Columns

બર્ડ ફ્લુના ડરથી હજારો નિર્દોષ પક્ષીઓની હત્યા કરવાની કોઈ જરૂર નથી

ભારતનાં કેરળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઝારખંડ જેવાં રાજ્યોમાં બર્ડ ફ્લુના સમાચાર આવતાં આતંક ફેલાઈ ગયો છે. સત્તાવાળાઓ દ્વારા તકેદારીનાં પગલાં તરીકે હજારો પક્ષીઓની કતલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હકીકત એ છે કે દર વર્ષે શિયાળામાં રાનીખેત નામની બીમારીને કારણે કેટલાંક પક્ષીઓ મરી જતાં હોય છે.

તેને બર્ડ ફ્લુમાં ખપાવીને પ્રજામાં આતંક ફેલાવવાનું કામ સ્થાપિત હિતો કરે છે. પહેલી વાત તો એ કે બર્ડ ફલુની બીમારી જરા પણ ભયભીત થવા જેવી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલી માહિતી મુજબ બર્ડ ફ્લુથી વિશ્વના ૧૭ દેશોમાં ૧૦ વર્ષમાં માત્ર ૪૦૦ માનવોનાં મોત થયાં છે.

ઇ.સ. ૨૦૦૩ માં બર્ડ ફલુના કારણે વિએટનામમાં ૩ અને ચીનમાં ૧ એમ કુલ ૪ કેસો નોંધાયા હતા, જેમાં ચારે ચાર દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. ૨૦૦૪ માં બર્ડ ફલુએ દક્ષિણ પૂર્વ એશિયાના દેશ વિયેટનામ અને થાઇલેન્ડમાં દેખા દેતાં ૪૬ માંથી ૩૨ લોકોનાં મોત નીપજયાં હતાં.

જયારે ૨૦૦૫ અને ૨૦૦૬ માં બર્ડ ફલુથી ૧૨૨ લોકોનાં મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો હતો. ઇ.સ. ૨૦૦૭-૨૦૦૮ માં પણ બર્ડ ફલુથી મોત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો, જેમાં ૯૨ લોકો મોતને ભેટ્યાં હતાં.૨૦૦૯ અને ૨૦૧૦ ના વર્ષમાં બર્ડ ફલુથી ૫૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

કોઇ પણ સામાન્ય સમજણ ધરાવતી વ્યક્તિ પણ કહી શકશે કે દુનિયાની ૭૦૦ કરોડની વસતિમાંથી જે બીમારીથી દસ વર્ષમાં માત્ર ૪૦૦ નાં મોત થયાં હોય તેનાથી ભયભીત થવાની શી જરૂર છે? તેની સરખામણીએ ભારતમાં દર વર્ષે ટી.બી.થી ૫.૫ લાખ અને કેન્સરથી સાત લાખ નાગરિકોનાં મોત થાય છે.

આરોગ્યના નિષ્ણાતો કહે છે કે જો બર્ડ ફ્લુનો વાયરસ માનવમાં સંક્રમણ થતો હોય તો જ મનુષ્યને તેનાથી ડરવાની જરૂર રહે છે. નવાઇની વાત એ છે કે ભારતમાં હજુ સુધી બર્ડ ફ્લુને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું તો પછી આપણે બર્ડ ફ્લુથી ડરીને નિર્દોષ મરઘાંની હત્યા કરવાની શું જરૂર છે? ધારો કે કોઇ ગામમાં કેટલાંક લોકોમાં પ્લેગ જેવો જીવલેણ રોગ ફેલાઇ ગયો છે.

તેવા સંયોગોમાં બાજુના ગામને બચાવવા માટે ગામનાં બધાં લોકોની કતલનો આદેશ આપવામાં આવે તો તે કેટલો યોગ્ય ગણાય? તેવી રીતે કોઇ પોલ્ટ્રી ફાર્મના મુઠ્ઠીભર મરઘાંના શરીરમાં બર્ડ ફ્લુના વાયરસ જોવા મળે તેના આધારે એક કિલોમીટર ત્રિજયામાં રહેલા તમામ ચેપ વગરનાં મરઘાંની હત્યા કરવામાં ક્યો ન્યાય છે? શું આ નિર્દોષ જીવોને  જીવવાનો
અધિકાર નથી?

