SURAT

સુરતની GIDCમાં લાગેલી આગે 4ના જીવ લીધા, 20 લોકો સારવાર હેઠળ

સુરત : સચિન (Sachin) જીઆઇડીસીમાં (GIDC) આવેલી અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક બોઈલર ફાટતાં ભંયકર આગ (Fire) ફાટી નીકળી હતી. આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ આગની ઘટનામાં 4 કામદારોના મોત નિપજ્યાં હતા. જ્યારે 20થી વધુ કામદારો ઘાયલો થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી માહિતી મુજબ કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. કંપનીમાં જ્વલનશીલ કેમિકલનો ઉપયોગ થતો હોવાને કારણે આગ ઉપર કાબૂ મેળવવામાં મુશ્કેલ થઈ હતી. ફેક્ટરીમાં કેમિકલના ડ્રમ ભરેલા હોવાથી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધડાકાભેર ડ્રમ ફાટવાથી ભયનો માહોલ ઊભો થયો હતો.

150થી વધ કામદારો કામ કરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ સુરતના GIDCમાં અનુપમ રાસાયણ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વાઈસર લીકેજ થતા અચનાક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં 150થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા, તે સમયે જ ધડાકભેર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બેથી ત્રણ ધડાકાની સાથે આગ ફાટી નીકળી હોવાનું સામે આવ્યું હતું. ફાયર વિભાગને કોલ મળતા જ ફાયરની 30થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને 20થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટનામાં 4 કામદારોએ પોતાનો જીવ ગૂમાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જ્યારે 20થી વધૂ કામદારો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ ઈજાગ્રસ્ત કામદારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અઢી કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી
ફાયર વિભાગના અધિકારી ઓમ પ્રકાશ મિશ્રાના જણાવ્યા અનુસાર રાત્રે 10 વાગ્યાનો કોલ મળતા અલગ અલગ વિસ્તારની 30 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં પહોંચી આગમાં ફસાયેલા 15થી 20 કામદારોને બચાવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું હતું. તો બીજી તરફ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા હતા. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર લગભગ અઢી કલાકની ભારે જહેમત બાગ આગ પર કાબૂ મેળવ્યો હતો.

મૃત્યુ પામનારની યાદી

અંકુર સુરેશ પટેલ (ઉ.વ 35)
સંજય ગોવિંદ સૌસ (ઉ.વ 25)
પ્રભાતસિંહ જ્ઞાનેન્દ્ર ઝા (ઉ.વ 30)
રાકેશ પ્રમોદસીંગ (ઉ.વ 35)

Most Popular

To Top