્ડ લાગ્યા છતાં ફી વસૂલાય છે, શું સુરત મનપાએ આંખે પાટા બાંધ્યા છે?

સુરત: સુરત (Surat) મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં ઘણા બ્રિજ નીચે પે એન્ડ પાર્ક (Pay And Park) બનાવાયાં છે. કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવતા આ પે એન્ડ પાર્કમાં ગેરકાયદે રીતે પૈસા ઉઘરાવાતા હોવાની ફરિયાદો ઘણીવાર ઊઠી છે. પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયા બાદ પણ કોન્ટ્રાક્ટરો દ્વારા લોકો પાસેથી પાર્કિંગના પૈસા લેવામાં આવે છે.

  • મનપા દ્વારા હાલ ફ્રી પાર્કિંગનાં બોર્ડ લગાવ્યાં, છતાં કોન્ટ્રાક્ટર ફી વસૂલતા હોવાની ફરિયાદ
  • બ્રિજ નીચે કોન્ટ્રાક્ટર દ્વારા પાંચ માસ અગાઉ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં રસીદ આપી પાર્કિંગનો ચાર્જ વસૂલવામાં આવે છે
  • મનપાના કોન્ટ્રાક્ટરો ઈલેક્ટ્રિક મશીનને બદલે કાગળની સ્લીપ આપીને ઉઘરાણાં કરી રહ્યા હોવાની પણ ઘણી ફરિયાદો

ન્યૂ બોમ્બે માર્કેટ (NewBombayMarket) પાસે આવેલા બ્રિજ નીચે કોન્ટ્રાક્ટર દ્વારા પાંચ માસ અગાઉ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં રસીદ આપી પાર્કિંગનો ચાર્જ વસૂલવામાં આવતો હોવાનું જાણવામાં આવ્યું છે. વિપક્ષના સભ્યો પૈસા ઉઘરાવનારને પકડવા જતાં તે કર્મચારી રીતસર ભાગી ગયો હતો.

ન્યૂ બોમ્બે માર્કેટ પાસે બ્રિજ નીચે ગેરકાયદે પાર્કિંગ ચાર્જ વસૂલતા હોવાની ફરિયાદ ઊઠતાં વિપક્ષના સભ્યો સ્થળ પર તપાસ કરવા પહોંચ્યા હતા. બોમ્બે માર્કેટ વિસ્તારમાં પાંચ મહિના પહેલાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં કોન્ટ્રાક્ટરના માણસો મનપાની સ્લિપ આપીને લોકો પાસેથી ગેરકાયદે પૈસા વસૂલી રહ્યા છે.

વિપક્ષના સભ્યો આ અંગે તપાસ કરવા જતાં પૈસા ઉઘરાવનાર કોન્ટ્રાક્ટરનો કર્મચારી ભાગી ગયો હતો. મનપાના કોન્ટ્રાક્ટરો ઈલેક્ટ્રિક મશીનને બદલે કાગળની સ્લીપ આપીને ઉઘરાણાં કરી રહ્યા હોવાની પણ ઘણી ફરિયાદો ઊઠી છે. વિપક્ષના સભ્યોએ આક્ષેપ કર્યા છે કે, મનપાની મિલિભગત અને અધિકારીઓના આશીર્વાદથી વચેટિયાઓ પાર્કિંગ ચાર્જ વસૂલી રહ્યા છે. મનપાના અધિકારીએ જ વિપક્ષના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકને પોલીસમાં ફરિયાદ કરતાં અટકાવ્યા હોવાના આક્ષેપ તેઓ દ્વારા કરાયા છે. જેથી આ મુદ્દે યોગ્ય તપાસ કરવાની માંગ તેઓ દ્વારા કરાઈ છે.

Most Popular

To Top