Comments

શિક્ષણ અને પર્યાવરણ તંત્ર આપણા અર્થતંત્રને ડુબાડી રહ્યા છે

સ્વિટઝરલેન્ડ સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા વિશ્વના પ્રમુખ અર્થતંત્રોના પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં ભારતનો રેન્ક 2016ના 41થી લપસીને 2020માં 43 થયો છે. તેને સમાંતર વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા બનાવેલા પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં 2018માં ભારતનો રેન્ક 58 હતો જે 2019માં 68 થયો હતો. આ પ્રમાણે વિશ્વના 2 પ્રમુખ પ્રતિસ્પર્ધા માનકો પર આપણે નીચે ગબડી રહ્યા છીએ. જો આપણી આ જ ગતિ રહેશે તો દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું સ્વપ્ન અધૂરું રહી જશે.

આપણા નીચે આવવાના 2 પ્રમુખ કારણ દેખાય છે. પ્રથમ કારણ શિક્ષા છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ મુજબ ભારતનું શિક્ષા તંત્ર 64 દેશોમાં 59મા ક્રમ પર હતું. આપણે એક રીતે સૌથી નીચે હતાં. પર્યાવરણના ક્રમમાં આપણે 64 દેશોમાં છેલ્લા એટલે કે 64 ક્રમ પર હતા. વિશ્વગુરુનું સ્વપ્ન જોનાર દેશ માટે આ શોભનીય નથી.ે શિક્ષાના ક્ષેત્રમાં આપણું ખરાબ પ્રદર્શન ચિંતાનો વિષય છે કારણ કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મુજબ વર્ષ 2019-20માં આપણે જીડીપીના 3.3 ટકા શિક્ષા પર ખર્ચ કર્યા હતા. જો કે વૈશ્વિક સ્તર પર શિક્ષા પર 6 ટકા ખર્ચને યોગ્ય માનવામાં આવે છે.

તો પણ 3.3 ટકા એટલું નબળુ નથી. આ રકમ વર્ષ 2019-20માં 651 હજાર કરોડ રૂપિયાની વિશાળ રકમ બને છે. એવું સમઝો કે 6 મહિનામાં આપણી જનતા જેટલું જીએસટી આપે છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને જેટલું રાજસ્વ મળે છે તેના કરતા વધુ ખર્ચ આ સરકારો દ્વારા  શિક્ષા પર કરાય છે તો પણ આપણે શિક્ષામાં 64 દેશોમાંથી 59મા ક્રમ પર છીએ જે શરમજનક છે. દેખીતી રીતે શિક્ષા પર કરવામાં આવી રહેલા ખર્ચમાં કોઈ જગ્યાએ વિસંગતિ છે.

651 હજાર કરોડ રૂપિયાની રાશિ સરકાર દ્વારા દર વર્ષે શિક્ષા પર ખર્ચ કરવામાં આવી રહી છે. આ રકમ માત્ર સરકારી શાળાઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પર જ કરાઈ રહી છે. દિલ્હીમાં પ્રતિ વિદ્યાર્થી રૂ. 78,000 ખર્ચ કરાય છે. વર્તમાનમાં શાળા જતી વસતી આશરે 46 કરોડ છે. જો આ રકમને દેશના સમસ્ત વિદ્યાર્થીઓમાં વહેંચી દઈએ તો પ્રત્યેક વિદ્યાર્થીને 14,000 રૂપિયા આપી શકાય છે. સામાન્ય રૂપે ગ્રામીણ અંગ્રેજી માધ્યમ શાળાઓની ફીસ 12000 રૂપિયા પ્રતિ વર્ષ છે. એટલે જેટલી ફીસમાં પ્રાઈવેટ શાળાઓ દ્વારા અંગ્રેજી માધ્યમની શિક્ષા આપણા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તેના કરતા 5 ગણી રકમ સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર કરાઈ રહી છે.

એક બાજુ પ્રાઈવેટ અંગ્રેજી મિડીયમ 12 હજારમાં શિક્ષા આપે છે તો બીજી બાજુ સરકાર દ્વારા 78000 રૂપિયા ખર્ચ કરાય છે. તો છતાં આપણો રેન્ક નીચે રહે છે. આ વિસંગતિનું મૂળ કારણ છે કે સરકારી શિક્ષકોને બાળકોને અભ્યાસ કરાવવામાં કોઈ રસ હોતો નથી. જો તેમના પરિણામો સારા આવે છે તો તેમને કોઈ સન્માન નથી મળતું અને જો તેમના પરિણામો સારા નથી આવતાં તો તેમને કોઈ સજા નથી મળતી. સરકારે ફીસ માફ કરી, મફત પુસ્તકો, મફત યુનિફોર્મ અને મફત મધ્યાન્હ ભોજન વહેંચીને વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં એડમિશન લેવા સંમોહિત કર્યા છે.