વિશ્વમાં બર્ડ ફ્લુનો આતંક ફેલાવીને દવાઓ બનાવતી અને આધુનિક પોલ્ટ્રી ફાર્મનું સંચાલન કરતી મલ્ટિનેશનલ કંપનીઓ દુનિયાને કેવી રીતે બેવકૂફ બનાવી રહી છે, તેનો ઘટસ્ફોટ અમેરિકાના ડો. જોસેફ મેરકોલાએ ‘ધ ગ્રેટ બર્ડ ફ્લુ હોક્સ’ નામના પુસ્તકમાં કર્યો છે. ડો. મેરકોલા કહે છે કે દવાઓ બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ ભાડુતી વિજ્ઞાનીઓ પાસે સંશોધન કરાવીને જાહેર કરાવે છે કે બર્ડ ફ્લુ માનવજાતનો દુશ્મન છે.

આ સંશોધનને આધારે તેઓ બર્ડ ફ્લુની દવા બનાવે છે. ત્યાર બાદ તેઓ વિશ્વના દેશોની સરકારોનો સંપર્ક કરીને તેના નેતાઓને અબજો રૂપિયાની લાંચ આપે છે. લાંચ લેનારા નેતાઓ દેશની તિજોરીમાંથી અબજો રૂપિયાની દવા ખરીદે છે.

મલ્ટિનેશનલ કંપનીઓ મીડિયાને પણ ફોડી કાઢે છે અને તેમની પાસે બર્ડ ફ્લુનો ભય પેદા કરતાં હેવાલો પ્રગટ કરાવડાવે છે. આ હેવાલો વાંચીને ભયભીત થયેલી પ્રજા બર્ડ ફ્લુની દવા ખરીદવા દોડે છે. ડો. મેરકોલા દાવા સાથે કહે છે કે ટેમિફ્લુ નામની દવા લેવાથી બર્ડ ફ્લુ સામે સંરક્ષણ મળે છે તે હજુ સુધી સાબિત નથી થયું; તો પણ અમેરિકા સહિતના દેશોની સરકારો અબજો ડોલરની દવા ખરીદે છે.

ત્રણ વર્ષ અગાઉ અમદાવાદ નજીક આશા ફાઉન્ડેશનના શેલ્ટરમાં સાત ચાઇનીઝ મરઘાં મરી ગયાં તેને પગલે જિલ્લા કલેક્ટરે તેની એક કિલોમીટર ત્રિજયામાં આવેલાં તમામ મરઘાંની કતલ કરવાનો આદેશ કર્યો તે વખતે બર્ડ ફ્લુ બાબતની કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનો હવાલો આપવામાં આવ્યો હતો.

આ ગાઇડલાઇન વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શન મુજબ ઘડવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા વિવિધ ચેપી રોગોની રસી બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓની દલાલ છે. સાર્સ, બર્ડ ફ્લુ, સ્વાઇન ફ્લુ જેવી બીમારીથી લોકો ભયભીત થઇ જાય છે ત્યારે આ રોગો સામે રક્ષણ આપતી ટેમિફ્લુ નામની દવા ખરીદવા દોડે છે. આ દવા મર્ક નામની મલ્ટિનેશનલ ફાર્મા કંપની બનાવે છે અને તેમાંથી અબજો ડોલરની કમાણી કરે છે.

આ કંપની વિશ્વ આરોગ્ય સંસ્થાનો ઉપયોગ દલાલ તરીકે કરીને તેના પાસે બર્ડ ફ્લુ, સ્વાઇન ફ્લુ વગેરે બાબતમાં ડરામણા આંકડા બહાર પડાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દવા બનાવનારી કંપનીના પ્રભાવમાં ગાઇડલાઇન બહાર પાડે છે. આ ગાઇડલાઇનનો આશરો લઇને લાખો નિર્દોષ પક્ષીઓની કતલ કરી નાખવામાં આવે છે.

