SURAT

પાંડેસરામાં 9 વર્ષનો માસુમ અભ્યાસ કરતા કરતા બેભાન થઈ ગયો, સિવિલ લવાતા મોત

સુરત: શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતા અને મહારાષ્ટ્રના વતની પરિવાર સાથે આજે બુધવારે એક દુ:ખદ ઘટના બની હતી. પરિવારનો દિકરો અચાનક મોતને (Death) ભેટતા આખો પરિવાર શોકમાં સરી ગયો છે. મૃત્યુ પહેલા દિકરો જમીને અભ્યાસ (Study) કરવા બેઠો હતો. થોડા જ સમય બાદ અચાનક તેને ઉલટી (Vomit) થવા માંડી હતી. તેમજ તેને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત (Died) જાહેર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા નાગસેન નગરમાં 9 વર્ષીય જીગ્નેશ બપોરના ભોજન બાદ અભ્યાસ કરવા બેઠો હતો. દરમિયાન તેને અચાનક ઉલટી થઈ અને બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ તરત જ જીગ્નેશને નજીના દવાખાનામાં સારવાર માટે ખસેડાયો હતો. તેમજ જીગ્નેશને ભાન ન આવતા તેને સિવિલ લઇ આવ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

મૃતક જીગ્નેશના પિતા મુકેશ વિસાવેએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે જીગ્નેશ માત્ર 9 વર્ષનો હતો. તેમજ ધોરણ-6 માં અભ્યાસ કરતો હતો. બંન્ને બાળકો સહિત આખા પરિવારે સાથે બપોરે 12:30 વાગે જ ભોજન કર્યું હતું. ત્યારબાદ જીગ્નેશ અભ્યાસ કરવા બેસી ગયો હતો. અચાનક 3 વાગ્યાની આજુબાજુ એને ઉલટી થઈ હતી. ત્યાર બાદ તે બેભાન થઈ ગયો હતો. એટલે ઝડપથી જીગ્નેશને નજીકના દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં જીગ્નેશને ભાન ન આવતા તેને 108ની મદદથી સિવિલ લઈ ગયાં હતા. પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ગયુ હતું. ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું કે તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેમજ વર્ષોથી સુરતમાં જ રહે છે. સુરતમાં તેઓ મજૂરી કામ કરી પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. અચાનક દિકરા જીજ્ઞેશના મોતની સમાચાર બાદ આખો પરિવાર શોકમાં સરી પડ્યો છે. પિતાએ ભાવુક થતા જણાવ્યું કે ‘સાહેબ એને શ્વાસની બીમારી હતી. દવા પણ ચાલતી હતી.’ હાલ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરાઈ છે.

Most Popular

To Top