Comments

અધિકારી પોતાના રક્ષણ માટે કોની પાસે જાય?

સર્વોચ્ચ અદાલતે ચંડીગઢમાં યોજાયેલી મેયરની ચૂંટણીને રદ નથી કરી પણ ચૂંટણી અધિકારી અનિલ મસીહની બદમાશીની નોંધ લઈને ચૂંટણી અધિકારીએ પરાજીત જાહેર કરેલા આમ આદમી પાર્ટી-કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા ઠરાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે બંધારણના આર્ટીકલ ૧૪૨નો આશરો લીધો હતો જે અદાલતને ખાસ સંજોગોમાં સરકારને સલાહ, નિર્દેશ કે આદેશ આપવાનો અધિકાર ધરાવે છે.

વાચકોને જાણ હશે કે ૩૦મી જાન્યુઆરીના રોજ ચંડીગઢમાં મેયરના પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી આમ તો ૧૮મી જાન્યુઆરીએ યોજાવાની હતી, પણ ચૂંટણી અધિકારીએ બહાનું કાઢ્યું હતું કે તેઓ બીમાર છે એટલે ચૂંટણી મુલતવી રાખવી પડે એમ છે. એ પછી તેમણે છઠી ફેબ્રુઆરીની તારીખ આપી હતી જેને આમ આદમી પાર્ટીએ વડી અદાલતમાં પડકારી હતી અને અદાલતે ચૂંટણી અધિકારીને ૩૦મી જાન્યુઆરીએ ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો.

દેશભરમાં દરેક ચૂંટણી બીજેપીને માફક આવે એ સમયે અને એ રીતે યોજવામાં આવે છે એ હવે ક્યાં છાનું છે! મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત મહાનગરપાલિકાઓની ચૂંટણી દોઢ વરસ થવા આવ્યું હોવા છતાં યોજવામાં આવતી નથી. બીજેપી માટે અનુકૂળતા નથી. હજુ અશોક ચવ્હાણ જેવાં થોડાં લોકોને ફોડવાનાં બાકી છે. આમ ચૂંટણીપંચ અને ચૂંટણી અધિકારીઓ ઉપરથી નીચે સુધી શાસક પક્ષને અનુકૂળ થઈને કામ કરે છે. અહીં ચંડીગઢમાં પણ તેને આદેશ આપવામાં આવ્યો હતો કે ચૂંટણી ટાળવામાં આવે.

અદાલતના આદેશના પરિણામે ૩૦મી જાન્યુઆરીએ ચૂંટણી યોજવી પડી જેમાં બીજેપીના ઉમેદવારને ૧૬ મત મળ્યા હતા અને આમ આદમી પાર્ટી-કોંગ્રેસના સંયુક્ત ઉમેદવારને ૨૦ મત મળ્યા હતા. દેખીતી રીતે આમ આદમી પાર્ટી-કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો, પરંતુ ચૂંટણી અધિકારી અનિલ મસીહે બીજેપીના ઉમેદવારને વિજેતા ઘોષિત કર્યા હતા. એ ભાઈએ આપ-કોંગ્રેસનાં આઠ મતપત્રકોમાં ચેડાં કર્યાં હતાં અને એ આઠ મતને અપાત્ર કે અમાન્ય જાહેર કર્યા હતા.

આ રીતે આપ-કોંગ્રેસના મત ઘટીને ૧૨ થઈ ગયા. હવે બન્યું એવું કે જે આઠ મતપત્રકો પર અનિલ મસીહ સ્યાહીથી કાંઈક લખતા હતા એ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયું. હદ કહેવાય. આટલી હદે ભારતનું લોકતંત્ર નીચે ઊતરી ગયું છે કે ચૂંટણી અધિકારી પોતે મતપત્રકમાં ચેડાં કરે? જ્યારે પરાજિત જાહેર કરાયેલા કુલદીપ કુમારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી અને સીસીટીવીના ફૂટેજ બતાવ્યા ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા કે “દેશમાં આ શું ચાલી રહ્યું છે?”

જી હા, દેશમાં જે ચાલી રહ્યું છે એ તાનાશાહી નહીં, પણ ફાસીવાદ તરફની દિશા છે અને એ હિન્દુત્વવાદીઓ સહિત બધા જાણે છે. હિન્દુત્વવાદીઓ ખુશ છે અને બાકીનાં ભારતીય નાગરિકો ચિંતિત છે. બુદ્ધિ વિનાના ભક્તો હવે કોઈ છે જ નહીં. જેને તમે ભક્ત કહો છો એ વાસ્તવમાં કોમવાદી હિંદુ છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ પણ આ જાણે છે અને વળી સર્વોચ્ચ અદાલતમાં પણ અનિલ મસીહો ઘણા છે. એમાંના કેટલાક ન્યાયની જગ્યાએ શાસકોની સેવા (મદદ) કરીને નિવૃત્તિ પછીના હોદ્દાઓ ભોગવે છે. એક મહાશય રાજ્યસભાનું સભ્યપદ ભોગવે છે અને બીજા કેટલાક આજે અદાલતની પીઠ પર બેસીને પોતાના અંતરાત્માનો અને દેશના બંધારણનો સોદો કરી રહ્યા છે. માત્ર અદાલતો નહીં, દેશની તમામ લોકતાંત્રિક સંસ્થાઓની આ જ હાલત છે. શું તમે આ નથી જાણતા?

