Business

ડોક્ટર્સ કી પાઠશાળા, મસ્તી કી પાઠશાળા

બાળકોને પુસ્તકીયા જ્ઞાન સાથે પ્રેક્ટીકલ નોલેજની પણ તેટલી જ જરૂર હોય છે. બાળકોમાં કલ્પના શક્તિનો વિકાસ થાય અને શાળાથી દૂર ભાગતા બાળકો ભણવા તરફ ઉત્સાહિત થાય તે માટે શહેરના ડો. ભાવેશ કાંચા અને તેમના બે ડોક્ટર મિત્રોને એક એવી સ્કૂલ બનાવવાનો વિચાર આવ્યો જેમાં બાળકોની કલ્પના શક્તિ ખીલે. તે માટે તેમણે વરાછાના મહારાણા પ્રતાપ ગાર્ડનમાં જ બાળકોને ભણાવવાની શરૂઆત કરી. આજે આ સ્કુલમાં કુલ 26 બાળકો ભણવા માટે આવે છે. જેમાંથી 10 ડોક્ટરના બાળકો છે. આ 26 બાળકોને ભણાવવા માટે 7 શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. અહીં બાળકોને કોઈ પણ પ્રકારની ફી વગર ભણાવવામાં આવે છે. તો આવો જાણીએ શહેરના ડોક્ટર્સ દ્વારા શરુ કરાયેલી આ અનોખી પહેલ વિશે..

  • પેરન્ટ્સ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી

ડોક્ટર્સ દ્વારા શરૂ કરવામાં આવેલી આ શાળામાં બાળકો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. વર્ષ દરમિયાન ગુરુ દક્ષિણાનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં વાલીઓને પોતાની ઈચ્છા-શક્તિ પ્રમાણે જે કંઈ દક્ષિણા આપવી હોય તેઓ આપી શકે છે. જેમાંથી શિક્ષકોનો પગાર પુરો પાડવામાં આવે છે.

  • 4 બાળકોને ભણાવવા એક શિક્ષક

બાળકો જ્યારે શાળામાં આવે ત્યારે તેમને એક કલાક રમવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેમને ભણાવવામાં આવે છે. એક શિક્ષક 4-5 બાળકોને ભણાવે છે. એટલે કે 4 બાળકોને ભણાવવા માટે એક શિક્ષકની ભરતી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને શાળામાં પુસ્તકો લઈ જવાની મનાઈ છે. જે ભણાવવાનું હોય તેની ફોટો કોપી શિક્ષક બાળકોને આપે છે.

  • ઈન્ટરવ્યૂ પછી એડમિશન આપવામાં આવે છે

જે બાળકોના પેરન્ટ્સને આ શાળામાં એડમિશન લેવું હોય તેમનો અને તેમના ફેમિલીનો ઈન્ટરવ્યૂ કરવામાં આવે છે. તેમના ઘરનું વાતાવરણ કેવું છે તેની જાણકારી મેળવવામાં આવે છે. જો ઘરના વાતાવરણમાં ફેરફાર કરવાનો હોય તો તે અંગે સમજ આપવામાં આવે છે. ત્યારબાદ જે-તે બાળકને શાળામાં એડમિશન આપવામાં આવે છે.

  • ભણાવવા માટે પ્રેક્ટિકલ મેથડ

બાળકોને પુસ્તકીયું જ્ઞાન કરતા પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે પ્રકારે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. બાળકોને જ્યારે લીમડા વિશે સમજાવવાના હોય ત્યારે બાળકોને લીમડાના ઝાડ નીચે ભણાવવામાં આવે છે. આવી જ રીતે ગાય વિશે ભણાવવાનું હોય ત્યારે તેમને તબેલામાં લઈ જવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી બાળકોને તમામ બાબતો પ્રેક્ટીકલી જ ભણાવવામાં આવે છે.

  • 2 થી 3 વર્ષ

આ સ્કુલમાં બાળક 2 વર્ષનું થાય ત્યારથી એડમિશન આપવામાં આવે છે. નાના બાળકોની ઈન્દ્રિયોનો વિકાસ થાય તે રીતે શાળાનો સિલેબસ શરૂ કરવામાં આવ્યો છે. આ ક્લાસનો સમય સવારે 10 થી 12 નો નક્કી કરવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે બાળકની સાથે માતાએ પણ ક્લાસ ભરવા ફરજિયાત છે.

  • ધો. 10 સુધી બાળક અહીં અભ્યાસ કરી શકશે : ડો. ભાવેશ કાંચા

સર્જન ડો. ભાવેશ કાંચાએ જણાવ્યું હતું કે જ્યારે બાળકોને જ્યારે એમ કહેવામાં આવે કે સ્કુલમાં રજા છે ત્યારે બાળકો ખુશ થઈ જાય છે, એટલે કે બાળકોને શાળાએ જવાની મજા આવતી નથી. બાળકોને શાળાએ જવાની મજા આવે અને તેઓ રમતા રમતા જ જ્ઞાન મેળવી લે તે માટે અમે આ પ્રકારનું આયોજન કર્યું છે. અહીં બાળકો ધોરણ 10 સુધી જ્ઞાન મેળવી શકે છે.

  • 5 થી 7 વર્ષ

7 વર્ષ સુધીના બાળકોને વીકમાં બે દિવસ અક્ષર જ્ઞાન આપવામાં આવે છે. બાકીના દિવસોમાં ભારતીય સંસ્કૃતિ, કુટુંબ, પર્યાવરણ, જેવા વિષયો પ્રત્યે જાગૃતિ આવે એવા વિષયોની સમજ આપવામાં આવે છે. આ સાથે મ્યુઝિક, સ્વિમિંગ, કરાટે જેવી એક્ટિવીટીનું આયોજન કરવામાં આવે છે.

  • 3 થી 5 વર્ષ

5 વર્ષ સુધીના બાળકોનો બૈધ્ધિક વિકાસ થાય તે માટે વાર્તા દ્વારા ચારિત્ર્ય વિશેની સમજ આપવામાં આવે છે. આ સાથે વાર્તા દ્વારા બાળકની કલ્પના શક્તિ ખીલે એવો પ્રયાસ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન બાળકોને 100 મહાન લોકોના ચારિત્ર્ય વિશેની સમજ આપવામાં આવે છે.

Most Popular

To Top