Dakshin Gujarat

પ્રકૃતિ વચ્ચે વિકાસનો સમન્વય ધરાવતું ગણદેવી તાલુકાનું ગામ ધનોરી

સહકાર, સેવા અને રાજકારણમાં સતત ચર્ચામાં રહેતા ગણદેવી તાલુકાના ધનોરી ગામની વસતી માંડ 2775ની છે. ધનોરી ગ્રામ પંચાયતમાં ચાંગા નામનું ફળિયું પણ આવેલું છે. ગામમાં વોર્ડની સંખ્યા 7 છે. 862 ઘર ધરાવતું આ ગામ ચારેકોર વાડીઓથી ઘેરાયેલું છે. 72.06 ટકા જેટલો ઊંચો સાક્ષરતા દર ધરાવતા આ ગામનો 5292.23 હેક્ટર વિસ્તાર છે. હરિયાળી હોવાને કારણે ગામ મનમોહક બની રહેવા સાથે પ્રકૃતિ સાથે જોડાયેલું ગામ છે. નાનકડા ગામમાં તળાવો પણ હોવાથી ઉનાળામાં ઠંડક મળતી રહે છે. અનાવિલ, બ્રાહ્મણ, કોળી પટેલ, આહિર, હળપતિ, મિસ્ત્રી, મુસ્લિમ અને હરિજન સમાજના લોકોની વસતી ધરાવતા ધનોરી ગામમાં ચાંગા નામનું ફળિયું આવેલું છે. એ ઉપરાંત બ્રાહ્મણ ફળિયું, પટેલ ફળિયું, મંદિર ફળિયું, ધનોરી નિશાળ ફળિયું, ગોચર ફળિયા, ચાંગા નિશાળ ફળિયું, અંબાજી મહોલ્લો, નવા ફળિયું, તળાવ ફળિયું, ડી.પી. ફળિયું, ખલીફાવાસ, નવી નગરી અને તાર ફળિયા આવેલાં છે. ગામનાં બાળકોને ગામમાં જ શિક્ષણ મળી રહે એ માટે ધનોરીમાં ૧થી ૮ ધોરણનું શિક્ષણ આપતી સરકારી શાળા છે, તો ચાંગામાં પણ ૧થી ૪ ધોરણની શાળા છે. ઉપરાંત ભૂલકાં માટે 4 આંગણવાડી અને એક આશ્રમશાળા પણ ચાલે છે. ગામમાં ત્રણ બસ સ્ટેન્ડ છે, જ્યાંથી લોકોને બસ સેવા મળી રહે છે. ગામમાં સો ટકા શૌચાલય યોજનાનો અમલ થયો છે. ઉપરાંત સ્વચ્છતા જળવાઇ રહે એ માટે ડોર ટુ ડોર કચરો પણ એકત્ર કરાય છે. ગામના 80 ટકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ છે. ઉપરાંત ગામમાં ઘરે ઘરે પાણીનો પુરવઠો મળી રહે એ માટે 9 પાણીની ટાંકી છે. ગામમાં 82 પરિવારને આવાસ યોજનાનો લાભ મળ્યો છે, તો બ્લોક પેવિંગ, ડામર રોડ, તળાવ પર ઓવારા, મંદિરના પટાંગણમાં બ્લોક નાંખવા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા છે. ગામના યુવાનોમાં રમતગમતનું કૌશલ્ય ખીલે એ માટે બે મેદાન પણ આવેલાં છે. આ ગામમાં લોકોનો મુખ્ય વ્યવસાય નોકરી, ખેતી તથા પશુપાલન છે. ખેતીમાં મહદ્ અંશે કેરી અને ચીકુનો મુખ્ય પાક છે. શેરડીનું વાવેતર પણ સારું થાય છે. અહીંના ચીકુ દિલ્હીના બજાર સુધી પહોંચે છે.
ગણદેવીની નજીક આવેલા આ ગામમાં વિકાસ બહુ સારો થયો છે. નાનકડું ગામ હોવા છતાં ગામમાં 8 તળાવ છે, તેને કારણે ખેતી તથા પશુપાલન માટે પાણીની તંગી વર્તાતી નથી. પુરુષો ઘર ચલાવવાની જવાબદારી સંભાળે છે, તો કેટલાક ઘરે મહિલાઓ સાડી ભરવાનું કામ પણ કરી પરિવારને ટેકો આપે છે. જો કે, નવી પેઢીમાંથી કેટલાક સુરત, વાપી અને વલસાડ નોકરી માટે જાય છે.
ગામના સરપંચ તરીકે હાલમાં મહેક જોષી સેવા આપી રહ્યાં છે, તો ઉપસરપંચ તરીકે સાગર પટેલ અને તલાટી તરીકે નેહાબેન પટેલ સેવા આપે છે. ઉપરાંત ગામનાં જિજ્ઞા વૈદ્ય ગણદેવી તાલુકા પંચાયતમાં પૂર્વ ઉપપ્રમુખ છે. સહકારની ભાવના અહીં ખૂબ જ ખીલી છે અને તેથી જ ખોબા જેવડા ગામમાં ૩ સહકારી સંસ્થા ધમધમે છે. હાલમાં જ ધનોરી સેવા સહકારી મંડળીએ શતાબ્દી ઉજવી છે. આ સંસ્થામાં ૫૫૦થી વધુ સભાસદ છે. મંડળી થાપણ, ધિરાણ, જીવન જરૂરિયાતની ચીજો-ખાતર, દવા, ચીકુની પુલિંગ વ્યવસ્થા વગેરે પ્રવૃત્તિ કરે છે. મંડળીના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં કોઈપણ પદ માટે ચૂંટણી યોજાઇ નથી, એ સહકારની ઉમદા ભાવનાનું ઉદાહરણ છે. હાલમાં અમિતભાઇ નાયક પ્રમુખ તરીકે સેવા આપે છે.
પશુપાલનનો વ્યવસ્યા પણ સારો ખીલ્યો છે અને તેને કારણે જ ધનોરી દૂધ ઉત્પાદક સહકારી મંડળી પણ અહીં કાર્યરત છે. સભાસદો દ્વારા ઉત્પન્ન થતું દૂધ સહકારી ધોરણે ખરીદ કરી વસુધરા ડેરીને પહોંચાડે છે. ખેડૂતોને દૂધના સારા ભાવ મળે એ હેતુ પાર પાડવાની સાથે સાથે ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે એ મળે એ માટે મિનરલ વોટર પ્લાન્ટ પણ ચલાવે છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હોવાને કારણે ધનોરી ચાંગા પિયત સહકારી મંડળી પણ ચાલે છે. સહકારી ધોરણે ઉકાઇ ડેમમાંથી આવતા નહેરના પાણીની વહેંચણી કરી ખેડૂત સભાસદોને પાણી પહોંચાડવાની કામગીરી કરે છે. તો વળી પિયાવાના પૈસા ખેડૂતો પાસેથી ઉઘરાવી સરકારને જમા કરાવે છે. બાબુભાઇ આહિર હાલમાં આ મંડળીના પ્રમુખ છે.
લોકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે પ્રાથિમક આરોગ્ય કેન્દ્ર છે, તો ધનેશ્વર મહાદેવ મંદિર પણ આવેલું છે. અહીં પાટોત્સવની સાથે સાથે તમામ તહેવારો ગામલોકો ભેગા મળીને ઉજવે છે. ઉપરાંત ખોડિયાર માતા, ભમતી માતા, મામાદેવનું મંદિર પણ આવેલું છે. અહીં લોકો આસ્થાથી અનેક તહેવારો ઉજવે છે.
આ ઉપરાંત એક સમયે ચાંગામાં ચાઇલ્ડ હેવન નામનું એક ભૂલકાંના જીવનને મહેંકતું કરવાનું કામ કુમુદબેન જોષી પરિવાર દ્વારા થતું હતું. ચાંગા ખાતે આવેલા આ ચાઇલ્ડ હેવનમાં તરછોડાયેલાં નવજાત શિશુ કે બાળકોને આશરો આપીને તેમના જીવનને દિશા આપવાનું કામ કરવામાં આવ્યું હતું. કિલ્લોલ કરતાં આ ખરા સ્વર્ગમાંથી કેટલાંય બાળકો બીજા પરિવાર સાથે જોડાઇને નવજીવન પામ્યા છે.

