Comments

માન ન માન તેરા મહેમાન

અસ્સલની વાત તો જુદી જ હોય ને ભૈલા..! એમાં આંખ ફાડીને ભાવુક શું થઇ ગયા..? જૂની વાત જાહેર કરવાની ના હોય, પણ મહેમાનની એ સમયે ધોધમાર ઈજ્જત થતી. ખબર પડે કે મહેમાન પધારવાના છે, એટલે ખૂણે ખૂણા ચોખ્ખા-ચટ થઇ જાય, ફ્લાવર વાઝ લાગી જાય, પુનર્જન્મની રાહ જોતાં, સડેલા કાંદા બટાકા ટામેટા લસણના લબાચા ઊંચે ચઢી જાય. ડબલાં-ડૂબલી-ડગલાં-ટોપી રખડતાં તે દેખાય નહિ તેમ લટકતાં થઇ જાય..! કહો ને કે, ઘરની શોભા બગાડે એ તમામ ચીજવસ્તુનું ઉઠમણું થઇ જાય..!

છોકરાઓનાં લેંઘા-બુશ્કોટમાં બટન લાગી જાય, ઘર એવું મઘમઘતું થઇ જાય કે, દેશી ‘ફાઈવ સ્ટાર’ જેવું બની જાય..! મહેમાનનો શું મલાજો જળવાતો યાર..? જો કે એ વખતનાં મહેમાનો પણ સાવ લુખેશ નહિ..! આવતાં સાથે આછું પાતળું પકડી લાવતા..! ‘મહેમાન કોના આંગણે? એની જાતને આજે તો મહેમાનને દૂરથી આવતાં જુએ એટલે ટાઢિયો ભરાવા માંડે..! મોતના કૂવામાં મોટર સાઈકલ ફેરવતાં હોય એમ મગજે ચકરડાં ફરવા માંડે. આગળ ભારે વિતાડી ગયો હોય એટલે વિચાર તો આવે જ ને દાદૂ..?

એટલે તો મહેમાનનો ઓટલે પગ પડે ને પરિવારનાં મોંઢાં પાણીચાં જેવાં થઇ જાય..! જો કે એમાં બે વાત છે, સગા ઘાઘરીવાળાનાં એટલે કે વાઈફના છે કે, સાસરીવાળાના, એ જોવું પડે…! સાસરીના હોય તો સ્વાહા, ને ઘાઘરીના હોય તો આહાહાહા..! આવનારને ભિન્ના..ભીના કરી નાંખે..! (આ કહાણી ચમનીયાના ઘરની છે, બધાને ત્યાં આવું હોતું નથી..! ) સ્વાભાવિક છે કે, શાસ્ત્રમાં મહેમાનને દેવતુલ્ય ગણવામાં આવ્યો હોવાથી, ચાવવાના ને બતાવવાના ભાવ નોખા રાખવા પડે. ના રાખીએ તો, નાકની ક્યાં પત્તર ફાડો, સમાજ કાન પણ વીંધી નાંખે..! ગમે તે ગણો, પણ મહેમાન એ મહેમાન છે. ૩૩ કરોડ દેવતામાંથી કયો મહેમાન કયા દેવના સ્વરૂપે હાજરાહજૂર થાય, એની શું ખબર..? ઓટલા ઉપર દેડકો ઘુસી આવે કે, કૂતરાં-બિલાડાં પડાવ નાંખે, તો એને મહેમાન નહિ કહેવાય, એમના માટે લાકડી જ કઢાય. એના માટે ચાહ કોફી કે આઈસ્ક્રીમના હઠાગ્રહ નહિ કરાય કે ખોળે બેસાડીને બચીઓ નહિ ભરાય..! પણ માણહ જ્યારે મહેમાન બનીને આવે ત્યારે, મલાજો રાખવો પડે..! તંઈઈઈઈઈ..!

