Comments

ઘર પરિવારમાં રાજકારણ ના લાવશો, ઝેર ના ફેલાવશો

કરાગ્રે વસતે લક્ષ્મીને બદલે કરાગ્રે વસતે મોબાઈલમથી હવે આપણી સવાર પડે છે. ઊઠીને પહેલાં ભગવાનનો ફોટો કે સૂર્યનારાયણના દર્શન કરનારા લોકો વોટસેપના મેસેજ ચેક કરતા થયા છે અને આજે દરેક ઉચ્ચ મધ્યમવર્ગી પરિવાર વોટસેપ ગૃપથી જોડાયેલું છે. જ્ઞાતિ સંગઠનો પોતપોતાનાં ગ્રુપ ચલાવે છે. આવું જ બીઝનેસ ગ્રુપ કે રાજકીય ગ્રુપ ચાલે છે. સવારે ઊઠને માણસ સૌ પ્રથમ ઘર પરિવારનાં ગ્રુપ તપાસે એ સ્વાભાવિક છે. આજે રોટલીની શોધમાં માણસ બિહારથી ગુજરાત અને ગુજરાતથી કેનેડા કે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ આપણને આપણાની ચિંતા રહે, ખબરઅંતર પૂછવાનું મન થાય.  મોડી રાત્રે આવેલા અગત્યના મેસેજ જોવાની અધીરાઈ રહે અને આવી પોતીકી લાગણીથી પ્રેરાઈને ઘર પરિવારના મેસેજ ખોલીએ ત્યારે એમાં સવાર સવારમાં જ મેસેજ આવ્યો હોય કે ખબરદાર મફતની લાલચમાં આવીને મતદાન કર્યું છે તો અને આપણી સવાર જ રાજકારણથી પડે.

જરા પ્રામાણિકપણે કહેજો, આટલું રાજકારણ પહેલાં હતું? પહેલાં 24*7 ધંધો નહોતો. હા, ઘણા ગ્રામ્ય ચૂંટણી પછી રાજકીય ભાગલા પડી જતા અને કાયમી મનદુઃખ કે વેર ઝેર થઇ જતા હતા, પણ સમજુ લોકો તો ત્યાં પણ સમજાવતા કે કાયમની દુશ્મનાવટ નક્કામી, રાજનીતિને ઘરમાં ના લાવો પણ આજે તો આ રાજનીતિ આ વૈચારિક વૈમનસ્ય ઘેર ઘેર પહોંચવા માંડ્યું છે. સવાર બપોર સાંજ ફરવા માંડ્યું છે અને આ ચિંતાનો વિષય છે. ઇસુની જેમ કહેવું પડે કે ભગવાન એમને માફ કર, એ લોકો શું કરે છે તેની તેમને જ ખબર નથી.

પહેલાં આખા ગામમાં એક ફોન રહેતો. પછી ઘર દીઠ ફોન થવા માંડ્યા અને છેલ્લાં દસ વર્ષમાં તો દરેક વ્યક્તિના હાથમાં ફોન આવી ગયા. અધૂરામાં પૂરું કોરોના અને સરકારની નીતિઓએ આપણને સ્માર્ટ ફોન માટે મજબૂર કરી દીધા. ફોનમાં પણ જ્યાં સુધી માત્ર ફોનની સુવિધા હતી ત્યાં સુધી વાંધો નહોતો, પણ એમાં સોશ્યલ મીડિયા આવ્યું અને તેમાં પણ આંગળીના ટેરવે રમતું વોટસેપ આવ્યું, પછી તો જાણે વાંદરાના હાથમાં તલવાર આવી ગઈ છે. કોઈ પણ કાંઈ પણ લખે છે, બોલે છે, રેકોર્ડ કરે છે, ઓન ધ સ્પોટ એડિટ કરે છે અને ફોરવર્ડ કરે છે ને પછી વાયરે ચડે એટલે વાયરલ થાય છે. કંઈ પણ જાણ્યા સમજ્યા વગર ફોરવર્ડ ના કરો એવું ઘણા વખતથી કહેવાય છે, પણ આ શિખામણ એટલી જ માને છે જેટલી ચાલુ ગાડીએ ફોન ના કરો, પ્લાસ્ટિક થેલીમાં ખાવાનો કચરો ના ભરો, રસ્તામાં ના ફેંકો વગેરે માનવામાં આવે છે.

