Editorial

મમતા બેનર્જીની આક્રમકતાને કારણે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો માર્ગ સરળ નહીં હોય

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની હાર બાદ ભાજપે નવા મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીના નામની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં એક નવો ભાજપની સરકારનો ઈતિહાસ રચાવા માટે જઈ રહ્યો છે. ભારતના પૂર્વી ભાગમાં આવેલું પશ્ચિમ બંગાળ રાજ્ય હંમેશા બૌદ્ધિકતા, ક્રાંતિ અને પ્રખર રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે. ભાજપની જેણે સ્થાપના કરી તેવા શ્યામાપ્રસાદ મુખર્જીની આ ભૂમિએ ભારતીય રાજકારણને અનેક દિગ્ગજો આપ્યા છે. જોકે, છેલ્લા ત્રણ-ચાર દાયકાઓનો ઇતિહાસ જોઈએ તો બંગાળમાં સત્તા પરિવર્તનો ખૂબ જ સીમિત રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં શાસકોના લાંબા શાસનનો ઈતિહાસ રહ્યો છે. ડાબેરીઓના ૩૪ વર્ષના શાસન પછી મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ  સત્તા પર આવી. તેણે 15 વર્ષ સુધી સત્તા ભોગવી પરંતુ, લોકશાહીનો નિયમ છે કે સમય જતાં પરિવર્તન અનિવાર્ય બને છે. એક સમયે મમતા બેનર્જીના સાથી તેવા નવા સૂચિત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી કોઈ ‘ડ્રોઈંગ રૂમ’ નેતા નથી, પરંતુ તેઓ ‘ગ્રાઉન્ડ લેવલ’ થી તૈયાર થયેલા લડાયક નેતા છે તેવી માન્યતા છે. નંદીગ્રામના ખેડૂત આંદોલનમાં તેમની ભૂમિકા નિર્ણાયક હતી. તે સમયે તેઓ મમતા બેનર્જીના વિશ્વાસુ સાથી હતા, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા.

નવા મુખ્યમંત્રી બનનાર શુભેન્દુ અધિકારી સામે પડકારોનો પહાડ છે, પણ સાથે જ તકોનું આકાશ પણ છે. બંગાળ જે એક સમયે ભારતનું ઔદ્યોગિક હબ ગણાતું હતું, તે આજે બેરોજગારી અને ઉદ્યોગોના પલાયન સામે ઝઝૂમી રહ્યું છે. શુભેન્દુ અધિકારીનું મુખ્ય લક્ષ્ય બંગાળમાં ઉદ્યોગોને પાછા લાવવાનું હોવું જોઈએ. સિંગુર અને નંદીગ્રામ જેવી ઘટનાઓએ ઉદ્યોગપતિઓમાં જે ડર પેદા કર્યો છે, તેને દૂર કરવો જરૂરી છે.

‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ અને ભ્રષ્ટાચાર મુક્ત સિંગલ-વિન્ડો ક્લિયરન્સ જેવી નીતિઓ દ્વારા તેઓ રાજ્યમાં રોકાણ આકર્ષી શકે છે. આ ઉપરાંત બંગાળમાં રાજકીય હિંસા એ એક કાળી ટીલી સમાન છે. ચૂંટણી પછીની હિંસાએ લોકશાહીને લાંછન લગાડ્યું છે. એક વહીવટકર્તા તરીકે શુભેન્દુની સૌથી મોટી કસોટી પોલીસ તંત્રને રાજકીય દબાણથી મુક્ત કરવાની રહેશે. ‘ભયમુક્ત બંગાળ’ એ માત્ર નારો નહીં, પણ વાસ્તવિકતા બનવી જોઈએ. હાલમાં બંગાળના લાખો યુવાનો નોકરી માટે બીજા રાજ્યોમાં પલાયન કરી રહ્યા છે. આ ‘બ્રેઈન ડ્રેઈન’ રોકવા માટે આઈટી સેક્ટર, મેન્યુફેક્ચરિંગ અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની જરૂર રહેશે.

બંગાળની અસ્મિતા એટલે રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ અને સ્વામી વિવેકાનંદના વિચારો. છેલ્લા કેટલાક વર્ષોમાં ‘બંગાળી વિરુદ્ધ બહારના’ નું જે નેરેટિવ સેટ થયું છે તેને તોડવાનું કામ શુભેન્દુ અધિકારીએ કરવું પડશે. છેલ્લા દાયકામાં પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર સરકાર વચ્ચે જે ટકરાવ જોવા મળ્યો છે, તેનાથી સૌથી વધુ નુકસાન બંગાળની જનતાને થયું છે. રાજકારણ એ ગુલાબની શય્યા નથી.

શુભેન્દુ અધિકારી સામે વિપક્ષોનું આક્રમણ, સંગઠનલક્ષી દબાણ અને અપેક્ષાઓનું ભારે ભારણ રહેશે. ટીએમસીનું મજબૂત કેડર બેઝ અને ગ્રાસરૂટ પર તેમનું વર્ચસ્વ તોડવું એ સરળ કાર્ય નથી. મમતા બેનર્જી હાર્યા બાદ વધુ આક્રમક બનશે તે નક્કી છે. બની શકે છે કે ભાજપ તેમને વિવિધ કૌભાંડોમાં ફસાવી દે પરંતુ તેમની પાર્ટીનો આધાર આક્રમકતા પર જ છે. શુભેન્દ્ર અધિકારીએ મમતા બેનર્જી અને તેમની પાર્ટીના આક્રમણનો સામનો કરવાનો રહેશે.

પશ્ચિમ બંગાળના લોકોએ મમતા બેનર્જીના 15 વર્ષના શાસનને જોયું છે. તેનાથી સારૂં શાસન આપવાની જવાબદારી શુભેન્દુ અધિકારીની રહેશે. શુભેન્દુ અધિકારીની મુખ્યમંત્રી તરીકેની કામગીરી પર ભાજપ કેટલો સમય પશ્ચિમ બંગાળમાં સત્તા પર રહેશે તે નક્કી કરશે.

જો શુભેન્દુ અધિકારી નબળા પડશે તો જે પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તા મેળવી છે તે પાંચ વર્ષ પછી ગુમાવવી પણ પડે તેમ છે. શુભેન્દુ અધિકારી અને ભાજપ માટે એક જ મુદ્દો રાહતનો છે અને તે છે મમતા બેનર્જીની ઉંમર અને સ્વાસ્થ્યનો. હાલમાં મમતા બેનર્જી 71 વર્ષના છે અને આગામી ચૂંટણીમાં તેઓ 76 વર્ષના હશે. જો આ ઉંમરે પણ મમતા બેનર્જી સતત સક્રિય રહેશે તો શુભેન્દુ અધિકારી માટે શાસન કરવું અઘરું છે તે ચોક્કસ છે.

Most Popular

To Top