આ તો એના જેવું છે ભઈઈઈઈઈ.. સમય સમય બલવાન હૈ, નહિ મહેમાન બલવાન..! સમયની સાથે બધું બદલાય, એમ મહેમાનનો મલાજો પણ ત્રાજવે તોળાતો થઇ ગયો. એક જમાનામાં મહેમાનનાં ભાવભીનાં આણાં થતાં, લાપસી-કંસારનાં રાંધણ થાતાં. આજે તો ચાહ-કોફીનું પવાલું કે આઈસ્ક્રીમનું ડબલું પકડાવ્યું એટલે વાર્તા પૂરી. થઇ ગયું અતિથિ દેવો ભવઃ..! જેમ પથ્થર ઘસાતો જાય ને આકાર બદલે, એમ મહેમાન પણ બદલાતો ગયો. મહેમાનમાંથી એ ‘પરોણો’ થયો અને સ્ત્રી હોય તો ‘પરોણી’ થઇ. (પેલી બળદ હાંકવાવાળી ‘પરોણી’ નહિ બાવા..!) પરોણા પછી, અંગ્રેજી ભાષાની ભૂરકી લાગી ને એ GUEST કહેવાયો..!

ગમે તે સ્વરૂપ ધારણ કરે, પણ એ અતિથિ જ કહેવાય. એ આવે ત્યારે કબજિયાતના દર્દી જેવો ચહેરો નહિ રખાય. કારણ કે હીંગની ફાકી ચઢાવી હોય તેવાં ચહેરા દેવતુલ્ય મહેમાનને માફક આવતા નથી..! મહેમાન હોય, પરોણો હોય કે, GUEST હોય, અઘરામાં અઘરો GUEST નો પ્રકાર હોય તો, ફેવીકોલિયા (ગુંદરિયા) મહેમાનનો..! આ લોકો ચોક્કસ જગ્યાએ ‘ફેવિકોલ’ ચોંટાડીને જ મહેમાનગીરી માણવા આવતા હોય..! આવ્યા પછી જલ્દી ફીટે નહિ..! જ્યાં સુધી રહે ત્યાં સુધી ઘરધણીને ખંજવાળ કરાવે. લોખંડના પાયે શનિની પનોતી બેઠી હોય તેવું ફિલ થયા કરે. આવાં ‘દેવ’ પધારે ત્યારે ઘરધણીને જ ખબર પડે કે, જોડો ક્યાં ડંખે છે..?

શાસ્ત્રકારોએ મહેમાનને અતિથિની ઉપમા ભલે આપી, પણ અતિથિએ યજમાનના ઘરે કેટલા દિવસનો ભોગવટો કરવો એનો કોઈ ફોડ પાડ્યો નથી, એટલે અમાસથી અમાસ પણ ખેંચી કાઢે..! કહેવાય નહિ…! અમારો ચમનિયો એકાદ લગનમાં જમવા ગયેલો. કંકોતરીમાં લખેલું, ભોજન સમારંભનો સમય રાત્રે સાતથી દશ..! એની જાતને સાત વાગ્યાથી જમવાનું શરૂ કરેલું તે દશ વાગ્યા સુધી જમ્યો.! એ તો ઠીક, બીજા પાંચ-છ જણાને પણ એના રવાડે ચઢાવેલા..! આવાં ને મોંઘાં ટામેટાં ને મોંઘવારી નડે..? ત્રણ કલાક સુધી જમાડ્યા..! મહેમાનગતિનું પણ એવું જ, કોઈ લીમીટ નહિ..! !

