Columns

અમેરિકાએ શું આકાશમાં ‘ઉડતી રકાબી’ઓ તોડી પાડી હતી?

અમેરિકાના હવાઈ દળે ચીની બલૂન તોડી પાડ્યું તેના પછીના ૩ દિવસોમાં આકાશમાં ઉડતાં ૩ અજાણ્યા પદાર્થોને મિસાઇલ્સ વડે તોડી પાડવામાં આવ્યા છે. અમેરિકાનું લશ્કર આ પદાર્થોને બલૂન કે તેવું કોઈ ચોક્કસ નામ આપવા માગતું નથી, કારણ કે તે બલૂન જ હતાં, તેવું ખાતરીથી કહી શકાય તેમ નથી. ભૂતકાળમાં આકાશમાં ઉડતા અજાણ્યા પદાર્થોને અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સ (યુફો) તરીકે ઓળખવામાં આવતા હતા, જેને ગુજરાતીમાં ‘ઉડતી રકાબી’તરીકે સંબોધન કરવામાં આવતું હતું.

આ ઉડતી રકાબીઓને પરગ્રહમાંથી આપણી પૃથ્વીની મુલાકાતે આવતા પ્રાણીઓનાં વાહનો તરીકે ઓળખવામાં આવતી હતી. તેની આજુબાજુ અનેક કાલ્પનિક સાયન્સ ફિક્શન કથાઓ વણી લેવામાં આવી હતી અને ફિલ્મો પણ બની હતી. વર્તમાનમાં આકાશમાં જે અજાણ્યા પદાર્થો જોવા મળી રહ્યા છે તેને અમેરિકી લશ્કર અનઆઇડેન્ટિફાઇડ એરિયલ ફિનોમીના (યુએપી) તરીકે ઓળખે છે. અમેરિકાના ફાઇટર જેટ વિમાને આટલાન્ટિક સમુદ્રમાં ચીની બલૂન તોડી પાડ્યું તેના એક સપ્તાહ પછી તેમણે અલાસ્કાના થીજી ગયેલા મહાસાગર ઉપર અજાણ્યા આકાશી પદાર્થોને તોડી પાડ્યો હતો, કારણ કે તે વિમાનો સાથે અથડાઈ જાય તેવી ઊંચાઈએ ઉડતો હતો.

ત્યાર બાદ અમેરિકી લશ્કરે કેનેડાના આકાશમાં ઉડતા અજાણ્યા પદાર્થને ફૂંકી માર્યો હતો. રવિવારે અમેરિકી હવાઈ દળે મિશીગનના આકાશમાં લેક હુરોન પર ઉડતા અજાણ્યા પદાર્થને મિસાઇલ વડે ઉડાવી દીધો હતો. અમેરિકાના ગુપ્તચર તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ ૨૦૨૧ના માર્ચ અને ૨૦૨૨ના ઓગસ્ટ વચ્ચે ‘ઉડતી રકાબી’ની ૨૪૭ ઘટનાઓ જાણવામાં આવી હતી. તેની સરખામણીમાં ૨૦૦૪થી ૨૦૨૧ના ૧૭ વર્ષમાં તેવી ૧૪૪ ઘટનાઓ જ નોંધાઈ હતી. અમેરિકાના સંરક્ષણ ખાતાં દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ અજાણ્યા પદાર્થો પૃથ્વીની મુલાકાતે આવતાં પરગ્રહનાં વાહનો હોય તેવી સંભાવના તેઓ નકારી કાઢતા નથી.

અમેરિકાના હવાઈ દળ દ્વારા લેક હુરોન પર ઉડતો જે અજાણ્યો પદાર્થ તોડી પાડવામાં આવ્યો તે બલૂનના આકારનો નહોતો પણ અષ્ટકોણનો આકાર ધરાવતો હતો, જેવો કાલ્પનિક ઉડતી રકાબીનો આકાર હોય છે. અમેરિકા દ્વારા ચીની બલૂનને તોડી પાડવામાં આવ્યું તે પછી ચીને દાવો કર્યો છે કે તેના આકાશમાં પણ બલૂન જોવા મળ્યું છે. ક્વિંગડો શહેર નજીકના દરિયામાં દેખાયેલા અજાણ્યા ઉડતા પદાર્થને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરિયાકિનારે વસતા લોકોને અને માછીમારોને આ બાબતમાં સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે.

