World

પુતિન બાદ હવે ચીનનાં પ્રમુખ જિનપિંગ પણ G-20ની બેઠકમાં હાજર નહીં રહે

નવી દિલ્હી: (New Delhi) ચીની પ્રમુખ ઝી જિનપિંગ દિલ્હી ખાતે યોજાનાર જી-૨૦ સમિટમાં હાજરી આપશે કે કેમ એ વિશે ચીન (China) તરફથી હજી કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ એ સ્પષ્ટ થઇ ગયું છે કે તેઓ આ બેઠકમાં ભાગ લેવા ભારત (India) આવશે નહીં અને તેમના સ્થાને ચીની વડાપ્રધાન લી-કેકીઆંગ આવશે.

  • જાકાર્તામાં એસિઆન સમિટમાં હાજરી આપ્યા બાદ લી કેકિઆંગ ત્યાંથી સીધા દિલ્હી આવશે, વીવીઆઇપી ફ્લાઇટ પ્લાનની નોંધણી પરથી જાણવા મળ્યું
  • ચીને જો કે હજી આ બાબતમાં ભારતને કશું જણાવ્યું નથી
  • જી-૨૦ના મોટા ભાગના નેતાઓ આવવાના છે, રશિયન પ્રમુખ પુટિન આવવાના નથી

ભારતને હજી ચીન તરફથી એ બાબતે કોઇ સમર્થન પ્રાપ્ત થયું નથી કે પ્રમુખ ઝી જિનપિંગ આગામી જી-૨૦ સમિટમાં રૂબરૂ હાજર રહેશે એમ દિલ્હીમાંની સ્થિતિથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું. પરંતુ અધિકૃત સૂત્રોએ આપેલી માહિતી મુજબ ચીની વડાપ્રધાન લી કેકિઆંગ પથી ૭ સપ્ટેમ્બર દરમ્યાન જાકાર્તામાં યોજાનાર ૪૩મી એસિઆન સમિટમાં હાજરી આપ્યા બાદ ત્યાંથી સીધા દિલ્હી આવવા રવાના થશે. વીવીઆઇપી ફ્લાઇટ કાર્યક્રમની નોંધણી પરથી આ જાણવા મળ્યું છે એમ જણાવવામાં આવ્યું હતું. આ અગાઉ ચીન ખાતેના એક રાજદ્વારીએ તથા અન્ય એક જી-૨૦ સભ્ય દેશના અધિકારીએ સંકેત આપ્યો હતો કે જિનપિંગ આ શિખર પરિષદમાં હાજર રહી શકે છે. જો કે હવે આ અંગે અટકળો બદલાઇ છે.

હજી એ બાબતે ચીન તરફથી કોઇ સમર્થન મળ્યું નથી કે ચીની પ્રમુખ સમિટમાં હાજર રહેશે એમ એક સૂત્રે જણાવ્યું હતું. જ્યારે ઘટનાઓથી વાકેફ એવી બીજી વ્યક્તિએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ચીની પ્રમુખ સમિટમાં પોતે હાજર રહેશે કે અન્ય કોઇ નેતા ભારત આવશે તે બાબતે અચોક્કસતા પ્રવર્તી રહી છે. ભારત તરફથી આ બાબતે હજી કંઇ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું નથી. બીજી બાજુ જિનપિંગ દિલ્હીમાં યોજાનાર જી-૨૦ સમિટ પડતી મૂકી શકે તેવા રોઇટર્સના અહેવાલ બાબતે ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા વેંગ વેબીને બૈજિંગમાં એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે આ બાબતે તેમની પાસે કહેવા જેવું કશું નથી. જી-૨૦ સમિટમાં ચીની નેતાઓના ભાગ લેવા અંગે આ ક્ષણે મારી પાસે આપવા જેવી કોઇ માહિતી નથી એમ તેમણે કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકી પ્રમુખ જો બાઇડન, ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયન પ્રમુખ એન્થની આલ્બાનિઝ, યુકેના વડાપ્રધાન ઋષિ સુનક સહિતના જી-૨૦ના મોટાભાગના નેતાઓએ આ બેઠકમાં હાજર રહેવાની ખાતરી આપી છે જ્યારે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતીને જણાવ્યું છે કે પોતે આ બેઠકમાં હાજરી આપી શકશે નહીં, તેમના સ્થાને વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ આવી શકે છે.

Most Popular

To Top