Comments

શું આવનારી ચૂંટણીમાં ગુજરાત પૂરતો પણ કોંગ્રેસ દેખાવ સુધારી શકે તેમ લાગે છે?

દેશમાં હવે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવા શરૂ થવાના છે. રામ મંદિરના ઉદ્ઘાટન પછી ઉત્તર ભારતના પટ્ટામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે તેવું રાજકીય વિશ્લેષકો માને છે. વળી રાજ્ય કક્ષાએ અસંતોષ હોય તો પણ કેન્દ્ર સરકારમાં તો ભાજપ જ વધુ મત મેળવે તેવી રાજકીય સ્થિતિ છે. એટલે પ્રશ્ન સમ્પૂર્ણ સત્તાપરિવર્તન અને આશ્ચર્યજનક પરિણામોનો નથી. પ્રશ્ન વિપક્ષની અને ગુજરાતમાં કહો કે કોંગ્રેસની સ્થિતિ સુધારવાનો છે. શું કોંગ્રેસ ગુજરાતમાં આવતી ચૂંટણીઓમાં દેખાવ સુધારી શકશે?

રાજ્ય સભામાં તો હાલત ખરાબ જ છે. પણ લોકસભામાં કે પછી ૨૦૨૭ માં વિધાનસભામાં તે સ્થિતિ સુધારી શકે તેમ છે? આ પ્રશ્ન અમે હમણાં એક ગામડામાં ચાની કીટલી પર કર્યો ત્યારે એક વડીલે અમને સામો પ્રશ્ન કર્યો કે સાહેબ તમે ભણેલા ગણેલા અને જાણકાર માણસ છો એટલે તમને એક વાત કહું છું. મારી પાસે દસ રૂપિયાની એક નોટ હતી,જરા જૂની અને ફાટેલી એટલે આ સામે કરિયાણાની દુકાન છે ત્યાં કાલે મેં આ નોટ કરિયાણાવાળાને આપી તો એણે એ નોટ પાછી આપી,ના લીધી,થોડી વાર પછી મેં એ નોટ એક બીજા ભાઈને આપી અને કરિયાણાવાળાને ત્યાં મોકલ્યો તો ત્યારે પણ આ નોટ ના લીધી પાછી આપી.

મેં ફરી એક નાના છોકરાને નોટ આપીને મોકલ્યો તો કરિયાણાવાળો હસ્યો અને મને બોલાવીને કહે કે કાકા, તમારે વસ્તુ લેવી હોય તો હું ઉધાર આપું, પણ તમે આ નોટ વારે વારે મારે ત્યાં ના મોકલો. આ નોટ નહિ ચાલે.આ કોંગ્રેસવાળા આ વાત સમજતા નથી. જે વીસ વરસથી નથી ચાલતું એ આ વખતે પણ નહિ જ ચાલે. નવી નોટો આપવી પડશે.લોકો વોટ આપવા માંગે છે..કોન્ગ્રેસને સત્તા આપવા પણ માંગે છે પણ એમણે ચહેરા બદલવા પડશે,નીતિ બદલવી પડશે. ગત ચૂંટણીમાં હારી ગયેલા એના એ જ લોકો સાથે ચૂંટણીમાં ઉતરશે તો આ વખતે પણ લોકો વોટ નહિ આપે.

 આમ તો ગુજરાતમાં હાલ સત્તા પક્ષ ભાજપ સામે અનેક મોરચા મંડાયેલા છે.દલિતો,પાટીદારો,ફિક્સ પગારદારો બધાએ બાંયો ચડાવી છે અને ચૂંટણી માટે સદંતર વિરોધી કહી શકાય એવું વાતાવરણ છે પણ આજની તારીખે પણ કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. કોંગ્રેસ એક પણ મુદ્દાને બરાબર ઉઠાવી શક્તી નથી. આપણે આ જ કોલમમાં લખ્યું હતું કે જનાક્રોશ રેલી સવારથી સાંજ સુધી આક્રોશ ટકાવી શકી નહિ.આક્રોશને ગાંધીનગરથી ગુજરાતમાં ફેલાવી શકી નહિ. દેખીતી,જીગ્નેશ મેવાની જેવા યુવા નેતાઓ ભાજપના માથાનો દુખાવો બની શકે છે.

