National

લોકતંત્ર બચાઓ મહારેલી: રામલીલા મેદાનમાં 27 પક્ષોના નેતાઓ એક મંચ પર, કલ્પના-સુનિતાનો BJP પર વાર

નવી દિલ્હી: (New Delhi) આજે દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષી જૂથ જોરદાર શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. આ રેલીમાં 27 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલગાંધી, પંજાબના સીએમ ભગવંત માન, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે સહિત અનેક વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો. વિપક્ષી ગઠબંધને આ રેલીને ‘લોકતંત્ર બચાવો મહારેલી’ (Loktantra Bachao Maharally) નામ આપ્યું છે. આ રેલીમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ સામેલ થયા છે. રેલીમાં પક્ષના કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે રામલીલા મેદાન ખાતે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ની મેગા રેલી છે. આ મેગા રેલીમાં આમ આદમી પાર્ટીની સાથે દેશભરના તમામ વિરોધ પક્ષોના નેતાઓ શામેલ છે. આ પહેલાં શનિવારે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે ‘I.N.D.I.A’ ગઠબંધનની ભવ્ય રેલીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. AAPના દિલ્હી રાજ્ય સંયોજક ગોપાલ રાયે કહ્યું કે કોંગ્રેસ સહિત મહાગઠબંધનના તમામ ઘટક પક્ષોની સાથે અન્ય વિપક્ષી દળોના વરિષ્ઠ નેતાઓ રેલીમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે દેશના બંધારણ અને લોકતંત્રને બચાવવાની આ છેલ્લી તક છે. જો આજે દેશની જનતા અવાજ નહીં ઉઠાવે તો કાલે કોઈ અવાજ ઉઠાવી શકશે નહીં.

રાહુલ ગાંધીએ સરકારને ઘેરી- કહ્યું ચૂંટણીમાં મેચ ફિક્સિંગ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણીમાં મેચ ફિક્સિંગ કરવામાં આવી રહ્યું છે. શા માટે ચુંટણી સમયે જ કેજરીવાલને જેલમાં મોકલી દેવાયા? શા માટે ચૂંટણી સમયે જ અમારા બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. આવું ચૂંટણી દરમિયાન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેટલાક ઉદ્યોગપતિઓ સાથે મળીને આ કરી રહ્યા છે. ભાજપ ઇવીએમના ચુનાવ અને સંસ્થાઓ વગર 180 સીટ પર નથી જીતી શકતી. ન્યાય પાલિકા પર દબાણ નાંખવામાં આવી રહ્યું છે.

‘ઝારખંડ ઝુકશે નહીં, ભારત રોકશે નહીં’ કલ્પના સોરેને મહારેલીમાં મોદી સરકાર પર નિશાન સાધ્યું
હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને મહારેલીમાં કહ્યું કે અમારો સંઘર્ષનો ઈતિહાસ છે. આદિવાસી લોકો અડધી વસ્તીનો અવાજ છે. સરમુખત્યારશાહીની શક્તિઓ વધી રહી છે. આપણે બધાએ ભગવાન રામના આદર્શોનું પાલન કરવાનું છે. તેમણે કહ્યું કે હું આદિવાસી મહિલાઓનું પ્રતિનિધિત્વ કરું છું. ઝારખંડ ઝૂકશે નહીં, ભારત રોકશે નહીં.

તમારા કેજરીવાલ શેર છે… પત્ની સુનીતા કેજરીવાલે રામલીલા મેદાનના મંચ પરથી પોતાના પતિનો સંદેશ વાંચ્યો
ઈન્ડિયા એલાયન્સ રેલીમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું કે તમારા પોતાના કેજરીવાલે જેલમાંથી તમારા માટે સંદેશ મોકલ્યો છે. આ સંદેશ વાંચતા પહેલા હું તમને કંઈક પૂછવા માંગુ છું. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારા પતિને જેલમાં ધકેલી દીધા, શું વડાપ્રધાને યોગ્ય કર્યું? શું તમે માનો છો કે કેજરીવાલ જી સાચા દેશભક્ત અને પ્રામાણિક વ્યક્તિ છે? ભાજપના આ લોકો કહી રહ્યા છે કે કેજરીવાલ જી જેલમાં છે, તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. શું તેમણે રાજીનામું આપવું જોઈએ? તમારા કેજરીવાલ શેર છે, તેઓ તેને લાંબા સમય સુધી જેલમાં રાખી શકશે નહીં.

