Comments

કુપોષણ વિરુદ્ધ ભોજનનો વેડફાટ

“કુપોષણનો મુદ્દો ઘણો અગત્યનો છે. મને એ સ્વીકારવામાં જરાય વાંધો નથી કે એ મામલે આપણે પાછળ છીએ. પણ સરકારના પ્રયત્નો અવશ્ય નિષ્ઠાવાન છે. અમે સૌ કોઈને સાથે રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.”ગુજરાત રાજ્યના સ્વાસ્થ્યમંત્રીએ વિધાનસભામાં થયેલી ચર્ચા દરમિયાન આ મતલબનું કહ્યું. તેમણે એ તરફ પણ ઈશારો કર્યો કે શહેરમાં રહેતી યુવતીઓ ‘સાઈઝ ઝીરો’કરવા માટે ખાવાનું ટાળે છે એટલે આ સમસ્યામાં તેમનું પણ પ્રદાન છે. શહેરી યુવતીઓનું કુપોષણ બાબતે શું અને કેટલું પ્રદાન છે એ વિષયને હાસ્યલેખકો માટે રાખીએ તોય કુપોષણ જેવા મુદ્દાનો સરકાર દ્વારા સ્વીકાર થયો એ મહત્ત્વનું કહી શકાય.

સ્વાસ્થ્યમંત્રીએ આ સમસ્યાના ઉકેલ માટે વર્તમાન નાણાંકીય વર્ષમાં કરાયેલી 3,200 કરોડ રૂપિયાની જોગવાઈની સામે વર્ષ 2024ના બજેટમાં 5,500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું. આ મામલે પ્રત્યેકને તેમણે પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને સમગ્રલક્ષી અભિગમથી કામ કરવાની અપીલ કરી. તેમણે વધુમાં જણાવ્યું, ‘ગામ હોય કે શહેર- આ સમસ્યા સાર્વત્રિક છે. આ કેવળ આદિજાતિવાળા જિલ્લાઓમાં જ છે એવું નથી, બલ્કે જેને આપણે સમૃદ્ધ ગણાવીએ છીએ એવા જિલ્લાઓમાં પણ છે.’સ્વાસ્થ્યમંત્રીએ સૌને ‘પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને’કામ કરવા જણાવ્યું એ મુદ્દાને પણ હાસ્યલેખકો માટે બાકાત રાખીએ. હકીકત એ છે કે વિકાસના કે અન્ય તમામ પ્રકારની સમૃદ્ધિના આટઆટલા દાવાઓ પછી કુપોષણની સમસ્યા એટલી વિકરાળ બની રહી છે કે તેના વિષે વાત કર્યા વિના ચાલે એમ નથી.

એક અહેવાલ અનુસાર ગુજરાત રાજ્યમાં 5.70 લાખ બાળકો કુપોષિત છે. જિલ્લાવાર વાત કરીએ તો અમદાવાદ 56,941 કુપોષિત બાળકોની સંખ્યા સાથે અગ્રસ્થાને છે, જ્યારે દાહોદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં અનુક્રમે 51,321 તેમજ 48,866 બાળકો કુપોષિત છે. 2023ના સપ્ટેમ્બર સુધીમાં કરાયેલી મોજણી અનુસાર 30.28 લાખ બાળકો પૈકી 1.45 લાખ એટલે કે 4.81 ટકા બાળકો અતિશય તીવ્ર કુપોષણથી પીડાતાં હતાં. આમાંનાં 16,000 બાળકોને ‘ન્યુટ્રીશન રિહેબીલીટેશન સેન્ટર’માં કે ‘ચાઈલ્ડ માલ્ન્યુટ્રીશન સેન્‍ટર’માં દાખલ કરવામાં આવ્યાં હતાં. વર્તમાન સરકારે મોટા મોટા આંકડા દેખાડવાની એવી આદત વિકસાવી છે કે હવે નાગરિકો સુદ્ધાં એ ભાષામાં વાત કરતાં થઈ ગયા છે. નક્કર આયોજનની કે ગુણવત્તાયુક્ત અમલની વાત ભાગ્યે જ થાય છે. એટલું સમજવા જેવું છે કે આ આંકડા અધિકૃત અહેવાલ અનુસાર અને સરકારે જાહેર કરેલા છે, એનો અર્થ એ કે વાસ્તવિક આંકડો આનાથી ઘણો વધુ હશે.