આ સંમોહનના કારણે પ્રાઈવેટ શાળાઓના બદલે સરકારી શાળાઓમાં એડમિશન લેવાનું પસંદ કરે છે. જો આપણે પ્રતિસ્પર્ધાની ક્ષમતામાં વધારો કરવો છે તો આપણે શિક્ષા વ્યવસ્થામાં પૂર્ણ પરિવર્તન કરવું પડશે. સલાહ એવી છે કે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતી રકમને વિદ્યાર્થીઓને સીધા વાઉચરના માધ્યમથી આપવામાં આવે અને વિદ્યાર્થીઓને સ્વતંત્રતા આપવામાં આવે કે તેઓ પોતાની પસંદની શાળામાં તે વાઉચરો મારફતે પોતાની ફીસ આપી શકે. જો આમ કરી શકાય તો સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો લોભ સમાપ્ત થઈ જશે અને તે રકમને કુશળ ખાનગી વિદ્યાલયોની શિક્ષામાં સુધાર માટે કરી શકાશે. આપણી શિક્ષા વ્યવસ્થામાં સુધાર આવી જશે.

બીજી સમસ્યા પર્યાવરણની છે જેમાં આપણે સૌથી છેલ્લા 64મા ક્રમ પર છીએ. સમસ્યા એ છે કે સરકાર સમજી રહી છે કે પર્યાવરણની અડચણથી આપણી આર્થિક ગતિવિધિઓ રોકાઈ રહી છે. પર્યાવરણની અડચણને સમાપ્ત કરી અર્થતંત્રને ઝડપથી વધારવું પડશે. જેમ સરકારે હાલમાં જ થર્મલ વીજ સંયત્રો દ્વારા પ્રદૂષણ માનકોને ઢીલા કરી દીધાં છે અને પર્યાવરણ સ્વીકૃતિના નિયમોમાં છૂટછાટ આપી છે. સરકારનું માનવું છે કે પર્યાવરણ કાયદાને નરમીથી લાગુ કરવાથી ઉદ્યોગપતિઓને ઉદ્યોગ લગાડવું સહેલું થઈ જશે અને અર્થવ્યવસ્થા આગળ વધશે. પણ તેની અસર ઉંધી થઈ રહી છે. પર્યાવરણને વધુ નબળું કરીને આપણી પ્રતિસ્પર્ધા શક્તિમાં સુધારો કેવી રીતે શક્ય છે? એટલે સરકારને સમજવું પડશે કે પર્યાવરણ રક્ષા કરવાથી આપણી પ્રતિસ્પર્ધા શક્તિ સુધરશે. એનું કારણ છે કે જ્યારે આપણું પર્યાવરણ સુરક્ષિત રહે છે તો લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે અને નાગરિકોની કાર્ય ક્ષમતા વધે છે.

બીજું એ કે જ્યારે પર્યાવરણ સ્વચ્છ રહે છે તો રોકાણકારો નિર્ભિકતાથી ભારતમાં રોકાણ કરી શકે છે. તેઓ પ્રદૂષિત સ્થાનો પર ઉદ્યોગ લગાવવાનું પસંદ નથી કરતા. ત્રીજું એ કે જ્યારે પર્યાવરણની રક્ષા કરવા આપણે સ્વચ્છ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ જેમ કે જો સરકાર નિયમ બનાવે છે કે ઉદ્યોગોને ઊર્જા ઓછી ખર્ચ કરવી પડશે તો ઉદ્યોદો દ્વારા સારી ગુણવત્તાના વીજળીના બલ્બ, પંખા, એસી, મોટર વિગેરે લગાવવામાં આવે છે જેનાથી તેમનો ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે. જેમ બાળકોને અભ્યાસ કરવા માટે દબાણ નાખવું પડે છે પણ અભ્યાસ કર્યા બાદ તેનું ભવિષ્ય ઉજ્જવળ બને છે તે જ રીતે જો સરકાર પર્યાવરણની રક્ષા માટે ઉદ્યોગો  પર દબાણ નાંખે છે તો અંતમાં ઉદ્યોગ કુશળ થાય છે. આપણે ચેતી જવું જોઈએ, શિક્ષામાં 64માંથી 59 અને પર્યાવરણમાં 64માંથી 64નો ક્રમ શોભનીય નથી. તે ઉપરાંત આપણો પ્રતિસ્પર્ધા રેન્ક નીચે જઈ રહ્યો છે. આપણે શિક્ષામાં વાઉચર સિસ્ટમ લાગુ કરવું જોઈએ અને પર્યાવરણની કડકાઈથી રક્ષા કરવી જોઈએ. ત્યારે આપણું અર્થતંત્ર ઉપર જવા લાગશે.
            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top