મહેમાનગીરી એ ઉછીનો વ્યવહાર છે. આજે આપણે ત્યાં મહેમાન આવે, તો આવતી કાલે આપણે પણ કોઈના મહેમાન થવાનું બને..! અમુક તો પૂનમ ભરવા આવતાં હોય એમ, મહિને મહિને ધામા નાંખી એવી ચઢાઈ કરે કે, ઘરધણીનું ફીઈઈણ.. ફીઈઈણ કાઢી નાંખે. સરકારી શૌચાલય હોય એમ, એક જાય એટલે, બીજો ઓટલે ઊભો જ હોય..! આ ત્રાસમાંથી છુટકારો લેવા ચમનીયાએ ઘરની દીવાલ ઉપર એક-એક ફૂટના અંતરે એક કેલેન્ડર ને એક ઘડિયાળ ટાંગેલા. બાથરૂમ અને ટોઇલેટમાં પણ..! મને કહે, ‘રમેશિયા મચ્છરના ત્રાસથી ત્રાસ્યો નથી, એટલો મહેમાનથી ત્રાસ્યો છું.!

એમાં એક મહેમાન તો એવો ખડ્ડૂસ મળ્યો કે, મળશ્કે ચાર વાગ્યેનો ઊઠીને રોજ મારો તંબુરો ઉપાડી રાગડા કાઢે, કે ‘માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, તારાં દિવસની પાસે દુખિયા આવે રે આવકારો મીઠો આપજે રે…! તારા કપાળમાં કાંદા ફોડું..! એ વખતે, ગંઢેલે મગજમાં માળો બાંધ્યો હોય એવી હાલત કરી નાંખે..! અસ્સલ તો ઘરધણીના પાળેલા કૂતરા પણ મહેમાન સાથે એવાં ટેવાઈ જતાં કે, મહેમાનને દૂરથી જુએ એટલે દૌડી વળે. કૂતરા પણ સંબંધ રાખતાં. મહેમાનનો આદર કરતાં. (ધોતિયું પહેર્યું હોય તો) ધોતિયું ખેંચીને ઘરમાં બાઅદબ દોરી લાવતાં. આજે તો આદુ અને હળદરમાં કોઈ ભેદ જ નહિ રહ્યા. ઉઘરાણીએ જવાનો સમય મળતો ના હોય, ત્યાં ક્યાં કોઈને ત્યાં મહેમાન થઈને જવાય? કોઈને સમય જ ક્યાં છે?

યમરાજ સુદ્ધાં પણ કામકાજ વગર ક્યાં કોઈને ત્યાં આવે છે..? બાકી મહેમાન તો આવવાના, સગાને ત્યાં નહિ આવવાના તો, ગામના સરપંચને ત્યાં આપણા મહેમાન થોડાં જવાના..? શું કહો છો રતનજી..? કોઈને ત્યાં ‘ફેવીકોલીયા’ ગુંદરિયા મહેમાન થઈને જવું, એ પણ એક જાતનો માનસિક બદલો જ કહેવાય. હિતશત્રુનો બદલો જ લેવો હોય તો, ઘણા રસ્તા છે ભાઈ..! જૂની ગાડી કે સ્કુટર લેવાની સલાહ અપાય, ચૂંટણીમાં ઊભો રખાય ને લાંબો કે ખતરનાક બદલો લેવો હોય તો પૈણવાની સલાહ અપાય, બાકી કોઈના ગુંદરિયા મહેમાન નહિ થવાય..! અમારાં રતનજીને ચમચી ધોતાં પણ નહિ આવડતું, પણ પૈણવાની સલાહ આપી, ને હાડકે પીઠી લાગી ગઈ એટલે, વાસણ અજવાળતાં પણ આવડી ગયું, કપડાં ધોતાં પણ ફાવી ગયું ને ઘરમાં પોતાં કરતાં પણ ફાવી ગયું બોલ્લો..! કોનો કેટલાં ‘વોલ્ટ’ નો બદલો લેવો છે, એ પ્રમાણે દાવ ખેલવાનો..!

લાસ્ટ ધ બોલ
ચમનિયાએ દીકરાને કહ્યું,’ જા બેટા..! મહેમાન આવ્યા છે, મહેમાન માટે બહારથી કંઈ લઇ આવ..!
છોકરો રીક્ષા લઇ આવ્યો, બોલ્લો..!
એના કપાળમાં કાંદા ફોડું..!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top