બાળકો કુપોષિત ન રહે એ જોવાની ફરજ, અલબત્ત, સરકારની છે જ, પણ આપણે ત્યાં તીવ્ર વિરોધાભાસની નવાઈ નથી. સમગ્રપણે જોઈએ તો, હવે લગ્ન જેવા સામાજિક પ્રસંગોની ઉજવણીઓ ભપકાદાર બનતી ચાલી છે. વિદેશની વગર વિચારેલી નકલ કરીને અપનાવાયેલી ભોજનપ્રણાલીને આપણે સ્થાનિક રંગ આપી દીધો છે. તેને કારણે ખોરાકનો વેડફાટ ગુનાહિત રીતે વધી રહ્યો છે એનો ઈન્‍કાર થઈ શકે એમ નથી. સ્ટાર્ટરના નામે ઓળખાતી વાનગીઓ મોટા ભાગનાં લોકો ડીશ ભરીને લે અને સહેજ ચાખીને કચરાપેટીમાં નાખી દે એ એટલું સામાન્ય દૃશ્ય છે કે એમ કરવું ખોટું છે એવું કોઈને લાગતું નથી. કેમ કે, તેમનો માપદંડ ફક્ત ને ફક્ત નાણાંનો છે. આવા ખોરાકનો બગાડ કરવો પોતાને પોષાય એમ છે એમ માનતા મોટા ભાગનાં લોકો ભાગ્યે જ વિચારે છે કે આમ કરવું એ મહામૂલાં કુદરતી સંસાધનોનો ભયાનક વેડફાટ છે, જેનું મૂલ્ય નાણાંકીય કરતાં અનેકગણું વધુ છે.

આવું જ ઘરની બહાર ભોજન લેતાં લોકોમાં જોવા મળે છે. અમસ્તું પણ ઘરની બહાર જમવાનું ચલણ દિનબદિન વધી રહ્યું છે. એનું કારણ સમાજશાસ્ત્રનો વિષય હોઈ શકે છે. ઘરની બહાર ભોજન લેતાં લોકોનો અભિગમ મોટા ભાગે એવો જોવા મળે છે કે પોતે નાણાં ખર્ચે છે એટલે ભોજનનો બગાડ કરવાનો તેમને જાણે કે પરવાનો મળી જાય છે. ભોજનનો સંબંધ કેવળ નાણાં સાથે નથી હોતો. એમ હોઈ શકે પણ નહીં. ભોજન રંધાઈને મનુષ્ય સુધી પહોંચે ત્યાં સુધીના તબક્કામાં તેની પર અનેક જાતના સંસ્કાર થતા રહે છે. દરેક તબક્કે તેમાં એક યા બીજા પ્રકારનાં સંસાધનોનો ઉપયોગ થતો રહે છે. આથી તૈયાર ભોજનનો બગાડ એટલે આ તમામ સંસાધનોનો વેડફાટ. એક તરફ બેફામ માત્રામાં ભોજનનો વેડફાટ થતો રહે, એ બાબતે કોઈને કશી સંવેદના જ ન જાગે અને બીજી તરફ રાજ્યમાં અનેક બાળકો કુપોષિત રહે એ કેવી વક્રતા!

રાજ્ય સરકાર આ હકીકત સ્વીકારે, એના માટે મોટા આંકડા ધરાવતા આયોજનની વાત કરે એ બધું બરાબર. કુપોષિત બાળકોના મામલે કદાચ વ્યક્તિગત સ્તરે આપણે કશું ન કરી શકીએ એ પણ બરાબર. છતાં એક નાગરિક તરીકે ભોજનના અક્ષમ્ય વેડફાટને વ્યક્તિગત સ્તરે આપણે અવશ્ય રોકી શકીએ. બીજાઓને એ માટે પ્રેરિત કરવાનું પણ પછી રાખીએ, વ્યક્તિગત રીતે આપણે એનો આરંભ કરીએ તો પણ એ એક મોટું પગલું ગણાશે. આજકાલ દરેક વાતે આપણી ભવ્ય સંસ્કૃતિને ટાંકવાનો રિવાજ ચાલી રહ્યો છે. તો એ પણ જાણી લેવું જોઈએ કે આપણી એ જ ભવ્ય સંસ્કૃતિમાં અન્નને દેવતા સમાન ગણવામાં આવ્યું છે. અન્નના વેડફાટ થકી આપણે આપણી જ સંસ્કૃતિનો અનાદર કરી રહ્યા છીએ એ બાબત આપણે સમજવી જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top