સર્વોચ્ચ અદાલતે ફેરચૂંટણી યોજવાની જગ્યાએ ચૂંટણી માન્ય રાખી છે અને ચૂંટણી અધિકારીની બદમાશીને અપરાધ ઠરાવ્યો છે. તેની સામે ફોજદારી કારવાઈ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ ફરક સમજવા જેવો છે. ફેરચૂંટણી ત્યારે યોજાય જ્યારે ચૂંટણીની પ્રક્રિયા અને પરિણામમાં કશુંક શંકાસ્પદ હોય. અહીં શંકાસ્પદ તો કશું હતું જ નહીં. આઠ મતને (કુલ ૩૦ મતના ૩૦ ટકા) અવૈધ ઠેરવવા ચૂંટણી અધિકારીએ પોતે કેમેરાની સામે મતપત્રક પર કશુંક ચીતરીને ચેડાં કર્યાં હતાં. બીજી બાજુ “દેશમાં આ શું ચાલી રહ્યું છે?”

એવા મુખ્ય ન્યાયમૂર્તિના ઉદગાર પછી બીજેપીને એટલું તો સમજાઈ ગયું હતું કે તેમનો મેયર હોદ્દા પર રહી શકશે નહીં, પરંતુ તેની ધારણા એવી હતી કે સર્વોચ્ચ અદાલત કોઈ બીજા ચૂંટણી અધિકારીના નિરીક્ષણમાં કે પછી અદાલત દ્વારા નિયુક્ત કોઈ પર્યવેક્ષકની ઉપસ્થિતિમાં ફેરચૂંટણી યોજવાનો આદેશ આપશે. માટે ચૂંટણી જીતવાની તૈયારી રૂપે આમ આદમી પાર્ટીના બે નગરસેવકોને બીજેપીએ ફોડી નાખ્યા હતા. જો સર્વોચ્ચ અદાલતે ફેરચૂંટણીનો આદેશ આપ્યો હોત તો આપ-કોંગ્રેસનો પરાજય અને બીજેપીનો વિજય નક્કી હતો. બીજેપી વિરોધ પક્ષોને ખતમ કરવા કોઈ પણ સ્તરે જઈ શકે છે. લોકતંત્રનું માત્ર કલેવર બચવું જોઈએ કે જેથી દુનિયામાં કહી શકાય કે ભારત લોકશાહી દેશ છે. આવો હોય લોકશાહી દેશ?

સર્વોચ્ચ અદાલતમાં ચૂંટણી અધિકારી અનિલ મસીહ રડવા જેવા થઈ ગયા હતા. કહોને કે રડી પડ્યા હતા. પણ જો જરાક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો તેનો શું વાંક? જો સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ન્યાયમૂર્તિ વેચાઈ શકતો હોય, મુખ્ય ચૂંટણી કમિશ્નર વેચાઈ શકતો હોય, ઓડીટર જનરલ વેચાઈ શકતો હોય, જો કોઈ રાજ્યનો મુખ્ય પ્રધાન છાશવારે પલટી મારતો હોય, જો નગરસેવકથી લઈને લોકસભાનો સભ્ય વેચાઈ શકતો હોય તો અનિલ મસીહ તો બહુ નાનો માણસ છે. શક્ય છે કે એ કદાચ ડરી પણ ગયો હોય અને એણે ડરના માર્યા અપરાધિક કૃત્ય કર્યું હોય. પણ સવાલ એ છે કે જો તેણે કાયદાને અને ફરજને વફાદાર રહીને હિંમતપૂર્વક બીજેપીને મદદ કરવાની ના પાડી દીધી હોય તો તેને સંરક્ષણ મળ્યું હોત ખરું? છે કાયદાકીય વ્યવસ્થા અને ન્યાયતંત્રમાં એટલો દમ કે એક અદના અધિકારીને સંરક્ષણ પૂરું પાડે?

અમેરિકન કાયદાના રાજ સામે અને તેનું રક્ષણ કરનારા ન્યાયતંત્ર સામે ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બધા ઉધામા નિરસ્ત થઈ રહ્યા છે. બે અમેરિકન રાજ્યમાં ત્યાંની ફેડરલ કોર્ટે ટ્રમ્પને ચૂંટણી લડવા માટે અપાત્ર જાહેર કરી દીધા છે. અહીં અદના સરકારી અધિકારી સામે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રનાં ઉદાહરણો છે. જો મહારથીઓ વેચાઈ શકતા હોય અથવા શાસકોથી ડરવું પડે એવાં ખોટાં કામો કરતા હોય તો નાનો અધિકારી પોતાના રક્ષણ માટે કોની પાસે જાય! સંકટ લોકતાંત્રિક વ્યવસ્થાનું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top