રાજકારણમાં રસ હોવો એ ખોટું નથી. રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સમસ્યાઓથી જાગૃત રહેવું પણ પુખ્ત નાગરિકનું જ લક્ષણ છે, પણ આપણે વાત કરીએ છીએ, ઘર પરિવારની ઘર પરિવારના સોશ્યલ મીડિયા ગ્રુપ એ આપણા લોકોની ખબર અંતર પૂછવા સતત એક બીજા સાથે સમ્પર્કમાં રહેવા બનાવેલા ગ્રુપ એ શક્ય છે. આપણા પરિવારમાં પંદર સભ્યોમાં બાર ભાજપને માનતા હોય, બે કોંગ્રેસમાં માનતા હોય અને એકને તો માયાવતીના પક્ષમાં સક્રિય કામગીરી કરતા હોય. જો આપણે રોજ સવાર પડે, આ મેસેજ મારા દ્વારા બ્રેઈન વોશની પક્ષ દ્વારા ચાલતી પ્રવૃત્તિને સમજ્યા વગર આપણા ઘર પરિવારમાં ફોરવર્ડ કરતાં રહીશું તો આપણા સંબંધોમાં જ તેની અસર પડશે. લઘુમતીનો પ્રશ્ન માત્ર રાષ્ટ્રીય કક્ષાએ નથી હોતો, આપણા ઘર પરિવારમાં પણ જુદો મત રાખનારનું સન્માન થવું જોઈએ.

આજે ઘણા રાજકીય પાર્ટી સામેનો પોતાનો બળાપો પોતાના જ ભાઈ ભાંડુ કે મિત્રોને ટોણાં મારીને કાઢે છે, આ ખોટું છે. આજની રાજનીતિમાં આ કરુણતા જ છે કે રાજકીય પાર્ટીના ખોટા કમાઓ માટે કાર્યકર્તાઓએ જ પસ્તાવાનો વારો આવે છે. પણ આપણે થોડો વિવેક જાળવવો જોઈએ. સતત કશું સારું નહીં. એમ પણ ધાર્મિક અને સાંપ્રદાયિક નફરત વળી વાત તો નહિ જ.આપણે કોઈ રાજકીય પાર્ટીને વોટ આપીએ એટલે એના ગુલામ નથી કે ચોવીસ કલાક બધે જ એની તરફેણ કરતા ફરીએ, એના મેસેજ મોકલતા ફરીએ.

હમણાં કોરોના કાળમાં એવું થયું જ છે કે સાવ નખશીખ કોંગ્રેસી મિત્રોને હોસ્પિટલમાં દાખલ થવામાં તેમના અંગત મિત્રો કે જે ભાજપના જ હતા, કામ લાગ્યા છે. એવાં ઘણાં પરિવારો છે, જ્યાં અત્યારે કોઈ કમાતું નથી અને જે કમાય છે તે  સીસ્ટમનો ભોગ બન્યા છે તે કોંગ્રેસના સમયમાં શરૂ થયેલી યોજનાઓનો લાભ લઈને જ જીવી રહ્યા છે. એમના ઘરડા કોંગ્રેસમાં માનતા મા બાપના પેન્શનમાંથી જ ઘર ચાલી રહ્યું છે. તો મુદ્દાની વાત એટલી જ કે ઘર પરિવારને કાયમ રાજનીતિનો અખાડો ના બનાવશો. વોટસેપ જેવું સોશ્યલ મીડિયા એ શીશીમાંથી બહાર આવેલા જીન જેવું છે. કાં તો તમે એને ધંધે લગાડો કાં તો એ તમને ગળી જશે. મરજી આપકી આખિર પરિવાર હે આપકા.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top