રશિયાના લશ્કર દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે તેણે તા. ૩ જાન્યુઆરીના દક્ષિણ રશિયાના રોસ્તોવ વિસ્તારમાં દડાનો આકાર ધરાવતા અજાણ્યા આકાશી પદાર્થને તોડી પાડ્યો હતો. રશિયાના રોસ્તોવ વિસ્તારમાં ભૂતકાળમાં પણ ઉડતી રકાબીઓ જોવા મળી હતી. ૨૦૦૭માં આવી ઉડતી રકાબી જોવા મળી તે પછી દરિયાકિનારે ૧૦૦ કિલોગ્રામ વજન ધરાવતું વિચિત્ર પ્રાણી પણ મળી આવ્યું હતું. તેની ઓળખ કરવામાં આવે તે પહેલાં સ્થાનિક માછીમારો તેને રાંધીને ખાઈ ગયા હતા. સાઇબેરિયામાં આવેલું બૈકલ તળાવ ઉડતી રકાબીઓના દર્શન માટે બહુ જાણીતું છે. ત્યાં પહેરો ભરી રહેલા લશ્કર દ્વારા ઘણી વખત આકાશમાં ઉડતાં વિરાટ પદાર્થોની જાણકારી આપવામાં આવતી હોય છે.

રશિયાના આકાશમાં તાજેતરમાં જે અજાણ્યા પદાર્થો જોવા મળ્યા છે તે ઉડતી રકાબીના બદલે યુક્રેન દ્વારા છોડવામાં આવતાં ડ્રોન હોય તેવી પણ સંભાવના છે. રશિયા પાસે ઉત્તમ કોટિનું હવાઈ દળ છે અને સુખોઈ જેવાં વિનાશક ફાઇટર જેટ છે, જે ૩૦,૦૦૦ ફીટની ઊંચાઈ સુધી ઉડતા હોય છે. તેનો મુકાબલો કરી શકે તેવું હવાઈ દળ યુક્રેન પાસે નથી. તેણે બહુ ઓછા ખર્ચે ડ્રોનનો કાફલો તૈયાર કર્યો છે, જે ઝાડ જેટલી ઊંચાઇ પર ઉડીને રશિયન ટેન્કો પર બોમ્બ ફેંકી શકે છે. રશિયા અને અમેરિકા વચ્ચે કોલ્ડવોર ચાલી રહી હતી ત્યારે બંને દેશોમાં ઉડતી રકાબી જોવા મળતી હતી.