જો દવા બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાને દલાલ ન બનાવવામાં આવી હોત, તો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોઇ ગાઇડલાઇન બહાર પાડવામાં ન આવી હોત. જો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ગાઇડલાઇન બહાર ન પાડવામાં આવી હોત તો અમદાવાદના જિલ્લા કલેક્ટર દ્વારા આશા ફાઉન્ડેશનનાં મરઘાંની કતલ કરવાનો આદેશ આપવામાં ન આવ્યો હોત.

આ સાત મરઘાંનાં મોતને કારણે પ્રજામાં કોઇ ભય નથી ફેલાઇ ગયો પણ નિર્દોષ મરઘાંની કતલ કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજામાં બિનજરૂરી ભય ફેલાવાઇ રહ્યો છે; તે સમજવાની જરૂર છે. આ ભયનો લાભ લઇને મલ્ટિનેશનલ  કંપનીઓ અબજો રૂપિયાની દવાનું વેચાણ કરતી હોય છે.

ભારતમાં અને વિશ્વભરમાં બર્ડ ફ્લુનો ખોટો હાઉ પેદા કરવામાં આવી રહ્યો છે તેની પાછળ બીજું પણ એક કૌભાંડ છે. ભારતમાં આજની તારીખમાં હજારો પોલ્ટ્રી ફાર્મ કાર્યરત છે, જેમાં કરોડો મરઘાંનો ઉછેર ઇંડાં અને ચિકન માટે થઇ રહ્યો છે. અમેરિકામાં પોલ્ટ્રી ફાર્મના ધંધામાં અનેક રાક્ષસી મલ્ટિનેશનલ કંપનીઓએ ઝંપલાવી દીધું છે, જેઓ કરોડો ડોલરનો કારોબાર કરે છે. આ કંપનીઓ હવે ભારત સહિતના વિકાસશીલ દેશોમાં પોતાનો ધંધો વિસ્તારવા માગે છે.

તેમને સૌથી વધુ હરીફાઇ નાના બિનસંગઠિત પોલ્ટ્રી ફાર્મ દ્વારા મળવાની છે. સરકાર બર્ડ ફ્લુનો હાઉ ફેલાવી નાના પોલ્ટ્રી ફાર્મને અસલામત જાહેર કરવા માગે છે; જેથી લોકો મલ્ટિનેશનલ કંપનીઓ તરફ વળે. ભવિષ્યમાં ભારતમાં આવનારી મલ્ટિનેશનલ કંપનીઓ માટે ભૂમિકા તૈયાર કરવામાં આવી રહી છે.

વાત માત્ર બર્ડ ફ્લુ પૂરતી મર્યાદિત નથી. તાજેતરનાં વર્ષોમાં કોરોના, સાર્સ, સ્વાઇન ફ્લુ, ઇબોલા વાયરસ, ઝિકા વાયરસ વગેરે તથાકથિત ચેપી બીમારીઓનો જે ભય ફેલાવાઇ રહ્યો છે તેની પાછળ પણ દવા બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા, દેશોની સરકારો અને મીડિયાની ચંડાળ ચોકડી કામ કરી રહી છે.

મલ્ટિનેશનલ કંપનીઓ પોતાના ભાડુતી વિજ્ઞાનીઓ દ્વારા સંશોધન કરાવીને કોઇ બીમારીને જીવલેણ જાહેર કરે, વિશ્વ આરોગ્ય સંસ્થા તેનો પ્રચાર કરે, દેશની સરકારો તેની ગાઇડલાઇનનો આંખ મીંચીને અમલ કરે અને મીડિયા ભય ફેલાવવામાં સાથ આપે ત્યારે પ્રજા ભયભીત બનીને નકામી દવાઓ પેટમાં પધરાવીને આરોગ્યનું સત્યાનાશ કાઢતી હોય છે. કોઇ જાગૃત નાગરિકે કોર્ટમાં જાહેર હિતની અરજી કરીને આ કૌભાંડનો અંત આણવો જોઇએ.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top