ચાંગાથી દિલ્હીના પ્રધાનમંડળ સુધી કુમુદબેન જોષી પહોંચ્યા હતા
ધનોરીનું એક ફળિયું એટલે ચાંગા. આ ચાંગાનાં કુ. કુમુદબેન જોષી નવસારી જિલ્લાના પહેલા એવાં નેતા છે, જેઓ કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીપદ પામી શક્યાં છે. જો કે, એ મંત્રીપદ પામતા પહેલાં તો તેઓ ગણદેવીમાં દૂધ પણ વેચતાં હતાં. રાજદૂત બાઇકથી માંડીને ઘોડેસવારી કરવામાં પણ પારંગત એવાં કુમુદબેન જોષી ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં પરિવાર કલ્યાણ મંત્રી, માહિતી પ્રસારણ મંત્રી જેવા પદ શોભાવી ચૂક્યાં છે, તો આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે પણ કાર્ય કરી ચૂક્યાં છે. આ તમામ પદો પર તેઓ સમાજ ઉત્થાનની કામગીરી કરતા જ રહ્યાં હતાં. પરંતુ ઊડીને આંખે વળગી એવી કામગીરીમાં આંધ્રપ્રદેશમાં ચાલતી જોગીન પ્રથા નાબૂદ કરવા માટેનું તેમનું પગલું મહત્ત્વનું કહી શકાય. દેવદાસી જેવી પ્રથા ગણાતી જોગીમાં જમીનદારો મહિલાઓનું શોષણ કરતા હતા, એ અટકાવવા માટે તેમને સમાજમાં સન્માનભર્યું સ્થાન મળે એ માટે તેમણે કામ કર્યું હતું, તો આંધ્રપ્રદેશના તિરુમાલા પહાડ પર બી વાવીને તેને હરિયાળો કરવાનું કામ પણ તેમની દૂરંદેશીથી જ થયું હતું. 14 માર્ચ-2022ના દિવસે તેમનું નિધન થયું હતું. તેમની ઇચ્છા મુજબ તેમની અંતિમવિધિ તેમની વાડીમાં જ કરવામાં આવી હતી.