બીબીસીના હેવાલ મુજબ ૨૦૧૨માં ઉડતી રકાબીનો અભ્યાસ કરી રહેલા ૫૦ જેટલા સાહસિકો દ્વારા એક કેમ્પ ઊભો કરવામાં આવ્યો હતો. તેમણે હકીકતમાં અનેક ઉડતી રકાબીઓ જોઈ હતી. રશિયન સરકારે તેના સમાચાર દબાવી દીધા હતા, પણ રશિયન મીડિયાએ તેનો ઢંઢેરો પિટી દીધો હતો. ૧૯૮૭ની ૧૭ એપ્રિલે રશિયાના કુર્મા વિસ્તારમાં જમીનથી માત્ર ૧૫૦ ફીટની ઊંચાઈ પર ઉડતી રકાબી જેવું વિમાન જોવા મળ્યું હતું. તેને ૧૩ માણસો દ્વારા જોવામાં આવ્યું હતું. તેનો વ્યાસ ૭૦ મીટર જેટલો હતો અને તેના કેન્દ્રમાંથી જાંબલી પ્રકાશ નીકળતો હતો. અમેરિકાની ટાવર વોટ્સન નામની સંસ્થા દ્વારા દુનિયા પર અચાનક ત્રાટકી શકે તેવી ૩૦ જોખમી ચીજોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં કોરોના જેવી મહામારી ઉપરાંત જળવાયુ પરિવર્તન અને બાહ્ય અવકાશના પ્રાણીઓ દ્વારા થનારા સંભવિત હુમલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમાં પાંચ પ્રકારના પર્યાવરણીય સંકટની યાદીમાં પહેલા નંબરે પરગ્રહના પ્રાણીઓ દ્વારા થનારા આક્રમણનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. પરગ્રહના પ્રાણીઓ જેનો મુકાબલો ન કરી શકાય તેવાં અદ્યતન શસ્ત્રોથી સજ્જ હશે અને તેમનું આક્રમણ કદાચ માનવ જાતના અસ્તિત્વ માટે વિનાશક પુરવાર થઈ શકે છે. તેમાં બાહ્ય અવકાશમાંથી આવતા કોઈ ઉપગ્રહની પૃથ્વી સાથેની સંભવિત અથડામણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અન્ય પર્યાવરણીય સંકટોમાં ધરતીકંપ અને સુનામીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો અનુભવ હાલમાં તુર્કી કરી રહ્યું છે.

અમેરિકાના હવાઈ દળ દ્વારા ચીની બલૂનને ફૂંકી મારવામાં આવ્યું તે પછી સોશિયલ મીડિયામાં પરગ્રહના પ્રાણીઓ દ્વારા થનારા એલિયન એટેક બાબતમાં સંદેશાઓ અને તુક્કાઓ વહેતા થઈ ગયા છે. તેમના કહેવા મુજબ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જે રીતે બનાવટી મહામારી પેદા કરવામાં આવી હતી તે રીતે અમેરિકાના લશ્કર દ્વારા બનાવટી એલિયન એટેકનું નાટક ઊભું કરવામાં આવશે અને દુશ્મન દેશો ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવશે. જો અમેરિકા જેવો દેશ ‘હાર્પ’ટેકનોલોજીનો ઉપયોગ કરીને તુર્કી જેવા દેશમાં ભૂકંપ લાવી શકતો હોય તો તે પરગ્રહના પ્રાણીઓ દ્વારા હુમલાનું નાટક કરીને દુશ્મન દેશની જમીન પર હુમલો પણ કરી શકે તેમ છે.

વિશ્વવિખ્યાત બ્રિટીશ વિજ્ઞાની સ્ટીફન હોકિન્સે ૨૦૧૦માં ચેતવણી આપી હતી કે જો બાહ્ય અવકાશમાં વસતા બુદ્ધિશાળી જીવોને પૃથ્વી પરના માનવ અસ્તિત્વની જાણ થઈ જશે તો તેઓ આપણા પર ત્રાટકી શકે છે. હોલિવૂડની ફિલ્મોમાં કાયમ એલિયનની વાતો કરવામાં આવતી હોય છે. બોલિવૂડની કોઇ મિલ ગયા ફિલ્મમાં ઋતિક રોશને એલિયનનું પાત્ર ભજવ્યું હતું. હોલિવૂડની ફિલ્મોમાં જે પરગ્રહના પ્રાણીઓ આપણા ગ્રહ ઉપર આવતા હોય છે તેઓ કોઈ કીમતી ધાતુની શોધ કરવા કે પ્રયોગો કરવા જ આવતા હોય છે. કેટલાક લોકો માને છે કે આપણી પૃથ્વી પર જે સભ્યતાની સ્થાપના થઈ તે કોઈ પરગ્રહના પ્રાણીઓ દ્વારા જ કરવામાં આવી હતી. હવે તેનો અંત પણ પરગ્રહના પ્રાણીઓ કરી શકે છે. વેદોમાં અને પુરાણોમાં જે દેવતાઓની કથા કહેવામાં આવે છે તેઓ પણ પરગ્રહના પ્રવાસીઓ હતા. તેઓ ફરીથી આપણી દુનિયાની મુલાકાતે આવી શકે છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top