National

આમ આદમી પાર્ટીના શૈલી ઓબેરોય બન્યા દિલ્હીના નવા મેયર

નવી દિલ્હી: (New Delhi) આમ આદમીના પાર્ટીના (AAP) કોર્પોરેટર શૈલી ઓબેરોયે દિલ્હીના મેયરની ચૂંટણી જીતી લીધી છે. તેમણે ભાજપની રેખા ગુપ્તાને હરાવીને આ જીત મેળવી હતી. આ ચૂંટણીમાં (Election) શૈલીને 150 વોટ મળ્યા અને બીજેપીના રેખા ગુપ્તાને આ ચૂંટણીમાં 116 વોટ મળ્યા હતા. મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના શેલી ઓબેરોય 34 વોટથી જીત્યા હતા. જે બાદ આમ આદમી પાર્ટીના (Aam Admi Party) ઉમેદવાર શૈલી ઓબેરોય (Shelly Oberoi) દિલ્હીના મેયર (Delhi Mayor) તરીકે ચૂંટાયા છે. આમ આદમી પાર્ટીના આલે મોહમ્મદ ઈકબાલ ડેપ્યુટી મેયર બન્યા હતા. તેમણે ભાજપના કમલ બગડીને હરાવ્યા હતા. વર્ષ 2022 માં સીમાંકન પછી દિલ્હીમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીના લગભગ દોઢ મહિના પછી આજે 22 ફેબ્રુઆરીએ મેયર પદ તેમજ અન્ય પદો માટે ચુંટણી યોજાઈ હતી.

જીત બાદ શૈલી ઓબેરોયે કહ્યું કે હું ખાતરી આપું છું કે હું આ ગૃહને બંધારણીય રીતે ચલાવીશ. હું આશા રાખું છું કે તમે બધા ગૃહની ગરિમા જાળવીને સદનની સુચારૂ કામગીરીમાં સહકાર આપશો. જણાવી દઈએ કે કોંગ્રેસના 9 કાઉન્સિલરોએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. સુપ્રિમ કોર્ટમાં શૈલી ઓબેરોય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નિર્ણય આવવાને કારણે આજે મેયરની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થઈ શકી હતી.

વોર્ડ નંબર 86 ના કાઉન્સિલર
AAPની ટિકિટ પર શૈલી ઓબેરોયે દિલ્હીની પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86માંથી કોર્પોરેટરની ચૂંટણી લડી અને સફળતા હાંસલ કરી હતી. 39 વર્ષીય શૈલી ઓબેરોય વ્યવસાયે પ્રોફેસર છે. તેમણે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ પ્રથમ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને પ્રથમ ટર્મમાં જ મેયર બન્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શૈલી ઓબેરોય માત્ર 269 મતોથી ચૂંટણી જીત્યા હતા. તેમણે પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86માંથી ભાજપના દિપાલી કપૂરને હરાવ્યા હતા.

નોંધપાત્ર રીતે, શૈલી ઇન્ડિયન કોમર્સ એસોસિએશનના આજીવન સભ્ય પણ છે. તેમણે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (SOMS), ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માંથી ફિલોસોફીમાં પીએચડી કર્યું છે. શેલી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં શ્રેષ્ઠ પેપર એવોર્ડ મેળવનાર પણ છે અને તેમણે ICA કોન્ફરન્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો છે.

Most Popular

To Top