Gujarat

મોદી સામે પડનાર ગુજરાતના પૂર્વ IPS સંજીવ ભટ્ટને 28 વર્ષ જૂના કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા

પાલનપુર: નરેન્દ્ર મોદી (NarendraModi) સામે બાંયો ચઢાવનાર ગુજરાતના (Gujarat) પૂર્વ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટને (IPS Sanjiv Bhatt) એક 28 વર્ષ જૂના ડ્રગ્સ (Drugs) કેસમાં પાલનપુરની બીજી એડિશન કોર્ટે દોષિત ઠેરવ્યા છે.

ગુજરાતના પ્રખ્યાત પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે એનડીપીએસ એક્ટ હેઠળ વર્ષ 1996માં કેસ નોંધવામાં આવ્યો હતો. બુધવારે તા. 27મી માર્ચ 2024ના રોજ સંજીવ ભટ્ટને આ કેસમાં પાલનપુર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સુનાવણીના અંતે કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા હતા.

તમને જણાવી દઈએ કે 1996ના આ કેસમાં બનાસકાંઠાના તે સમયે એસપી રહેલા સંજીવ ભટ્ટ પર પાલનપુરની એક હોટલમાં 1.5 કિલો અફીણ રાખીને એક વકીલને નાર્કોટિક્સ કેસમાં ફસાવવાનો આરોપ હતો.

શું હતો કેસ?
આ ઘટના 1996ની છે. ત્યારે રાજસ્થાન પાલીના એક વકીલને સંજીવ ભટ્ટ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા હતા. તે વકીલની ધરપકડ કરાઈ હતી. વકીલ પાલનપુરની એક હોટલમાં રોકાયા હતા, જ્યાં અફીણનો જત્થો મુકાવી વકીલની ખોટી રીતે ધરપકડ કરાઈ હતી. 30 એપ્રિલ 1996ના રોજ વકીલે કેસ દાખલ કર્યો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફિણનો જથ્થો લઈને આવનાર છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 15 ગ્રામ અફિણ કબ્જે લીધું હતું. સંજીવ ભટ્ટ પર 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરાઈ હતી.

2011માં મોદી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી હતી
સંજીવ ભટ્ટ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા અંગે આરોપ લગાવતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આરોપોને ફગાવી દીધા હતા. ત્યાર બાદ સંજીવ ભટ્ટને 2011માં સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઑગસ્ટ 2015 માં ભટ્ટને ‘અનધિકૃત ગેરહાજરી’ માટે ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top