Columns

ઉપદેશ ન માંગો

એક દિવસ એક યુવાન એક મહાત્મા પાસે આવ્યો અને મ્હાત્માજીને પ્રણામ કરીને તેણે કહ્યું, ‘મહાત્માજી, તમારી પાસે ઉપદેશ માંગવા આવ્યો છું.જીવનને વધુ સારું કરવા માટે શું કરવું જોઈએ તે વિષે મને ઉપદેશ આપો.’ મહાત્માજીએ કહ્યું, ‘યુવાન દોસ્ત, મારો આજનો ઉપદેશ છે કે આજથી તારે કોઈ દિવસ કોઈ પાસે ઉપદેશ ન માંગવો.’ મહાત્માજીની આવી વિચિત્ર વાત સાંભળી યુવાન અચંબામાં પડી ગયો અને વિચારવા લાગ્યો કે મહાત્માજીએ આવો ઉપદેશ શું કામ આપ્યો હશે.યુવાનને અસમંજસમાં જોઈ એ મહાત્માજી બોલ્યા, ‘યુવાન મને કહે, સાચું બોલવું સારું છે કે ખોટું બોલવું.’ યુવાને કહ્યું, ‘મહાત્માજી હંમેશા સાચું જ બોલવું જોઈએ.ખોટું ન બોલવું જોઈએ.’

મહાત્માજીએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘યુવાન, ચોરી કરવી સારી કે ખરાબ?’ યુવાને કહ્યું, ‘મહાત્માજી, ચોરી તો ન જ કરાય, ચોરી કરવી પાપ છે.’ મહાત્માજીએ આગળ પ્રશ્ન પૂછ્યો, ‘સમયનો સદુપયોગ કરવો જોઈએ કે વેડફાટ…’ યુવાન બોલ્યો, ‘મહાત્માજી, સમય તો મહામૂલ્યવાન છે.સમયની તો એક એક મિનિટ મહત્ત્વની હોય છે, તેનો ઉપયોગ કરવો જોઈએ.સમયનો વેડફાટ કરવો જીવનની મોટામાં મોટી ભૂલ છે.’

મહાત્માજીએ પૂછ્યું, ‘યુવાન દોસ્ત, તું કહે કે જીવનમાં આપણે અન્યની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?’ યુવાને જવાબ આપ્યો, ‘મહાત્માજી, આપણે અન્ય બધાને આદર આપવો જોઈએ.નાનાને પ્રેમ, વડીલોને માન અને સ્વજનનો સાથે પોતીકાપણું રાખવું જોઈએ અને અજાણ્યા સાથે પણ આપણે સારું વર્તન કરવું જોઈએ.’ આવા બીજા ઘણા પ્રશ્ન મહાત્માજીએ પૂછ્યા અને યુવાને તેના જવાબ આપ્યા.મહાત્માજીએ કહ્યું, ‘યુવાન, મેં તને જે પ્રશ્નો પૂછ્યા તેના બધા સાચા જવાબ તેં આપ્યા છે.સાચું શું છે અને સારું શું છે તેની તને બધી ખબર જ છે.તો તને હવે કયો ઉપદેશ જોઇએ છે.જયારે બધી જ સારી અને સાચી વસ્તુઓનું જ્ઞાન છે તો પછી તેનું પાલન કરવાની શરૂઆત કરી દે.

આજથી જ આ બધી વાતો જીવનમાં ઉતાર.રોજબરોજના જીવનમાં અમલમાં મૂકી દે.ત્યારે જ તે જ્ઞાનનો અર્થ છે.કોઇ પણ ઉપદેશનું મહત્ત્વ માત્ર તેને સાંભળવામાં નથી, ઉપદેશનું મહત્ત્વ તેને સાંભળીને, સમજીને જીવનમાં પાલન કરવામાં છે ત્યારે જ તે ઉપદેશ કલ્યાણકારી સાબિત થાય છે.બધા ઉપદેશો સાંભળે છે અને તેથી જીવનમાં સારું અને ખરાબ શું છે તે પણ જાણે છે.પણ તેને જીવનમાં ઉતારતા નથી અને એટલે જીવન સરળ બનતું નથી અને એટલે જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને ત્યારે બધા ફરી ઉપદેશ મેળવવા માંગે છે.હું કહું છું ઉપદેશ માંગવાની જરૂર નથી.જીવન સારું બનાવવા જે જાણો છો અને સમજો છો તેને જીવનમાં અમલમાં મૂકવાની જરૂર છે.’ મહાત્માજીએ યુવાનને ઉપદેશ ન માંગવાનું કહીને ઉપદેશનું મહત્ત્વ સમજાવી દીધું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top