National

ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ બોર્ડર પર અફરાતફરી, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, સરકાર મિટિંગ માટે તૈયાર

નવી દિલ્હી: ખેડૂતો (Farmers) આજે ફરી દિલ્હી કૂચ (Delhi march) શરૂ કરી છે. પોતાની માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ચોથા રાઉન્ડની મંત્રણાની (Conversation) નિષ્ફળતા બાદ રાષ્ટ્રીય રાજધાનીની સરહદ પર ઉભેલા ખેડૂત સંગઠનો આજે ફરી એકવાર દિલ્હી કૂચ આરંભી છે. સવારે 11 કલાકે શંભુ બોર્ડર પર ખેડૂતોએ દિલ્હી તરફ આગળ વધવા પ્રયાસ કર્યો હતો. તેઓને રોકવા માટે પોલીસે પણ તૈયારી કરી હતી. પરિણામે બંને તરફ અથડામણ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. ખેડૂતોને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે.

સરકાર પાંચમા રાઉન્ડની મિટિંગ માટે તૈયાર
સરકાર પાંચમા રાઉન્ડ માટે સંમત થઈ છે. કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે તેઓ ભવિષ્યમાં પણ ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, શાંતિ જાળવવી જરૂરી છે. ખેડૂતોએ સરકાર સમક્ષ 13 મુદ્દાની માંગણીઓ રજૂ કરી હતી, જેમાંથી 10 પર સંમતિ આપવામાં આવી છે. ત્રણ માંગણીઓની પૂર્તિ અંગે દ્વિધા છે. સરકારનું કહેવું છે કે આ માંગણીઓ પૂરી કરવા માટે સમયની જરૂર છે. જો કે, સરકારે MSP ગેરંટી અંગે ખેડૂતોને એક ફોર્મ્યુલા પણ રજૂ કરી હતી.

જ્યારે આ આંદોલનના કારણે દિલ્હી (Delhi) બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોની સજ્જતા જોઈને પોલીસ-પ્રશાસન સંપૂર્ણ રીતે સતર્ક છે. તેમજ આ વખતે ખેડૂતોએ બેરિકેડ તોડી પોલીસ (Police) દ્વારા બળપ્રયોગ ટાળવા ખાસ તૈયારીઓ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકારે ખેડૂતોને શાંતિ અને વાતચીતની અપીલ કરી છે. સાવચેતીના પગલા તરીકે, વહીવટીતંત્રે સમગ્ર સરહદને મજબૂત બનાવી છે અને ખેડૂતોને રોકવા માટે તમામ પગલાં લીધા છે. ગૃહ મંત્રાલયે આ મામલે એક્શન મોડ અપનાવ્યું છે. મંત્રાલયે પંજાબ સરકાર સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ઈન્ટરનેટ, વોટ્સએપ અને ફેસબુક પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઉપરાંત ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને લઈને ગૃહ મંત્રાલયના આંતરિક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલમાં પંજાબમાં બગડતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ કહેવામાં આવ્યું હતું કે લગભગ 14,000 લોકોને શંભુ બોર્ડર પર એકઠા થવાની મંજૂરી આપવામાં આવી છે અને ધાભી-ગુજરાન બેરિયર પર એક વિશાળ મેળાવડાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં લગભગ 14,000 લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. તેને ધ્યાનમાં રાખીને પંજાબ-હરિયાણા અને હરિયાણા-દિલ્હી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થાને એલર્ટ પર રાખવામાં આવી છે.

ખેડૂતોએ જેસીબી અને પોકલેન મશીન મંગાવ્યું
ખેડૂતોની હિલચાલને જોતા પંજાબથી દિલ્હી હાઈ એલર્ટ પર છે. ખેડૂતોએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે 21 ફેબ્રુઆરી બુધવારે ખેડૂત સંગઠનો ફરી દિલ્હી કૂચ કરશે. ખેડૂતોએ જણાવ્યું કે તેઓ આજે સવારે 11 વાગ્યે શંભુ બોર્ડરથી નીકળશે. જોકે હરિયાણા પોલીસે ખેડૂતોને રોકવા માટે નક્કર વ્યવસ્થા કરી છે. પોલીસની સાથે સાથે પેરા મિલિટ્રીના જવાનોને પણ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા છે.

અગાઉ થયેલી પોલીસની કાર્યવાહીના પગલે આ વખતે ખેડૂતો પોલીસ બેરીકેટ તોડવા માટે પોકલેન મશીન અને જેસીબી પોતાની સાથે લાવ્યા છે. આને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને પત્ર લખીને ખેડૂતોની આડમાં ઉપદ્રવ સર્જનારાઓ સામે પગલાં લેવા જણાવ્યું છે. બીજી તરફ કેન્દ્ર સરકાર હજુ પણ ખેડૂત સંગઠનો સાથે વાત કરવા તૈયાર છે. પરંતુ ખેડૂત સંગઠનો દિલ્હી જવા પર અડગ છે.

Most Popular

To Top