Gujarat Main

પંચમહાલમાં તળાવના ઊંડા ખાડામાં ડૂબી જતા ચાર માસૂમ બાળકોના મોત

પંચમહાલ: પંચમહાલના (PanchMahal) ઘોઘંબા તાલુકામાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીંના મુલા ગજાપુરા ગામે આઘાતજનક ઘટના બની છે. અહીં એક ખાડામાં ડુબી જતા ચાર માસુમ બાળકોના મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે બાળકો રમતા રમતા તળાવના ખાડામાં ન્હાવા પડ્યા હતા, ત્યારે ચાર બાળકો ઊંડા પાણીમાં ડુબી ગયા હતા. તેના લીધે તેઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તરવૈયાઓની મદદથી બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરિવારજનોના આક્રંદથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ ચારેય બાળકો એક જ પરિવારના કૌટુંબિક હોવાની જાણકારી મળી છે. ચારેય બાળકોની ઉંમર 10થી 12 વર્ષની હતી. ઘટનાને પગલે ધારાસભ્ય ફત્તેસિંહ ચૌહાણ સ્થળ પર દોડી ગયા હતા અને મૃતક બાળકોના પરિવારજનોને આશ્વસન આપ્યું હતું.

સૂત્રો મુજબ સંજય વીરાભાઈ બારીયા (ઉં.વ. 10), રાહુલ રમેશભાઈ બારીયા (ઉં.વ.11), પરસોત્તમ રાજુભાઈ બારીયા (ઉં.વ.9 વર્ષ) અને અંકિત અરવિંદભાઈ બારીયા (ઉં.વ. 11)નું મોત નિપજ્યું છે.

સ્થાનિકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુંદી નજીકના માલુ ગુજાપુરા ગામની આ ઘટના છે. સવારે ચાર બાળકો તળાવ કિનારે રમવા ગયા હતા. આ ચાર પૈકી બે બાળકો તળાવના પાણીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે તે બંને જણા તળાવના ઊંડા ખાડામાં ડૂબવા લાગ્યા હતા, તેથી બહાર ઉભેલા અન્ય બે બાળકો તેમને બચાવવા પાણીમાં કૂદયા હતા. જોકે, તેઓ બચાવી શક્યા નહોતા અને ચારેય જણા ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.

ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બાળકોના મૃતેદેહો તળાવમાંથી બહાર કાઢવામાં આવતા પરિવાર ભાંગી પડ્યો હતો.

Most Popular

To Top