Top News

યુક્રેન વોરની અસર: ફેસબુક અને યુ ટ્યુબે રશિયા પર પ્રતિબંધો લગાવ્યા

મુંબઈ: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 6 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ કરેલા હુમલાના પગલે યુક્રેનમાં તબાહી મચી ગઈ છે. જેને લઈને વિશ્વના દેશો રશિયાનો વિરોધ કરી રહ્યા છે. વિશ્વના અનેક દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પણ રશિયા પર પ્રતિબંધ લાદી રહ્યું છે. ફેસબુકે રશિયાનો બહિષ્કાર કરતા સરકારી મીડિયાને બ્લોક કરવાની તૈયારી કરી દીધી છે. આ ઉપરાંત કેનેડામાં પણ ટેલિકોમ ઓપરેટર્સે રશિયાની RT ચેનલ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. મેટા રશિયાની મીડિયા RT અને Sputnikને યુરોપિયન યુનિયનમાં બ્લોક કરશે. આ વાતની માહિતી મંગળવારે કંપનીના ગ્લોબલ અફેર હેડ નિક ક્લેગીએ આપી છે.

રશિયાની ટેક કંપનીઓની વિરુદ્ધ સખત કાર્યવાહી
યુદ્ધનાં પગલે યુરોપમાં મેટાને રશિયાનાં સરકારી મીડિયા પ્લેટફોર્મ્સ અંગે પગલાં લેવાની માંગ ઉઠી હતી. આ બાદ ક્લેગે જણાવ્યું હતું કે મેટા આ સમસ્યા પર સરકારો સાથે મળીને કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે યુરોપીય યુનિયને રવિવારે રશિયાને સરકારી મીડિયા નેટવર્ક RT અને Sputnik પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી. યુટ્યૂબે રશિયાની મીડિયા ચેનલ્સને એડ્સથી થતી કમાણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ ગૂગલે પણ ઘણા પ્રકારનાં પગલાં લીધાં છે. ટ્વિટરે વર્ષ 2017થી જ RT અને Sputnikને એડવર્ટાઈઝમેન્ટથી બેન કર્યા છે. રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ટેક કંપનીઓ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. રશિયાની ટેક કંપનીઓની વિરુદ્ધ ઘણા સખત પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ટ્વિટર અને ફેસબુકના એક્સિસને રશિયાએ સીમિત કર્યો છે.

કેનેડામાં પણ RT ચેનલ્સ પર પ્રતિબંધ
કેનેડામાં પણ ટેલિકોમ ઓપરેટર્સે RT ચેનલ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. યુક્રેન અને રશિયાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ટેક કંપનીઓ માટે રશિયાનું મીડિયા કવરેજ એક મોટી સમસ્યા છે. જોકે બીજી તરફ રશિયા આ હુમલાને સ્પેશિયલ ઓપરેશન કહી રહ્યું છે. મેટા સિવાય યુટ્યૂબ અને ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઈન્કે પણ રશિયાની સરકારી મીડિયાની વિરુદ્ધ પગલાં ભર્યાં છે.

ઉલ્લેખનીય છે કે રશિયાએ શરુ કરેલા યુદ્ધના પગલે વિશ્વના નાના તેમજ મોટા દેશો પુતિનનો વિરોધ કરી રહ્યા છે. મોટાભાગના દેશોએ રશિયા સાથેનાં આર્થિક વ્યવહાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેટલાક દેશોએ રશિયાની ફ્લાઈટ બેન કરી દીધી છે. ત્યારબાદ હવે સોશિયલ મીડિયા પર પણ રશિયા બેન થઇ રહ્યું છે.

Most Popular

To Top