IRBનું હાઈવા રોલર, ટ્રેક્ટર અને પેટ્રોલિયમ ટેન્કર વચ્ચે ટક્કર,સદનસીબે કોઈ જાનહાનિ નહીં


( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા શહેર અને હાઇવે પર અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ લઈ રહી નથી. ત્યાં તો વધુ એક અકસ્માતની ઘટના બની હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટોલનાકા પાસે મધરાત્રે ભયંકર અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.
પ્રાથમિક જાણકારી મુજબ હાઇવે ઓથોરિટી માટે કામ કરતી IRB કંપનીના હાઈવા રોલર અને ટ્રેક્ટર સાથે પેટ્રોલિયમ કન્ટેનરની ટક્કર થઈ હતી. અકસ્માત પેટ્રોલિયમ ટેન્કર દ્વારા સર્જાયો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે પેટ્રોલિયમ ટેન્કર સહિતના ભારે વાહનો ભટકાયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે, પેટ્રોલિયમ ટેન્કર હોવાથી આગ લાગવાની ભીતિ હતી. પરંતુ, સમયસર કાબુ મેળવાતા મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતના કારણે એક્સપ્રેસ હાઇવે પર અનેક વાહનો અટવાઈ પડ્યા હતા. ટોલનાકા પાસે 2 કિલોમીટરથી પણ વધુ લાંબી વાહનોની કતારો લાગી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હાઇવે પેટ્રોલિંગ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.