SURAT

GST નો નવો નિયમ દિવાળી બાદ સુરતના કાપડ અને હીરા ઉદ્યોગની મુશ્કેલી વધારશે

સુરત: કેન્દ્ર સરકાર મધ્યમ અને નાના વેપારીઓને પણ ઈ-ઈનવોઈસના (E-Invoice) દાયરા લાવવા ટર્ન ઓવરની (Turn over) મર્યાદા ઓછી કરી રહી છે. કેન્દ્રના નાણાં મંત્રાલયે જાહેર કરેલી નવી જોગવાઈથી 5 કરોડથી વધુનું ટર્ન ઓવર હશે તો 1 જાન્યુઆરી-2023થી હીરા અને કાપડ ઉદ્યોગે ફરજિયાત ઇનવોઇસ બનાવવું પડશે. સરકારનો ઈરાદો ટર્ન ઓવરની મર્યાદા 2023માં 1 કરોડ કરવાની પણ છે. ઈનવોઈસની મર્યાદા ઘટાડવાના સરકારનો ઉદ્દેશ કરચોરી, ખોટા ITC દાવાઓ રોકવા અને આઇટીસી સરળતાથી આપવાનો, પણ નાના વેપારીઓને ફરજિયાત સીએ, એકાઉન્ટની સુવિધા લેવી પડશે. એની પાછળ પ્રત્યેક મહિને 20,000 રૂપિયા ચૂકવવાનો વારો આવશે.

ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલયે એવો સંકેત આપ્યો છે કે, 1 જાન્યુઆરી-2023થી ઈ-ઈનવોઈસની મર્યાદા 5 કરોડ થઈ શકે છે. સરકારે જ્યાં 1 ઓક્ટોબર, 2020ના રોજ 500 કરોડની મર્યાદા હતી. પછી 1 જાન્યુઆરી, 2021ના ​​રોજ તે ઘટાડીને 100 કરોડ કરવામાં આવ્યા અને 1 એપ્રિલ, 2021ના ​​રોજ 50 કરોડ અને 1 એપ્રિલ,2022ના રોજ 20 કરોડ અને 1 ઓક્ટોબર-2022ના રોજ 10 કરોડની મર્યાદા નિર્ધારિત કરી હતી.
જો 2017-18થી 2021-22 સુધી કોઈપણ વર્ષમાં કોઈપણ રજિસ્ટર્ડ કરદાતાનું F/Y 10 કરોડથી વધુ હોય, તો તેને 1લી ઓક્ટોબર-2022થી ઈ-ઈનવોઈસના દાયરામાં લાવવામાં આવ્યું છે, પરંતુ હવે સરકારે તેમાં ઘટાડો કર્યો છે.

જે કરદાતાનું 2017-18થી 2021-22માં 5 કરોડથી વધુ ટર્ન ઓવર હશે એવા કરદાતાઓને પણ 1 જાન્યુઆરી-2023થી સરકારે ઇ-ઇનવોઇસના દાયરામાં લાવવાનું નક્કી કરવાનું મન બનાવ્યું છે. આગળ જતાં આ લિમિટ 1 કરોડ પણ થઈ શકે છે. આ સંદર્ભે સરકાર પોર્ટલની ક્ષમતા વધારવા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી રહી છે. ઈ-ઈનવોઈસની મર્યાદામાં સતત ઘટાડવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ કરચોરી, ખોટા ITC દાવાઓને રોકવા અને ઉદ્યોગપતિઓને સરળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લાભો આપવાનો છે. સરકારનું માનવું છે કે, આનાથી કરચોરી રોકવામાં મદદ મળશે તેમજ ખરીદદારોને સરળતાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે. જેના કારણે ITC ક્લેઇમ કરવામાં કોઈ સમસ્યા નહીં રહે.

Most Popular

To Top