Comments

નવનિર્માણ માટે વિનાશ જરૂરી હોય છે

અનુભવ એવો છે કે સરકારી અધિકારીઓ અને ન્યાયમૂર્તિઓ નિવૃત્ત થયા પછી ડાહીડાહી વાતો કરવા માંડે છે, પણ જો પાછા વળીને તેમની કારકિર્દી પર નજર કરશો તો જોવા મળશે કે તેમણે ફરજ સાથે કાં તો સ્વેચ્છાએ સમાધાનો કર્યાં હતાં અથવા ડરીને કામ કરતા હતા. જે ઉઘાડી રીતે વેચાઈ ગયા હતા તેમની તો આપણે વાત જ નથી કરતા. તેઓ મોટે ભાગે સુફિયાણી વાતો કરતા પણ નથી, સિવાય કે માણસ સાવ બેશરમ હોય.

સર્વોચ્ચ અદાલતમાંથી તાજા નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયમૂર્તિ ઉદય લલિત આમાં અપવાદ છે. તેમને મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કામ કરવાનો માત્ર ૭૪ દિવસ માટે મોકો મળ્યો હતો અને તેમાં તેમણે સપાટો બોલાવ્યો હતો. ખાસ કરીને અદાલતોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની બાબતે સરકાર ગંભીર નથી એમ તેમણે સ્પષ્ટ સંભળાવ્યું હતું. માટે નિવૃત્તિ પછી તેમણે બે દિવસ પહેલાં દેશમાં ન્યાયતંત્રની સ્થિતિ વિશે આપેલું વક્તવ્ય પ્રાસંગિક છે. પ્રાસંગિક એટલા માટે પણ છે કે દેશના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે પણ લગભગ આ જ વાત એ જ દિવસે અન્યત્ર બોલતાં કહી હતી. બે આજી અને માજી ન્યાયમૂર્તિઓ ન્યાયતંત્રનું એક જ સરખું નિદાન કરે અને ચેતવણી આપે તો તેને વિશેષ કરીને ગંભીરતાથી લેવી જોઈએ.

નિવૃત્ત ન્યાયમૂર્તિ ઉદય લલિત અને ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે પોતપોતાની રીતે પણ એક જ વાત કહેતાં કહ્યું છે કે નીચલી અદાલતોમાં કેટલાક જજો કાયદાનું જરૂરી જ્ઞાન નથી ધરાવતા, કેટલાકમાં સંવેદનશીલતા અને દક્ષતાનો અભાવ હોય છે, કેટલાક સરકારી વકીલને અને તપાસકર્તાઓને પ્રશ્ન પૂછતા ડરે છે અને કેટલાક ભ્રષ્ટ છે. લોકોની ધરપકડ તો જાણે એવી રીતે થાય છે કે મંદિરમાં પ્રવેશ આપતા હોય. જજો એક પણ સવાલ કર્યા વિના કસ્ટડી આપે છે અને કસ્ટડીની મુદત લંબાવતા રહે છે. કેટલીક વાર તો વર્ષોનાં વષ સુધી. લગભગ ૮૦ ટકા કેસોમાં ફરિયાદી કે બચાવ પક્ષ સરકાર હોય છે અને જજો સરકારની વિરુદ્ધ જતા કે પ્રશ્ન પૂછતા પણ ડરે છે. આને કારણે કેસોનો ભરાવો થાય છે. કાચા કેદીઓની સંખ્યામાં વધારો થાય છે. નિર્દોષ લોકોએ વર્ષો સુધી જામીનની અને ચુકાદાની રાહ જોતાં જેલમાં સબડવું પડે છે. ખટલો ચલાવીને સજા કરવામાં આવી હોય એવા કેસોનું પ્રમાણ માત્ર ૨૭ ટકા છે. તેમણે કહ્યું હતું કે કેટલાક જજો દિવાની અને ફોજદારી કેસ વચ્ચેનો ફરક સમજતા નથી અને દિવાની કેસને ફોજદારી તરીકે ચલાવે છે. કદાચ જાણીબૂઝીને પણ કોઈને હેરાન કરવા આમ કરતા હશે. ટૂંકમાં લગભગ ૮૦ ટકા આરોપી વગર સજાએ સજા ભોગવે છે.

આજી અને માજી ન્યાયમૂર્તિઓએ જે ચેતવણી આપી છે કે ઊહાપોહ કર્યો છે એ પહેલી વારનો નથી. અનેક ન્યાયમૂર્તિઓએ, કાયદાવિદોએ, વખતોવખત કાયદાપંચે, કાયદાના રાજ માટે ખેવના ધરાવતી દેશ-વિદેશની સંસ્થાઓએ આ પહેલાં અનેકવાર ઊહાપોહ કર્યો છે. મેં મારી કૉલમમાં બે ત્રણ દાયકામાં ચાલીસ પચાસ વાર લખ્યું હશે. કેમ આમાં કોઈ સુધારો નથી થતો? સરકાર ગમે તે પક્ષની હોય, વડા પ્રધાન લોકશાહીનિષ્ઠ હોય કે તાનાશાહ, ન્યાયતંત્રમાં સુધારો કરવામાં નથી આવતો.

આનાં મુખ્ય બે કારણ છે. એક તો એ કે ન્યાયતંત્ર પાંગળું હોય, જજો ડરીને રહેતા હોય કે શાસકોને સાથ આપતા હોય, બને એટલા અભણ કે કાર્યદક્ષતાનો અભાવ ધરાવતા હોય એટલો સ્થાપિત હિતોને લાભ છે અને સૌથી મોટું સ્થાપિત હિત શાસકો ધરાવે છે. જો ન્યાયતંત્ર આજે છે એવું ન હોય અને જેવું હોવું જોઇએ તેવું હોય તો અડધાથી વધુ રાજકારણીઓ શાસકો જેલમાં હોય. બીજું કારણ આપણા બાપનું શું જાય એવી સરકારી અમલદારોની માનસિકતા. જ્યારે પણ કોઈ પ્રશ્ન કરે કે તરત કેસ અદાલતમાં ઘૂસાડી દો. તારીખ અને અપીલ વગેરે મળીને કમસેકમ બે દાયકા સુધી ચુકાદો આપવાનો નથી અને ત્યાં સુધીમાં નિવૃત્ત થઈને બધા જ નિવૃત્તિ પછીના લાભો લઈને ઘરે અને કદાચ ઉપર જતા રહ્યા હઈશું. જરૂરી નિર્ણય ટાળવાને કારણે લોકોને કેટલું હેરાન થવું પડે છે તેની તેઓ ચિંતા કરતા નથી.

આજકાલ તો વળી સ્થિતિ એવી છે કે સર્વોચ્ચ સ્થાને બેઠેલા ન્યાયમૂર્તિઓ ન્યાયતંત્રને ડૂબાડી રહ્યા છે. પત્રકારો પત્રકારત્વને ડૂબાડી રહ્યા છે. રાજકારણીઓ રાજ્યતંત્રને ડૂબાડી રહ્યા છે અને ધર્મગુરુઓ ધર્મને ડૂબાડી રહ્યા છે. એક રીતે જે બની રહ્યું છે એ સારા માટે બની રહ્યું છે. નવનિર્માણ માટે કેટલીક વાર વિનાશ જરૂરી હોય છે. કાળચક્રમાં સુધારાઓ (કરેકશન) જરૂરી હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top