ઉત્તરાયણ પર ડીજે નહીં વગાડવા સરકારના નિર્ણય સામે સંચાલકોમાં રોષ

વડોદરા : વડોદરામાં ઉત્તરાયણ પર્વ પર ડીજે મ્યુઝિક સિસ્ટમ નહીં વગાડવા સરકારે પ્રતિબંધ લાદતા ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.ગુરુવારે ડીજે એસોસિએશન દ્વારા ગાંધી નગર ગૃહ ખાતે સરકારની ગાઈડલાઈન ડીજે પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો.જેમાં ઈલેક્ટ્રોનિકના વેપારીઓ પણ તેમના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ખુબજ હર્ષોલ્લાસ ભેર મનાવવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ ડીજે પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ ઈલેક્ટ્રોનિક વ્યાપાર સાથે સંકળાયેલા તેમજ ડીજે એસોસિએશન દ્વારા સરકારની ગાઈડલાઈનનો વિરોધ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો હતો.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના ધંધા રોજગાર પર માઠી અસર પડી રહી છે અને સરકારી ગાઈડલાઈન પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.ડીજે એસો.ના અગ્રણીએ જણાવ્યું હતું કે અમારું ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. 2 દિવસમાં અમારે કમાવવાનું હતું.તે પ્રમાણે ગાઈડલાઈન એવી બહાર પાડી કે ધંધો બંધ થઈ ગયો.બધા ગ્રાહકોના ફોન રણકી રહ્યા છે કે અમારું એડવાન્સ લીધેલ નાણાં પરત આપી દો.જ્યારે વડાપ્રધાનના આહવાન પર ઘરે ઘરે થાળી વાડકી વગાડવામાં આવી હતી.ત્યારે કોરોના ભાગી જતો હતો.અને હવે મ્યુઝિક સિસ્ટમ વગાડવાથી કોરોના આવી જાય છે.આવી ગાઈડલાઈન બહાર પાડી અમારા ધંધા પર રોક લગાવી દીધી છે.બેન્કમાંથી લોનો લીધેલ છે.તેના હપ્તા ભરવાના ભારે પડી રહ્યા છે.સરકાર પાસે અમારી એક જ માંગ છે કે ધંધો કરવાની તક આપે અને જે ગાઈડલાઈન આપી છે તે પરત ખેંચી આ ઉત્તરાયણના તહેવારમાં રોજગાર મળવાની તક આપે.

Most Popular

To Top