હાર્દિક અને અલ્પેશ જેવા નેતાઓ કોંગ્રેસમાં મોટા થઇ ભાજપમાં જોડાઈ ગયા, પણ વિચારવાનું એ પણ છે કે આ નેતાઓ મોટા કેમ થયા, શું આ આડકતરી કોન્ગ્રેસની નિષ્ફળતા નથી? દરેક જ્ઞાતિ,દરેક વર્ગ પોતાની સમસ્યા માટે પોતે લડવા લાગે ત્યારે સમજવાનું કે વિરોધ પક્ષ નિષ્ફળ ગયો છે. કોંગ્રેસના નેતાઓ છેલ્લાં વીસ વર્ષથી સત્તાથી દૂર છે. આ વર્ષોમાં તેઓએ ધાર્યું હોત તો તેવો પ્રજાની વચ્ચે રહી શક્યા હોત.રેલીઓ, સભાઓ દ્વારા પ્રજાનો સતત સંપર્ક કરી શક્યા હોત,પ્રજાની નાની નાની મુશ્કેલીઓ માટે અવાજ ઉઠાવી શકયા હોત, પણ ના…આ લોકો ભાવવધારાથી માંડીને નોટબંધી સુધી ક્યાંય સાતત્યપૂર્ણ વિરોધ ના કરી શક્યા.

કોંગ્રેસની એક નબળાઈ એ છે કે તેની પાસે કાર્યકર્તા નથી,અભ્યાસુ લોકો નથી અને મહેનત કરશે એ ફળ ભોગવશે એવો વિશ્વાસ નથી.બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાનના અનુભવમાંથી  કોંગ્રેસ કંઈ શીખતી નથી.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પહેલાં પક્ષમાં જુના અને ના જીતી શકે એવાને ચૂંટણીથી દૂર કર્યા હતા.નવા ચહેરાને તક આપી હતી.નો રીપીટ થિયરી યાદ કરો.હાલ અખિલેશ પણ આ જ કરી રહ્યો છે.જુના સમાજવાદીઓ ચૂંટણી જીતી શકે તેમ નથી માટે પિતાની સામે પાડીને પણ અખિલેશ નવા ચહેરા લાવવા માંગે છે.લાવે છે.ગુજરાતમાં આ કામ કોંગ્રેસ કરી શકશે?

જરા વિચારો. આજે જેવો ૨૫થી ૩૦ વરસના છે તેમણે કોંગ્રેસના શાસનને જોયું જ નથી. એમને જુના કોંગ્રેસી નેતાઓની ઓળખાણ છે જ નહિ. તેમને તો તેમની સમજણથી માત્ર મોદીને જ સાંભળ્યા છે અને ભાજપનું જ શાસન જોયું છે. કોંગ્રેસના કોઈ નેતા આ વરસોમાં શાળા કોલેજોના કાર્યક્રમોમાં ગયા નથી. જાહેર પ્રસંગોમાં ગયા નથી કે નથી કોઈ આંદોલનો કર્યાં.ભાજપ સત્તામાં ના હતો ત્યારે પણ રામ મંદિર કે કુદરતી આફતોમાં મદદના નામે પ્રજામાં રહેતો ભાવવધારો થાય કે તરત વિરોધ કરતો. હવે કોંગ્રેસે આવું ક્યારે કર્યું એ યાદ કરવું પડે એમ છે. લોકશાહીમાં વિપક્ષ જોઈએ અને મજબૂત જોઈએ. ગુજરાતમાં તો હાલ સત્તા માટે નહીં તો વિરોધ માટે પણ એક બીજા પક્ષની જરૂર છે, જે પ્રજાની રોજિંદી મુશ્કેલીઓ દૂર કરવામાં ,ફરિયાદો કરવામાં મદદ કરે.આમ તો ખેડૂતો,નોકરિયાતો,યુવાનો,નાના ઉદ્યોગકારો બધા જ તકલીફોમાં છે, પણ રાજનીતિમાં પ્રજાને માત્ર તકલીફ હોય એ પૂરતું નથી,પ્રજામાં અસંતોષ હોય એને સત્તા વિરુદ્ધ મતદાનમાં પરિવર્તિત કરવો પડે અને કોંગ્રેસ આજે પણ આ માટે કમર કસતી નથી.

પંચાયતોની ચૂંટણી પછી ભાજપ પોતાના સમર્થનવાળા સરપંચોનું સંમેલન બોલાવે છે, પણ કોંગ્રેસ આવું કરી શકતી નથી.કોંગ્રેસ એક ફરિયાદ કાયમ કરે છે કે ભાજપ દેખાડા કરે છે.ખોટા વખાણ કરે છે. જાહેરાતો દ્વારા પ્રજાને ભ્રમિત કરે છે વગેરે. પણ લોકશાહીમાં આ બધું જ કોંગ્રેસ પણ કરી જ શકે ને? પણ મૂળ વાત એ છે કે ભારતીય લોકશાહી લોકોની વચ્ચે જવાથી જ જીતી શકાય છે અને કોંગ્રેસના કોઈ નેતાને ઓફીસ છોડવી નથી.તો આ સ્થિતિમાં પેલા કાકા કહેતા હતા એ સાચું પડે એમ લાગે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top