SURAT

મોટા વરાછામાં રહેતા DGVCLના કર્મચારીના ઘરમાં જ થતી હતી વીજચોરી, પકડાયા બાદ પણ..

સુરત: ડી.જી.વી.સી.એલ. (DGVCL) માં ભ્રષ્ટાચારમાં (Corruption) સામેલ કર્મચારીને શંકા ઉપજાવે તે રીતે બચાવવાની ડી.જી.વી.સી.એલ નાં મોટા અધિકારીઓની કોશિશ ખરેખર શંકા ઉપજાવે તેવી છે. મોટા વરાછા સબ ડિવિઝનમાં નોકરી કરતા મુકેશ નામના કર્મચારીનાં ઘરનાં મીટરમાં બે મહિના પહેલાં વીજ ચોરી પકડાઈ હતી પરંતુ આજ દિન સુધી કર્મચારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. જે ઉચ્ચ અધિકારીઓની નૈતિકતા સામે પ્રશ્ન ઉભા કરી રહી છે.

  • બે મહિના પહેલાં વીજચોરી પકડાઈ છતાં કોઈ કાર્યવાહી નહીં
  • તપાસનું નાટક કરી ઉચ્ચ અધિકારીઓનો ઢાંકપિછોડાનો પ્રયાસ

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તારીખ 12/8/22 ના રોજ ચેકીંગ શીટ નંબર 10047 માં મીટરમાં વીજ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ મીટર નંબર 3302217921 અને ગ્રાહક નંબર 41270005022 છે. આ મીટર મોટા વરાછાની ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી મુકેશની માતાના નામનું હોવાનું બહાર આવ્યું છે. જીઈબીના કર્મચારીઓ વીજચોરીમાં સંડોવાયેલા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા કંપનીમાં સોંપો પડી ગયો છે.

ભૂતકાળમાં જીઈબીના કર્મચારીને ત્યાં વીજ ચોરી પકડાઈ હોય તેવા કિસ્સામાં જે તે કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હોવાની કાર્યવાહી થઈ હોવાના અનેક દાખલા છે. સામાન્ય ગ્રાહકો પર દાખલો બેસે તે રીતે વીજચોરીમાં ઝડપાયેલા કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ ઉદાહરણરૂપ કાર્યવાહી થતી હતી પરંતુ આ વખતે એવું બન્યું નથી. મોટા વરાછામાં ફરજ બજાવતા મુકેશ નામના કર્મચારી સામે કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. વીજચોરીમાં ઝડપાયેલા કર્મચારીને કેમ બચાવવામાં આવી રહ્યો છે? તે સવાલ ડીજીવીસીએલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉચ્ચ અધિકારીઓ ઢાંકપિછોડો કરી રહ્યાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

તપાસ સોંપવામાં આવી છે, કસૂરવાર સામે પગલાં લેવાશે: એક્ઝિક્યુટીવ એન્જિનિયર
આ મામલે એક્ઝિક્યુટીવ એન્જિનિયર સિંગાડાએ કહ્યું કે, આ બાબત ધ્યાનમાં આવતા ડેપ્યુટી એન્જિનિયરને તપાસ સોંપવામાં આવી છે. બે મહિના જૂનો કેસ છે પરંતુ મારા ધ્યાન પર હાલ જ આવ્યો છે. કસૂરવાર સામે કાર્યવાહી કરાશે.

મોટા વરાછા સ્થિત ડીજીવીસીએલની ઓફિસમાં અનેક ગેરરીતિની ફરિયાદો
વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડીજીવીસીએલની મોટા વરાછા સ્થિત ઓફિસમાં અનેક પ્રકારની ગેરરીતિઓ થતી રહી છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ શંકાસ્પદ રીતે આંખ આડા કાન કરી રહ્યાં છે. અહીં પ્લાસ્ટિક સીલ નંબરનો પણ દુરુપયોગ થતો આવ્યો હોવાની ફરિયાદ અનેકોવાર ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે તેમ છતાં અધિકારીઓએ કોઈ પગલાં લીધા નથી.

Most Popular

To Top