ઉદ્દવ ઠાકરેએ કહ્યું કે હું સુનીતા કેજરીવાલ અને કલ્પના સોરેનને કહેવા માંગુ છું કે અમે તમારી સાથે ઉભા છીએ. હું બીજેપીને તેના બેનરો પર લખવા માટે પડકાર આપું છું – અમારા ત્રણ સહયોગી ED-CBI-Income Tax છે. હવે ભારતમાં ગઠબંધન સરકાર લાવવાનો સમય આવી ગયો છે. અમે અહીં લોકશાહીની રક્ષા માટે છીએ. તેમણે અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન વિરૂદ્ધ ચાર્જ લગાવ્યા અને તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

લોકતંત્ર બચાઓ મહારેલીમાં આ આગેવાનો જોડાયા
રેલીમાં સોનિયા ગાંધી (કોંગ્રેસ), એમ ખડગે (કોંગ્રેસ), રાહુલ ગાંધી (કોંગ્રેસ), શરદ પવાર (એનસીપી), ઉદ્ધવ ઠાકરે (યુબીટી), આદિત્ય ઠાકરે (યુબીટી), અખિલેશ યાદવ (એસપી), તેજસ્વી યાદવ (આરજેડી), ડેરેક ઓ’બ્રાયન (TMC), ટી શિવા (DMK), ફારૂક અબ્દુલ્લા (NC), ચંપાઈ સોરેન (JMM), કલ્પના સોરેન (JMM), સીતારામ યેચુરી (CPM), ડી રાજા (CPI), દિપાંકર ભટ્ટાચાર્ય (CPI- ML), જી દેવરાજન (ફોરવર્ડ બ્લોક), મેહબૂબા મુફ્તી (PDP)

દિલ્હીમાં સત્તા પર બેઠેલા લોકો લાંબા સમય સુધી ટકી શકશે નહીં: અખિલેશ
ભારત ગઠબંધનની ‘મહારેલી’ને સંબોધતા સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે આ રામલીલા મેદાન એક ઐતિહાસિક મેદાન છે અને આજે જ્યારે અમે અહીં એકઠા થયા છીએ અને સાથે ઉભા છીએ ત્યારે આ મેદાન પરથી જાહેરાત થવા જઈ રહી છે કે જેઓ સત્તામાં છે, જે લોકો દિલ્હીમાં બેઠા છે તેઓ વધુ સમય સુધી નહીં રહે. જેઓ 400 પાર કરવાના નારા આપે છે જો તમારો 400 કરી રહ્યા છો તો તમને આમ આદમી પાર્ટીના નેતાથી ડર શા માટે લાગી રહ્યો છે?

કોઈ વકીલ નથી, કોઈ દલીલ નથી, કોઈ કાર્યવાહી નથી, સીધી જેલ- મેહબૂબા મુફ્તી
I.N.D.I.A ગઠબંધનની ‘મહારેલી’ને સંબોધતા પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું, “…આજે દેશ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે કોઈ વકીલ નથી, કોઈ દલીલ નથી, કોઈ કાર્યવાહી નથી, સીધી જેલ. કદાચ આને જ કળિયુગનું અમૃતકાલ કહેવાય છે કે તમે લોકોને કંઈપણ પૂછ્યા વિના જેલમાં ધકેલી દો છો… અમે છેલ્લા 5 વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં આ જોઈ રહ્યા છીએ… જ્યારે તમે બંધારણ અને કાયદાનું ઉલ્લંઘન કરો છો, ત્યારે તે રાષ્ટ્રીય હિતમાં નહીં પણ દેશદ્રોહ છે.… કેજરીવાલ અને હેમંત સોરેનનો શું વાંક છે?…”

Most Popular

To Top