Columns

તકલીફોને કારણે

એક ચિંતકના ઘરે તેના નવા નવા શ્રીમંત બનેલા એક મિત્ર મળવા આવ્યા અને કહ્યું, ‘કે આ નવી ગાડી લીધી, ચલ દોસ્ત, તને એક રાઉન્ડ સફર કરાવું..’ચિંતક હસ્યા અને બોલ્યા, ‘અત્યારે ક્યાંય જવું પણ નથી તો નાહક પેટ્રોલ શું કામ બગાડવું? ફરી ક્યારેક મોકો મળશે તો બેસીશ તારી ગાડીમાં, બાકી મને તો ચાલવું જ ગમે છે.’ મિત્ર હસ્યો અને બોલ્યો, ‘ઠીક જેવી તારી મરજી, બાકી પેટ્રોલની તું ચિંતા ન કર…’ચિંતક બોલ્યા, ‘દોસ્ત પૈસા તારા છે, પણ આ નૈસર્ગિક સંપત્તિ આપણે આપણા વારસદારો માટે સાચવવાની હોય સમજ્યો.

’મિત્ર જરા અભિમાન સાથે બોલ્યો, ‘દોસ્ત, મારો ધંધો એકદમ જામી ગયો છે અને આ એક નહિ, ત્રણ ગાડી વસાવી છે અને આગામી બે વર્ષમાં તો એવી વ્યવસ્થા કરી દઈશ કે મારાં બાળકો જે ઈચ્છે તે ખરીદી શકશે…જેમ જીવવું હોય તેમ આરામથી જીવી શકશે.’ અને ચિંતક બોલ્યા, ‘અને તારાં બાળકોનાં બાળકો શું કરશે ખબર છે?”મિત્રે કહ્યું, ‘તેઓ માટે પણ વ્યવસ્થા કરી નાખીશ…’ચિંતક થોડી વાર કંઈ ન બોલ્યા, જાણે વિચારોમાં ખોવાઈ ગયા.મિત્રે પૂછ્યું, ‘દોસ્ત, શું વિચારે છે?’

ચિંતકે કહ્યું, ‘દોસ્ત, સાંભળ અને સમજ મારી વાત આપણા દાદા પગપાળા ચાલતા, પછી સાઈકલ અને બળદગાડા આવ્યા…આપણા પિતાએ સ્કુટર વસાવ્યું કે રીક્ષા બસમાં ફરવા લાગ્યા…હવે હજી વધુ પ્રગતિ કરી તે કાર વસાવી એક નહિ પણ ત્રણ ત્રણ અને હજી મને ખબર છે કે તું ઈચ્છે છે કે હજી મોટી લકઝરી કાર લઉં…તારાં સપનાં છે તારાં બાળકો મર્સીડીસ અને રોલ્સ રોઈસમાં ફરે ….હું એથી આગળની વાત કરું, તેમનાં બાળકો પાછા પગપાળા ચાલતાં થઇ જશે!’

મિત્રને કંઈ સમજાયું નહિ, તેણે તરત દલીલ કરી, ‘અરે શું કામ હું વ્યવસ્થા અત્યારથી જ કરી લઈશ…’ચિંતક હસ્યા અને બોલ્યા, ‘એટલે જ ….કારણ કે મુશ્કેલી અને તકલીફભરી પરિસ્થિતિમાંથી પસાર થઈને માણસ કાબેલ અને મહેનતુ બને છે અને સફળ થઈને પ્રગતિ કરે છે અને સહેલી અને કોઈ પણ તકલીફ વિનાની સ્થિતિ માણસને આળસુ અને મૂર્ખ બનાવે છે. તેનામાં કોઈ આવડત નિર્માણ જ નથી થતી અને તે સફળ થઇ શકતો નથી. તેની પ્રગતિ અટકી જાય છે, કયારેય એમ ન વિચારવું કે બાળકોને બધી જ સગવડો આપીશ..

તેના ભવિષ્યની બધી જ વ્યવસ્થા કરી દઈશ.કયારેય એમ ન વિચાર કે મેં જે તકલીફ ભોગવી , જે મુશ્કેલીઓનો સામનો કર્યો તે મારાં બાળકોને નહિ કરવા દઉં.તું આજે સફળ છે જ્યાં છે ત્યાં તકલીફોમાંથી પસાર થઈને પહોંચ્યો છે…જો તારાં બાળકો આ બધાનો કે બીજા કોઈ પડકારોનો સામનો નહિ કરે તો શીખશે કયાંથી?…શીખશે નહિ તો આગળ વધશે નહિ…એટલે પ્રગતિ અટકી જશે અને તેમનાં બાળકો ફરી પગપાળા ચાલવા પર મજબુર થઇ જશે…સમજ્યો. તકલીફોને કારણે જ માણસ મહેનત કરી લડીને માર્ગ કાઢી આગળ વધે છે.’
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top