National

“શું પૂછવું છે લખીને મોકલો…”EDના સમન્સ પર હાજર ન થતા સીએમ કેજરીવાલે લખ્યો પત્ર

નવી દિલ્હી: દારૂ કૌભાંડની તપાસ મામલે દિલ્હીમાં (Delhi) રાજકારણ ગરમાયું છે. આ માટે EDએ સીએમ અરવિંદ કેજરીવાલને (CM Arvind Kejriwal) ત્રણ વખત સમન્સ (Summons) મોકલ્યા છે, પરંતુ કેજરીવાલ હજુ સુધી પૂછપરછ (Inquiry) માટે ઓફિસ પહોંચ્યા નથી. હવે આ મામલામાં સતત વિવાદ બાદ એ વાત સામે આવી છે કે સીએમ કેજરીવાલે EDના સમન્સના ઈરાદા પર સવાલો ઉઠાવ્યા છે. અરવિંદ કેજરીવાલે ED પાસે પ્રશ્નાવલીની માંગણી કરી છે.

મળતી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ મામલામાં ED દ્વારા સમન્સ મોકલવાના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, સમન્સનો હેતુ કોઈ કાયદેસર તપાસ કરવાનો છે કે મારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો છે? તેમણે કહ્યું કે, ED સમન્સ મારા સુધી પહોંચતા પહેલા જ સમાચાર સંસ્થાઓ સુધી કેવી રીતે પહોંચી ગયું?

એટલું જ નહિ અરવિંદ કેજરીવાલે EDને પત્ર લખીને પ્રશ્નાવલી માંગી છે. તમને જણાવી દઈએ કે EDને લખેલા પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એજન્સી પાસેથી પ્રશ્નાવલી માંગી છે અને તેમને મોકલવામાં આવેલા સમન્સના ઈરાદા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે રાજ્યસભાની ચૂંટણી 19 જાન્યુઆરીએ યોજાવાની છે અને તેમણે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં પણ દિલ્હીના સીએમ તરીકે ભાગ લેવાનો છે.

તમને જણાવી દઈએ કે દિલ્હી લિકર પોલિસીમાં કથિત કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા ન હતા. કેજરીવાલે પોતાનો જવાબ EDને મોકલી દીધો છે. તેમની પાર્ટી (AAP)નું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ EDની તપાસમાં સહકાર આપવા તૈયાર છે, પરંતુ તપાસ એજન્સીની નોટિસ ગેરકાયદેસર છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમને ચૂંટણી પ્રચારથી રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. AAPએ ચૂંટણી પહેલા નોટિસ જારી કરવા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

જો કે આ પહેલા પણ અરવિંદ કેજરીવાલે ED દ્વારા મોકલવામાં આવેલા બે સમન્સ અંગે લેખિત જવાબ મોકલીને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સમન્સને ગેરકાયદેસર અને રાજકીય પ્રેરિત ગણાવીને પૂછપરછમાં ભાગ લીધો ન હતો. અગાઉ, EDએ કેજરીવાલને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બર 2023ના રોજ હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું. પરંતુ તે તપાસ એજન્સી સમક્ષ હાજર થયો ન હતો. જ્યારે બીજુ સમન દિલ્હીના આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવ્યું ત્યારે તેઓ વિપશ્યના ધ્યાન માટે પંજાબ ગયા હતા.

Most Popular

To Top