Charchapatra

યુનાઇટેડ કિંગ્ડમ અને ભારતની લોકશાહી અને લોકપ્રતિનિધિઓ

દક્ષિણ ગુજરાતના વલસાડના રફીક એહમદ  યુવાન વયે યુ.કે. જઇ ત્યાં સ્થાયી થયેલ. એમની પચ્ચીસ વર્ષીય મહત્ત્વાકાંક્ષી દીકરી હુમૈરા ગરાસીયા  ત્યાંની લેબર પાર્ટી સાથે જોડાયેલ છે અને હાલ લંડનના હેકની પાલિકાના સિવિક મેયર બનેલ એ હુમૈરા થોડા દિવસ પહેલાં વલસાડની મુલાકાતે આવેલ એ દરમિયાન ‘ગુજરાતમિત્ર’ દ્વારા લેવાયેલી મુલાકાતમાં એમણે જણાવ્યું કે બ્રિટનમાં પેટ્રોલિયમ પેદાશોના વધેલા ભાવોને કારણે ખાદ્ય સામગ્રીના ભાવો ઘણા વધ્યા છે અને હાલ બ્રિટનના પ્રેસીડન્ટ તરીકે ચૂંટાયેલ રૂષી સુનક વધતી જતી મોંઘવારીને કારણે બગડેલી અર્થવ્યવસ્થાને સંભાળી ન શકે તો થોડા દિવસો માટે જ પ્રધાનમંત્રી બનેલ લીટ્ઝની માફક એમણે પણ એમનું પદ છોડવું પડી શકે. એમનું આવું નિર્ભય નિવેદન વાંચી વિચાર આવ્યો કે ભારતમાં આજે ઘણા સમયથી દેશનો સામાન્ય માણસ મોંઘવારીને કારણે પરેશાન થઇ રહ્યો છે.

પરંતુ સત્તાને જ સૌથી વધુ પ્રાધાન્ય આપતી આપણી સરકાર, સરકારના પ્રતિનિધિઓ કે વિરોધ પક્ષના નેતાઓ એ બાબતે થોડા ઘણા પણ ચિંતિત હોય એવું એમના કોઇ પણ નિવેદન પરથી જરા સરખું પણ દેખાતું નથી. બીજું, ચોક્કસ મૂડીપતિઓને અનુકૂળ હાલનો સત્તાધારી પક્ષ જે એક સમયે વધતા જતા પેટ્રોલ, ગેસના ભાવોને કારણે ઠેર, ઠેર પ્રદર્શનો કરતો હતો એ સત્તાધારી પક્ષને કે એમના બોલકણા નેતાઓને આજે વધતી જતી મોંઘવારીને કારણે લોકોને પડતી મુશકેલીઓ અંગે થોડી પણ ચિંતા હોય એવું સહેજ પણ દેખાતું નથી. એટલું જ નહીં પરંતુ મોંઘવારીને વૈશ્વિક પ્રશ્ન છે એવું ગણાવી યોગ્ય ઠેરવવાની કોશિશ કરતા દેખાય છે. આપણા દેશના વિરોધ પક્ષો પણ કેમ ચૂપ છે એ મોંઘવારીથી પરેશાન મધ્યમ કે ગરીબ વર્ગ સમજી શકતો નથી. આવા સમયે લોકજાગ્રતિ જ પરિસ્થિતિમાં બદલાવ લાવી શકે જે આજની તાતી જરૂરિયાત છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિદ્યારૂપી ધન સર્વ ધનોમાં અનોખું અને મહત્ત્વનું છે
એવું કહેવાય છે કે ધનના અલગ અલગ પ્રકાર હોય છે જેવા કે રજધન, ગજધન, રાજધન, અનાજધન, લાલરતનધન તથા સંતોષ નામનું પણ ધન હોય છે. પરંતુ, આ ધનની ખાસ કોઈ કિંમત કે મહત્ત્વ નથી, કિંતુ વિદ્યારૂપી ધન જેની પાસે છે તેની આગળ તમામ ધન વામણાં પુરવાર થાય છે. વિદ્યારૂપી ધન પામેલો વ્યક્તિ દુનિયામાં ક્યાંય પાછો પડતો નથી. ભણેલો ગણેલો વ્યક્તિ પત્થરમાંથી પણ પૈસો પેદા કરી શકે છે. બીજાં બધાં ધન જેની પાસે છે તે ધનની ચોરી થવાની, પાયમાલ થવાની, ઝઘડા થવાની,  ભાઈઓ ભાગ માંગવાની, સરકારનો કર લાગવાની ભીતિ રહેલી હોય છે. જ્યારે જેની ઉપર સરસ્વતી માતાની કૃપા તથા મહેર છે અને જેની પાસે વિદ્યારૂપી ધનનો સંચય છે તેમાં કોઇ ભાર લાગવાનો નથી. તેને સાચવવાની કોઈ ચિંતા રહેતી નથી, ભાઈભાંડુઓ ભાગલાગ માગી શકતા નથી, ચોર લૂંટારા ચોરી કરી શકતા નથી. આ ધન ક્યાંય ખોવાઈ જતું નથી. રાજાનો કર કે લાગો લાગતો નથી. વિદ્યા રૂપી ધન એક એવું ધન છે કે વાપરવાથી કે ઉપયોગ કરવાથી ઘટવાના બદલે વધે છે. એથી જ કોઈ લેખકે લખ્યું છે કે “ વાપરતાં આ વિશ્વમાં ધન બધું ખૂટી જાય. વિદ્યા વાપરતાં વધે તે અચરજ કહેવાય “. 
પંચમહાલ   – યોગેશભાઈ આર. જોશી             – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top