World

પાકિસ્તાનમાં ભીષણ આત્મઘાતી હુમલો, સુરક્ષા ચોકી પર વિસ્ફોટકો ભરેલું વાહન અથડાવ્યું, 27 ના મોત

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અફઘાનિસ્તાન સરહદ નજીક એક સુરક્ષા ચેકપોઇન્ટ પર થયેલા ભયાનક આત્મઘાતી હુમલામાં ભારે જાનહાની નોંધાઈ છે. પાકિસ્તાની સેનાના જણાવ્યા મુજબ, સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ મળીને એકંદરે 27 લોકોના મોત થયા છે. મોડી રાતે ટાંક જિલ્લામાં આવેલી સુરક્ષા ચોકીને લક્ષ્ય બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલાખોરોએ સૌપ્રથમ ચેકપોઇન્ટમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવતા આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલું વાહન સુરક્ષા ચોકીની કમ્પાઉન્ડ વોલ સાથે અફડાવી દીધું હતું. આ પ્રચંડ વિસ્ફોટને કારણે સુરક્ષા ચોકીની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

સુરક્ષાકર્મીઓને મોટું નુકસાન, 12 આતંકીઓ ઠાર

  • સુરક્ષાબળોમાં શોક: આ હુમલામાં 12 સૈનિકો, 2 પોલીસ અધિકારીઓ અને 1 વન વિભાગના અધિકારી સહિત કુલ 15 સુરક્ષાકર્મીઓના મોત થયા છે.
  • આતંકીઓ પર જવાબી કાર્યવાહી: સેનાના જવાબી ફાયરિંગમાં 12 હુમલાખોરો પણ સ્થળ પર જ ઠાર થયા હતા.
  • TTP નો દાવો: સંગઠનના જણાવ્યા મુજબ 4 ફિદાયીન આત્મઘાતી બોમ્બરોએ આ ઓપરેશન પાર પાડ્યું હતું.
  • સર્ચ ઓપરેશન શરૂ: ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં બાકી બચેલા આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરાયું છે.

સરહદી વિસ્તારમાં હિંસાનું ભયાનક પ્રમાણ

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પાછું આવ્યા પછી ખૈબર પખ્તુનખ્વા અને બન્નુ જેવા સરહદી જિલ્લાઓમાં હિંસા અને આત્મઘાતી હુમલાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તાજેતરના રિપોર્ટ અનુસાર:

  • CRSS નો રિપોર્ટ: સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ મુજબ હિંસામાં મૃત્યુઆંક 2024 માં 1620 થી વધીને 2025 માં 2331 સુધી પહોંચી ગયો છે.
  • PIPSનો ખુલાસો: પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝ અનુસાર આ સમયગાળા દરમિયાન આતંકવાદી હુમલાઓમાં 34 % નો ઉછાળો આવ્યો છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે વધતો તણાવ

પાકિસ્તાન સરકાર સતત આરોપ લગાવી રહી છે કે TTP આતંકીઓ અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને ક્રોસ-બોર્ડર હુમલા કરી રહ્યા છે, જોકે કાબુલ સરકારે આ દાવાઓને ફગાવી દીધા છે. આ વિવાદને કારણે બંને દેશો વચ્ચે સરહદી સંઘર્ષ વધ્યો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી છે, જેના જવાબમાં અફઘાન દળોએ પણ લશ્કરી કાર્યવાહી કરી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના અહેવાલ મુજબ ક્રોસ-બોર્ડર હુમલાઓમાં સેંકડો અફઘાન નાગરિકોના મોત થતાં સ્થિતિ વધુ વણસી છે.

Most Popular

To Top