Gujarat

કર્ફ્યુ- લોકડાઉનની અફવા વચ્ચે કામદારોની હીજરત શરૂ, સુરતના આ વિસ્તારોમાં બસ ભરી ઠાંસીઠાંસીને વતને જઇ રહ્યાં છે

સુરત: (Surat) રાત્રી કર્ફયૂ છતાં સુરતમાં કોરોના સંક્રમણ 2020ના વર્ષની તુલનાએ 2021માં વધુ રહેતા સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા કામદારોની (Workers) ધીરજ ખૂટી છે. હોળી પહેલા જ ડાઇંગ પ્રોસેસિંગ, વિવિંગ એકમો અને એમ્બ્રોઇડરી કારખાનાઓમાં કામ કરતા કુલ એક લાખ જેટલા કામદારો વતને પહોંચી ગયા હતા. તેમ છતાં 2.50 લાખથી 2.75 લાખ જેટલા કામદારો, ઉદ્યોગકારો, કામદાર સંગઠનો અને સ્થાનિક વહીવટી તંત્રની સમજાવટને પગલે સુરતમાં રોકાયા હતા. પરંતુ છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે. સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે તેને લઇને કામદારો ભયમાં હતા. આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશને પગલે કામદારોમાં કર્ફયૂ અથવા લોકડાઉન (Curfew Lockdown) આવી રહ્યું હોવાની ચર્ચાઓ વધતા કામદારો પરિવારો સાથે જે વિસ્તારોમાંથી ઉત્તર ભારત જવા માટે લકઝરી બસ ઉપડે છે તે તરફ દોટ મૂકી હતી. લકઝરી બસના સંચાલકોએ 10 જેટલી બસ પાંડેસરા ગણેશનગરમાં મૂકી હતી. જેમાં આરટીઓની 36 પેસેન્જરોની મંજૂરી સામે 90 જેટલા પેસેન્જરો વતને જવા રવાના થયા હતા.

એવી જ રીતે સચીન જીઆઇડીસી, ઉન, કડોદરા, પલસાણા અને અમરોલી વિસ્તાર મળી આ વિસ્તારોમાંથી રોજ 60 જેટલી બસ કામદારોને લઇ ઉત્તરપ્રદેશના બુંદેલ ખંડના વિસ્તારો બાન્દા, હમીરપુર, ઝાંસી, કાનપુર, ફતેહપુર, ચિત્રકુટ અને બનારસ પરત ફરી રહ્યાં છે. સુરતમાં લોકડાઉન આવશે એવા ભયને પગલે કામદારો ગયા વર્ષ જેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે લકઝરી બસના સંચાલકો જે કિંમત માંગી રહ્યાં છે તે ચૂકવીને વતને જઇ રહ્યાં છે. ગુજરાત ઇન્ટુકના મહામંત્રી કામરાન ઉસ્માની અને ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે કર્ફયૂ અને લોકડાઉનના સમાચાર ટીવી ન્યૂઝ ચેનલો અને સોશિયલ મિડીયામાં ચાલતા કામદારો ભયભીત થયા છે. ઉદ્યોગકારો અને કામદાર સંગઠનો દ્વારા તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત હાઇકોર્ટના નિર્દેશને પગલે કામદારોને એવું લાગી રહ્યું છે કે સુરતમાં દિવસનો પણ કર્ફયૂ આવી શકે છે તેવી સ્થિતિમાં પાછલા વર્ષ જેવી પગપાળા જવાની નોબત ન આવે તે માટે અત્યારથી તેઓ સજાગ થયા છે. વતનેથી પણ સગાસંબંધીઓના ગામ પરત આવવા ફોન આવી રહ્યાં છે તેને લઇને પણ કામદારો દબાણમાં આવ્યા છે. જો આ વખતે મોટી સંખ્યામાં કામદારો પલાયન કરશે તો તેમને પરત લાવવા મુશ્કેલ બનશે. અત્યારે ટેક્ષટાઇલના જુદા જુદા સેગમેન્ટમાં 2.50થી 2.75 લાખ જેટલા કામદારો રહ્યાં છે તેમને કોઇપણ સંજોગોમાં હિંમત આપીને રાખવા પડશે.

એક સ્લીપર બેઠકના 1200ને બદલે 2200 રૂપિયા લકઝરી બસના સંચાલકો વસૂલી રહ્યાં છે
પાંડેસરા, સચીન, ઉન અને અમરોલીથી જે ઉત્તર ભારતીય કામદારો વતને જઇ રહ્યાં છે તેમની પાસે 1200 રૂા.ની સ્લીપર બેઠક સામે 2200 રૂા. વસુલવામાં આવી રહ્યાં છે. હોળી પહેલા જે કામદારો વતને ગયા હતા તેમની પાસે વ્યકિત દીઠ 1200 રૂા. લેવામાં આવ્યા હતા એટલે કે અત્યારે કામદારોના ભય વચ્ચે 1000 રૂા. વ્યકિત દીઠ વધુ ખંખેરવામાં આવી રહ્યાં છે. જો આરટીઓ અને સ્થાનિક પોલીસ લકઝરી બસના સંચાલકો સામે કાર્યવાહી નહીં કરે તો મોટી સંખ્યામાં કામદારો હિજરત કરી જાય તેવો ભય ઉભો થયો છે.

Most Popular

To Top