વિજ્ઞાની તરીકે અમેરિકામાં નામના મેળવનારાં વીણા પંજાબી
ધનોરીનું નામ વિજ્ઞાન ક્ષેત્રે પણ ઉજળું છે. અમેરિકામાં રહીને ધનોરીનું નામ ઉજાળનારાં વીણા પંજાબી અમેરિકામાં વિજ્ઞાની તરીકે ખાસ્સી પ્રતિષ્ઠા પામ્યાં છે. વીણા પંજાબી એટલે કે મૂળ ધનોરીનાં વીણા નાયક. નરી આંખે ન દેખાય એવા અણુમાં રહેલા પ્રોટોનની દુનિયામાં ઝીણું કાંત્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી ભૌતિક વિજ્ઞાન સાથે સ્નાતક અને અનુસ્નાતક થનારા વીણા પંજાબીએ અમેરિકા જઇને માસ્ટર્સ ઓફ સાયન્સ અને ડોક્ટરેટ ડિગ્રી મેળવી હતી. તેમણે ૧૯૮૮માં અમેરિકાની નોરફોક સ્ટેટ યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનના આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા સાથે જેફરસન લેબ એટલે કે પ્રયોગશાળા સાથે સંકળાયેલા રહ્યાં છે. તેમણે ૧૯૮૯માં ઇલેક્ટ્રિકથી ચુંબકીય ક્ષેત્ર બને તેનો ફેક્ટર રેશિયો માપન માટે પ્રયોગ શરૂ કર્યો હતો અને તેના આધારે બીજા બે પ્રયોગો પણ શરૂ થયા હતા. આપણે અણુની નાભીમાં પ્રોટોનને ગોળાકાર દેખાડીએ છીએ, પરંતુ વીણા પંજાબી અને ચાર્લ્સ પેડ્રીસેટે પૂરવાર કર્યુ કે પ્રોટોન સીંગદાણા જેવા આકારનો છે. અનેક શોધો સાથે સંકળાઇને વીણા પંજાબી વિજ્ઞાન જગતમાં ડંકો વગાડતા રહે છે.

અર્થશાસ્ત્રની દિશામાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનારા હસુભાઇ નાયક
યુવાનોને શરમાવે એવા થનગનાટથી જિંદગીની છેલ્લી ઘડી સુધી કામ કરનારા હસુભાઇ નાયક રોટરી ઇન્ટરનેશનલમાં ઉચ્ચ પદે પહોંચ્યા બાદ પણ ગણદેવીને ભૂલ્યા ન હતા. તેમની મદદને કારણે જ રોટરી ઇન્ટરનેશનલની મેચિંગ ગ્રાન્ટ ગણદેવીને વધુ મળી હતી અને તેને કારણે જ ગણદેવી રોટરી ક્લબના સેવાકલ્પોને વધુ ને વધુ બળ મળ્યું હતું. સતત ગણદેવી તથા આસપાસનાં ગામોની સુખાકારીને દિશામાં વિચારતા રહીને કેનેડામાં રહીને પણ તેમણે ગણદેવીને રોટરી થકી મદદ મળતી રહે એવું આયોજન કરી દેખાડ્યું હતું. જો કે, મૂળભુત રીતે તેમનું કામ તો કેનેડાની સરકારમાં આદિવાસીઓને લગતો એક વિસ્તૃત અભ્યાસ કરી તેમના જીવનને આજના યુગ સાથે કદમ મેળવી શકે એવું કરવાનો રહ્યો હતો.

Most Popular

To Top