Madhya Gujarat

લુણાવાડા પાસે કાર ટક્કરે પિતા-પુત્ર સહિત 3ના મોત

આણંદ : લુણાવાડા તાલુકાના હડોડ ગામ પાસે પુરપાટ ઝડપે જતી કારે સામેથી આવતી બાઇકને હડફેડે ચડાવી હતી. જેના કારણે બાઇક પર સવાર પિતા – પુત્ર સહિત ત્રણના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતાં. આ અંગે લુણાવાડા પોલીસે ગાડી ચાલક સામે ગુનો નોંધ્યો હતો. જોકે, અકસ્માત બાદ ગાડી ચાલક ફરાર થઇ ગયો હતો. લુણાવાડાના કોલવણ ગામે રહેતા ધરમસિંહ શનાભાઈ પગીના મોટા ભાઇ ભરતભાઈ પગી, કાકા સોમાભાઈ પગી અને પિતરાઇ મહેશ સોમાભાઈ પગી અમદાવાદના જશોદાનગર ખાતે કડીયાકામ કરતાં હતાં.

મહેશ, સોમા અને ભરત ત્રણેય બાઇક પર જઇ રહ્યાં હતાં, તે સમયે હડોદ ગામના પાટીયા પાસે સામેથી પુરપાટ ઝડપે ધસી આવતી કાર નં.જીજે 6 ઇએચ 7864ના ચાલકની બેદરકારીના કારણે બાઇક હડફેટે ચડી ગઇ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેયને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં સ્થળ પર જ મહેશભાઈ સોમાભાઈ પગીનું મોત નિપજ્યું હતું. જ્યારે સોમાભાઈ અને ભરતભાઈને ગંભીર ઇજા પહોંચતાં 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં સોમાભાઈને ફરજ પરના તબિબે મૃત્યું પામેલા જાહેર કર્યાં હતાં. જોકે, ભરતભાઇને તાત્કાલિક વધુ સારવાર માટે લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ તેમનું પણ મોત નિપજ્યું હતું. આ અંગે લુણાવાડ પોલીસે ટાવેરા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લુણાવાડાના કોલવણ ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતના પગલે ભારે શોકની લાગણી જન્મી હતી. તેમની એક સાથે અંતિમવિધિ કરાતાં ગ્રામજનોમાં પણ ભારે ગમગીની જોવા મળી હતી.

ટવેરા ચાલક અકસ્માત બાદ ભાગી ગયો
મહેશભાઈ પગી સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જનાર ટવેરા ગાડી નં.જીજે 06 ઇએચ 7864ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવ્યું હતું અને અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર ગાડી મુકી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગાડીને પણ ભારે નુકશાન પહોંચ્યું હતું.

Most Popular

To Top