SURAT

બેંકમાંથી ક્યારેય આવા ફોન નથી આવતા,તો પછી શા માટે આ ગ્રાહકના રૂપિયા સલવાઈ ગયા ?

સુરત: ડુમસ (Dumas) સાયલન્ટ ઝોનમાં (Silent Zone) રહેતી ગૃહિણીને એસબીઆઈના (SBI) નામે ફોન કરીને ક્રેડિટ કાર્ડ(Credit Card) માટે કેવાયસી કરવાનું કહી લિંક મોકલી વિગતો મંગાવી હતી. બાદ તેના ખાતામાંથી 1.47 લાખનું ટ્રાન્ઝેક્શન કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. વેસુ ખાતે નંદિની-3માં રહેતી 34 વર્ષીય ગૃહિણી નિમીષા ચિંતન ઠક્કરે ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નિમીષા તેના પતિ સાથે સાયલન્ટ ઝોનમાં અવધ કોપર સ્ટોન રેસિડેન્સીમાં ભાડે રહેતી હતી. ગત 30 ઓગસ્ટે બપોરે અજાણ્યા નંબર પરથી નિમીષાને ફોન આવ્યો હતો. અને પોતે એસબીઆઈમાંથી બોલું છુ કહીને ક્રેડિટ કાર્ડના કેવાયસીની માહિતી અપડેટ કરવાનું કહ્યું હતું.

લિંક ઓપન કરતાં તેમાં એસબીઆઈ બેંકનો લોગો હતો
નિમીષાને એક ફોર્મ ભરવાનું કહી એક લિંક મોકલી હતી. તેણીએ આ લિંક ઓપન કરતાં તેમાં એસબીઆઈ બેંકનો લોગો હતો, જેમાં નિમીષાએ તેના નામ સહિતની વિગતો ભરી સબમિટ કરી હતી. બાદ 31 તારીખે નિમીષાએ તેનું ક્રેડિટ કાર્ડ ઓપન કરવા પ્રયાસ કર્યો તો તે ઓપન નહીં થતાં રજિસ્ટર મેઈલ પર ચેક કર્યું હતું. ત્યારે તેના ક્રેડિટ કાર્ડમાંથી ટુકડે ટુકડે 1.47 લાખનું ટ્રાન્ઝેક્શન થયાનું જાણવા મળ્યું હતું. જેથી તેણે ડુમસ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

22 કારખાનેદાર સાથે 69 લાખની છેતરપિંડી કરી દંપતી ફરાર
સુરત: એમ્બ્રોઇડરીના 22 જેટલા કારખાનેદારને માલ આપીને તેઓ પાસે એમ્બ્રોઇડરીનું જોબવર્કનું કામ કરાવી અંદાજે 69.53 લાખની થયેલી છેતરપિંડીનો ગુનો કતારગામ પો.સ્ટે.માં દાખલ થયો છે. આ મામલે ઘનશ્યામ નાગજી વડછક દ્વારા ભીમ યાદવ અને તેની પત્ની સુષ્મા ભીમ યાદવ સામે છેતરપિંડીની ફરિયાદ આપવામાં આવી હતી. જેઓ કોસાડ આવાસ એચ-3 બિલ્ડિંગમાં રહે છે. ભીમ યાદવ શરૂઆતમાં જોબવર્ક કરાવીને ધારા પ્રમાણે નાણાં ચૂકવતો હતો. ત્યારબાદ મે મહિનામાં અંદાજે 5.90 લાખ જેટલી રકમ બાકી રહેતાં તેઓએ તપાસ કરતાં તેઓ ઘરે દેખાયાં ન હતાં.

22 વેપારી સાથે પણ 69 લાખની છેતરપિંડી થઇ
તપાસ કરતાં અન્ય 22 વેપારી પણ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું હતું. હજુ આ દંપતીએ સંખ્યાબંધ વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરી તેમનાં નાણાં ન ચૂકવ્યાં હોવાની ફરિયાદ ચોપડે દાખલ થઇ છે. આ દંપતીએ જે વેપારીઓ પાસેથી જોબવર્કનો માલ લીધો હતો તે વેપારીઓ પાસેથી ઊંચા વટાવે પેમેન્ટ લઇ લીધું હતું. પરંતુ વેપારીઓને આ નાણાં ચૂકવ્યાં ન હતાં. દરમિયાન 22 વેપારી સાથે પણ 69 લાખની છેતરપિંડી થઇ હોવાનું તેમને માલૂમ પડ્યું હતું. આ મામલે તેઓ દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top