Sports

દુબઇમાં પહેલા રાઉન્ડમાં જ હાર સાથે સાનિયા મિર્ઝાની કેરિયરનો અંત

નવી દિલ્હી: ભારતની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી (Tennis player) સાનિયા મિર્ઝાને તેની છેલ્લી ટૂર્નામેન્ટના (Tournament) પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાનિયાને દુબઈ (Dubai) ડ્યુટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા ડબલ્સમાં પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. યુ.એસ.ની મેડિસન કીઝ સાથે વિમેન્સ ડબલ્સમાં કોર્ટમાં પ્રવેશ મેળવનાર સાનિયાને કુડે રમેટોવા અને સેમસોનોવાની જોડીએ 6-4, 6-0થી પરાજય આપ્યો હતો. આ રીતે સાનિયાની 20 વર્ષની લાંબી કારકિર્દીનો અંત આવ્યો.

આ વર્ષે 13 જાન્યુઆરીએ સાનિયાએ ત્રણ પાનાની એક નોંધ લખી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ઓપન પછી દુબઈ ચેમ્પિયનશિપ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. જોકે, તે તેની છેલ્લી ટુર્નામેન્ટના પહેલા જ રાઉન્ડમાં તે હારી ગઈ હતી. આ પહેલા સાનિયા ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ ડબલ્સમાં રોહન બોપન્ના સાથે ફાઇનલમાં પહોંચી હતી. આ ઉપરાંત તેણે લખ્યુ હતું કે જીવન ચાલવું જોઈએ. મને નથી લાગતું કે આ અંત છે. આ બીજી યાદોની શરૂઆત છે. મારા પુત્રને મારી ખૂબ જરૂર છે અને હું તેને સારું જીવન અને વધુ સમય આપવા માટે રાહ જોઈ શકતી નથી.

સાનિયાએ તેની કારકિર્દીમાં 6 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા
36 વર્ષની સાનિયા 2003માં પ્રોફેશનલ પ્લેયર તરીકે રમતી થઈ. તેણીએ તેની કારકિર્દીમાં 6 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા, જેમાં ત્રણ વિમેન્સ ડબલ્સમાં અને ઘણા બધા મિશ્ર ડબલ્સમાં સામેલ છે. મહિલા ડબલ્સમાં, તેણે માર્ટિના હિંગિસ સાથે તેના ત્રણેય ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા. તેના ત્રણ મિશ્ર ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ખિતાબમાંથી, તેણે દેશબંધુ મહેશ ભૂપતિ (2009માં ઓસ્ટ્રેલિયન ઓપન અને 2012માં ફ્રેન્ચ ઓપન) સાથે બે જીત્યા. તેણે બ્રુનો સોરેસ સાથે યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો.

ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં શું થયું?
સાનિયા મિર્ઝાને તેના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સાનિયા અને રોહન બોપન્ના મિક્સ ડબલ્સની ફાઇનલમાં 6-7, 6-2ના માર્જિનથી હારી ગયા હતા. તે મહિલા ડબલ્સમાં બીજા રાઉન્ડમાં બહાર ફેંકાઈ ગઈ હતી અને મિક્સ ડબલ્સમાં ફાઇનલમાં હારી ગઈ હતી. આ હાર સાથે સાનિયાનું વિજયી વિદાયનું સપનું ચકનાચૂર થઈ ગયું.

ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં સાનિયા અને રોહનને બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની જોડીએ 6-7, 2-6થી હાર આપી હતી. ફાઈનલમાં હાર બાદ બોલતા સાનિયા ખૂબ જ ભાવુક થઈ ગઈ અને પોતાના આંસુ રોકી શકી નહીં. જોકે, તેણે જલ્દી જ પોતાની જાત પર કાબુ મેળવી લીધો અને પોતાની વાત પૂરી કરી.

Most Popular

To Top