Vadodara

ગોમતી તળાવ પર જર્જરિત તરાપાથી હોનારતનો ભય

ડાકોર, તા.19
ડાકોર નગરપાલિકાની ગંભીર બેદરકારી છતી થઇ, ગોમતી તળાવમાં મૂકેલા તરાપા જર્જરિત હોવા છતાં આજદિન સુધી ન ઉઠાવાતાં શ્રધ્ધાળુઓ સેલ્ફી લેવા જાય છે, મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે ? આ અંગે અરજદારે પ્રતિક ઉપવાસ પણ કર્યાં હતાં.
વડોદરાના તળાવમાં ગતરોજ પીકનીક કરવા ગયેલા માસૂમોના મોત બાદ સમગ્ર ગુજરાતમાંથી તંત્ર સામે ફીટકાર વરસાવવામાં આવી રહ્યો છે. બેદરકારી ભર્યા વલણને લઇને 12 બાળકો અને બે શિક્ષકોના જીવ ગયા છે. ત્યારે હજી પણ પ્રવાસન સ્થળ અને ધાર્મિક સ્થળો પર આવા જોખમી બોટીંગની બેદરકારી જોવા મળી રહી છે. યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી છતી થઇ છે.
ડાકોર પાલિકા દ્વારા ગોમતી ઘાટ પર મૂકવામાં આવેલા તરાપા ખુબજ જર્જરિત છે. જે ઘણાં લાંબા સમયથી પડી રહ્યા છે. ગુજરાત ભરમાંથી આવતાં શ્રદ્ધાળુઓ અહીંયા સેલ્ફી લેવા માટે આ તરાપા પર જાય છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે.

બોટની ક્ષમતા જેટલા જ બેસાડવામાં આવે છે
ગોમતી તળાવમાં નૌકા વિહાર ચલાવતા સંચાલક કલ્પેશ પટેલે જણાવ્યું કે, અમે 1997થી ધંધો કરીએ છીએ. અમે બોટમાં જેટલી કેપેસિટી હોય તેટલા જ વ્યક્તિઓને બેસાડીએ છે. સાથે સાથે જેકેટ બોટમાં રાખતા હોય છે. આ ઉપરાંત ફરજિયાત જેકેટ પહેરીને જ બેસાડીએ છીએ. સવારે 8:30 ની આસપાસ અમે આ બોટિંગ ચાલુ કરીએ છે અને સૂર્યાસ્ત સમય પહેલા બંધ કરી દઈએ છે. બોટિંગના વીમા સહિત લાઇસન્સ અમે પીડબ્લ્યુડી અને આર એન્ડ બી વિભાગમાંથી કઢાવ્યાં છે. મારા પ્રતિસ્પર્ધી જે હતા તે છેલ્લા એક વર્ષ અહીંયા ગેરકાયદેસર રીતે બોટીંગ ચલાવતા હતા. જય માતાજી નૌકા વિહારના નામથી આ બોટિંગ ચલાવવામાં આવતું હતું. જેના હાલ પ્લેટફોર્મ તેમજ સેલ્ફી પોઇન્ટ પણ છે. આ ઉપરાંત ઘાટ પાસે આવેલ તરાપા જે ખૂબ જર્જરીત છે. અહીં ભારે ઘસારો હોય ત્યારે કેટલાક શ્રદ્ધાળુ મનાઈ હોવા છતાં પણ તરાપામાં પગ મૂકીને તળાવની પાળે પહોંચે છે અને સેલ્ફી લે છે. ત્યારે નજીકના દિવસોમાં મોટી હોનારત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

નૌકાવિહાર મુદ્દે પ્રતિક ઉપવાસ કર્યા
ગોમતી ઘાટ પર વડોદરા જેવી દૂર્ઘટના ન બને તે માટે અરજદાર જીતુભાઈ સેવક દ્વારા તંત્રને જગાડવાના પ્રયત્નો કરાયા હતા. આ પહેલા બાળકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેઓએ એક દિવસના પ્રતિક ઉપવાસ યોજ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ડાકોર ગોમતી નૌકા વિહારના સંચાલક સુર્યાસ્ત થઈ ગયા બાદ પણ નૌકાઓ ફેરવે છે. જે આવી ગંભીર ઘટનાઓને નિમંત્રણ આપે છે. જેને લઈને પાલિકા સામે ઘણી વખત કાર્યવાહી કરવા માટે વિડીયો સાથે રાખીને પુરાવા સાથે અરજીઓ કરવામાં આવી હતી. તેમ છતાં પણ પાલિકા દ્વારા માત્ર ખુલાસો લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા હવે અરજદાર જીતુભાઈ સેવક દ્વારા ડાકોર રણછોડરાયજી મંદિરની સામે જ મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ આપીને ડાકોરમાં ચાલતા નૌકા વિહાર પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગને લઈને પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો અરજદાર આગામી 14 ફેબ્રુઆરીના રોજ ગોમતીમાં જળસમાધિની ચીમકી પણ ઉચ્ચારી છે.

અગાઉ પણ વિવાદમાં આવી ગયેલ હતુ બે પૈકી એક નૌકા વિહાર
મહત્વનું છે કે, અગાઉ આ ગોમતી તળાવમાં ગેરકાયદે ચાલી રહેલ એક ઈજારદારનુ નૌકા વિહાર એક વર્ષ સુધી ચાલેલ હતું. જે તે સમયે ચર્ચા બાદ તેના પર કાર્યવાહી કરાઈ હતી. હાલ એક નૌકા વિહાર ચાલી રહ્યું છે જે તંત્રની મંજૂરી, પરવાના સાથે ચાલી રહ્યું છે. જોકે આ વડોદરાની ઘટના બાદ તેઓએ પણ સતર્કતા દાખવી છે. અને ભક્તોને સામા કાંઠે તેમજ તળાવમાં વિહાર કરાવવા મર્યાદામાં જ નૌકામાં પેસેન્જરોને ભરાવવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top